કોઇમ્બતૂર (જિલ્લો) : તામિલનાડુ રાજ્યનો ચેન્નઈ જિલ્લા પછીનો બીજા ક્રમનો મહત્વનો ઔદ્યોગિક જિલ્લો. વિસ્તાર : 7469 ચોકિમી. વાયવ્યમાં નીલગિરિ તથા દક્ષિણમાં અન્નાઇમલાઈ અને દક્ષિણઘાટની પાલની પર્વતમાળાથી તે ઘેરાયેલો છે. તેની પશ્ચિમે પાલઘાટ તથા પૂર્વમાં ત્રિચિનાપલ્લી આવેલાં છે. આશરે 900 મી. ઊંચાઈએ આવેલો આ પઠાર પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે. અહીં ચા, કૉફી, ચંદન, સાગ જેવી વસ્તુઓ થાય છે. ઉપરાંત ચૂનાખડક, અબરખ, ઍસ્બેસ્ટૉસ અને નીલમ જેવા ખનિજ પદાર્થો ત્યાં મળી આવે છે. કપાસનાં જિન, ખાદ્યપ્રક્રમણનાં કારખાનાં તથા વાહનવ્યવહારને લગતાં સાધનો અને ઉપકરણો તૈયાર કરતા ઔદ્યોગિક એકમો આ જિલ્લામાં વિકસ્યા છે.
જિલ્લાની આબોહવા ઉષ્ણ તથા સૂકી છે. આ જિલ્લો અવારનવાર દુકાળનો ભોગ બને છે.
નવમી સદી સુધી આ પ્રદેશ સ્વાયત્ત હતો અને તેનું નામ કોંગુનાડ હતું. તે પછી તે ક્રમશ: વિજયનગર સામ્રાજ્ય, મુસલમાન સત્તા તથા બ્રિટિશરોના તાબા હેઠળ રહ્યો હતો. 1950માં ભૂદાન ચળવળ આ જ જિલ્લામાંથી શરૂ થઈ હતી. જિલ્લાની વસ્તી 2021 મુજબ 34,72,578 જેટલી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે