કોંડકે, દાદા (જ. 8 ઑગસ્ટ 1932, ભોર, પુણે; અ. 14 માર્ચ 1998, મુંબઈ) : મરાઠી લોકનાટ્ય તથા ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. આખું નામ કૃષ્ણા ખંડેરાવ કોંડકે. હોશિયાર હોવા છતાં ગણિત વિષય જરા પણ ફાવતો ન હોવાથી ભણી શક્યા નહિ. તેથી ભરણપોષણના સાધન તરીકે મુંબઈના ભોઈવાડા ખાતેના શ્રીકૃષ્ણ બૅન્ડ જૂથમાં સામેલ થયા. સાથોસાથ પ્રજાસમાજવાદી પક્ષની શાખા સેવાદળમાં સક્રિય બન્યા. આ સંસ્થાના નેજા હેઠળ રજૂ થતા લોકરંજનના કાર્યક્રમોમાં ભાગ લેવાની શરૂઆત કરી અને અભિનયના અભિજાત ગુણ ધરાવનાર દાદા કોંડકેએ ટૂંક સમયમાં લોકનાટ્યના કલાકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી.

દાદા કોંડકે

તેમના કાર્યક્રમોમાં અફાટ ગિરદી થવા લાગી. મહારાષ્ટ્રનાં ગામડે ગામડે તેમના લોકનાટ્યના કાર્યક્રમો થવા લાગ્યા. દરમિયાન મુંબઈના અપના બજાર(મૂળ નામ ‘મુંબઈ કામગાર’)માં નોકરી સ્વીકારી લીધી. સમયાંતરે તેમણે ‘દાદા કોંડકે આણિ પાર્ટી’ નામનું લોકનાટ્યને વરેલું જૂથ ઊભું કર્યું. તેમનું પ્રથમ સોપાન વસંત સબનીસ દ્વારા લિખિત ‘છપરી પલંગાચા વગ’ આ લોકનાટ્ય હતું. દાદાએ આ લોકનાટ્યને નવું નામ આપ્યું ‘વિચ્છા માઝી પુરા કરા.’ આ લોકનાટ્ય એટલું બધું લોકપ્રિય નીવડ્યું કે મહારાષ્ટ્રના ગામડે ગામડે તેના પ્રયોગ થવા લાગ્યા. ડિસેમ્બર, 1965માં મુંબઈમાં ધોબીતળાવ ખાતેના રંગભવનમાં શહેરી વિસ્તારનો તેનો પ્રથમ પ્રયોગ થયો. રજતપટ પર તેમનું પ્રથમ સોપાન તે ભાલજી પેંઢારકર દ્વારા દિગ્દર્શિત ‘તાંબડી માતી’. ભાલજીના પ્રોત્સાહનથી જ દાદાએ પોતાના નિર્દેશન હેઠળનું ચલચિત્ર ‘સોંગાડ્યા’ પ્રસ્તુત કર્યું, જેણે સુવર્ણમહોત્સવનું માન પ્રાપ્ત કર્યું. મરાઠી ભાષાની લવચીકતાનો દાદાએ પોતાના ચલચિત્રમાં ભરપૂર ઉપયોગ કર્યો છે, જેને કારણે મહારાષ્ટ્રની સામાન્ય જનતાના લોકમાનસમાં તેમને કાયમી ઊંચું સ્થાન પ્રાપ્ત થયું. માર્ચ, 1971માં પુણેના ભાનુવિલાસ ચિત્રપટગૃહમાં ‘સોંગાડ્યા’નો પ્રથમ પ્રયોગ થયો અને ત્યાર બાદ ઘણાં અઠવાડિયાં સુધી તે ‘હાઉસફુલ’ જતું હતું. પુણે શહેરમાં તેને સાંપડેલ પ્રતિસાદને કારણે દાદા કોંડકેનું નામ ગ્રામીણ જનતાની સાથોસાથ શહેરી વિસ્તારના પરિવારોમાં પણ વહેતું થવા લાગ્યું. 1997 સુધી ફિલ્મોમાં સક્રિય હતા. એમણે બધી મળીને 22 જેટલી ફિલ્મો કરી છે.

દાદા કોંડકેએ લાગલાગટ નવ સુવર્ણમહોત્સવ તથા છ રૌપ્યમહોત્સવ ચલચિત્રોનું નિર્માણ કર્યું. એ સર્વ ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. આ સિદ્ધિને કારણે તેમનું નામ ગિનીસ બુક્સ ઑવ્ રેકર્ડમાં દાખલ થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે