કોચિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની ઉપક્ષુપ કે શાતકીય પ્રજાતિ. તેની જાતિઓનું વિતરણ મધ્ય અને દક્ષિણ યુરોપ, સમશીતોષ્ણ એશિયા, ઉત્તર અને દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે.
Kochia scopariaનું સ્વરૂપ અને જાત સામાન્યત: K. trichophylla Voss. (અં. સમર સાઇપ્રસ, ફાયર બુશ ફાયર પ્લાન્ટ, બર્નિગ બુશ, મૉક સાઇપ્રસ) નામ હેઠળ જાણીતું છે અને તે ઉનાળા અને ચોમાસામાં થાય છે. તે ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેને કાપીને ગોળ, લંબગોળ કે પિરામિડ આકાર આપવામાં આવે છે. તેની ઊંચાઈ 60-80 સેમી. હોય છે. પર્ણો સાંકડાં અને સોયાકાર હોય છે. કૂંડામાં તેમજ જમીન ઉપર અને તડકામાં તેમજ છાંયડામાં તે થઈ શકે છે. પાકટ થતાં પાન જાંબલી કે ગુલાબી રંગનાં બને છે. તે વખતે તેને ગુલાબી રંગનાં નાનાં નાનાં પુષ્પો બેસે છે. તેનાં બીજ ખૂબ બારીક હોય છે. છોડ સામાન્ય રીતે 6થી 8 માસ સુધી સારી રીતે ટકે છે.
ભારતમાં થતી Kochiaની અન્ય જાતિઓમાં K. indica Wight અને K. prostrata Schrad.નો સમાવેશ થાય છે.
મ. ઝ. શાહ