કોઝ, રોનાલ્ડ હૅરી (જ. 29 ડિસેમ્બર 1910, વિલ્સડેન, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 2013, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને 1991ના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. સમગ્ર શિક્ષણ વતન ઇંગ્લૅન્ડમાં. 1932માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી બી.કૉમ. તથા ત્યાંથી જ 1951માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કેટલીક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય શરૂ કર્યું; દા.ત., 1932-34 દરમિયાન ડંડીમાં, 1935-36માં લિવરપૂલ અને 1935-51ના ગાળામાં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપનકાર્ય કર્યું.
ત્યારબાદ અમેરિકામાં સ્થળાંતર કર્યું અને ત્યાં પણ અધ્યાપનકાર્ય કરતા રહ્યા. 1951-58ના ગાળામાં ન્યૂયૉર્ક ખાતેની યુનિવર્સિટી ઑવ્ બફેલો ખાતે, 1958-64 દરમિયાન કાર્લોટવિલે ખાતેની યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયામાં અને ત્યાર બાદ 1964–82ના ગાળામાં શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન અર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પર બઢતી મળી અને ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ બિઝિનેસમાં શિક્ષણકાર્ય કરતા રહ્યા. સાથોસાથ 1964-82ના ગાળામાં ‘જર્નલ ઑવ્ લૉ ઍન્ડ ઇકૉનૉમિક્સ’ સામયિકનું સંપાદનકાર્ય પણ કરતા રહ્યા.
બ્રિટનમાં સ્નાતક પદવી માટે અધ્યયન કરતા હતા તે દરમિયાન તેમણે લખેલ ‘ધ નેચર ઑવ્ ધ ફર્મ’ શીર્ષક હેઠળનો તેમનો એક લેખ 1937માં ‘ઇકૉનૉમિકા’ નામના સામયિકમાં પ્રકાશિત થયેલો; જેને કારણે તેમને ઘણી ખ્યાતિ પ્રાપ્ત થયેલી. આ લેખ દ્વારા તેમણે એ સાબિત કરવાનો પ્રયાસ કરેલો કે લોકો અરસપરસના સોદા વ્યક્તિગત રાહે કરવાને બદલે પેઢીઓમાં દાખલ થઈ સામૂહિક રીતે સોદાઓ કેમ કરતા હોય છે. તેમની એવી દલીલ હતી કે જો દરેક વ્યક્તિ પોતાની રાહે સોદાઓ કરે તો તેને સોદાઓની શરતો લખી કાઢવામાં તથા સોદાઓમાં દાખલ થતી વસ્તુઓની કિંમતો નિર્ધારિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જો તે પેઢી મારફત સોદા કરે તો તેને આ મુશ્કેલીઓ નડે તેમ નથી. આમાંથી તેમણે ‘સોદાઓના ખર્ચ’(transaction costs)ની વિભાવના પ્રચલિત કરી. અમેરિકામાં સ્થળાંતર કર્યા બાદ તેમણે જે શકવર્તી પ્રદાન કર્યું તે ‘કૉઝ થિયેટર’ના નામથી ઓળખાય છે. આ સંશોધન દ્વારા તેમણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે મિલકતના અધિકારો સાધનોની ઇષ્ટ વહેંચણીમાં મદદરૂપ થાય છે. આ અંગેનો તેમનો લેખ ‘જર્નલ ઑવ્ લૉ ઍન્ડ ઇકૉનૉમિક્સ’ નામના સામયિકમાં 1959માં પ્રકાશિત થયો હતો. આ સામયિકના તેઓ પોતે સંપાદક હતા. ત્યાર બાદ એક વર્ષ પછી 1960માં તેમનો વિસ્તૃત લેખ ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ સોશિયલ કૉસ્ટસ’ શીર્ષક હેઠળ તે જ સામયિકમાં પ્રકાશિત થયેલો.
ઇજારો અને કિંમત-નિર્ધારણના પરસ્પર સંબંધો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો છે, જેના દ્વારા મિલકતના અધિકારો અંગેના તેમના સંશોધનનો પાયો નંખાયો હતો.
તેમનાં પ્રકાશનોનાં ‘બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ : અ સ્ટડી ઇન મોનોપલી’ (1950) તથા ‘ધ બ્રિટિશ પોસ્ટ ઑફિસ ઍન્ડ ધ મેસેન્જર કંપનીઝ’ (1961) આ બે ગ્રંથોમાં સમાવેશ થાય છે.
વ્યાવહારિક સમસ્યાઓના વિશ્લેષણમાં ગણિતનો ઉપયોગ કર્યા વિના પ્રકાશ પાડી શકાય તેમ છે એવું તેઓ માનતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે