કૉલ્ટ્રાન, જોન વિલિયમ (જ. 23 સપ્ટેમ્બર 1926, હેમલેટ, અમેરિકા; અ. 17 જુલાઈ 1967, હન્ટિન્ગ્ટન, ન્યૂયૉર્ક, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન જાઝ-સ્વર-નિયોજક, જાઝ-ટેનર-ગાયક, અને સોપ્રાનો (ઊંચા સપ્તકોમાં) સેક્સોફોનવાદક. 1960થી 1980 સુધી જાઝ-સંગીત પર તેમનો ભારે પ્રભાવ હતો.
એડી વિન્સન, ડીઝી ગિલેસ્પી, અર્લ બૉસ્ટિક, અને જોની હોજિસ સાથે 1955માં જાઝ-ગાનવાદન કર્યા બાદ પ્રસિદ્ધ જાઝ-વાદકો માઇલ્સ ડૅવિસ તથા થેલોનિયસ મૉન્ક સાથે સંગત કરવી શરૂ કરી. 1956માં કૉલ્ટ્રાન સેક્સોફોન-વાદનની ઉત્કૃષ્ટ સીમાએ પહોંચ્યા. એ શૈલીને તેમના ઘણા શિષ્યોએ યથાતથ અપનાવી. હવે કોલ્ટ્રાને પિયાનિસ્ટ મેકકૉય ટાઇનર (Maccoy Tyner) બાસ ચેલિસ્ટ જિમી ગેરિસન તથા ડ્રમર એલ્વિન જોન્સ સાથે સંગત કરી જલસા આપ્યા. જાઝ-સ્વરનિયોજક તરીકે કૉલ્ટ્રાને ઉત્તમ કૃતિઓ લખી છે;
કૉલ્ટ્રાન વિશે બે જીવનકથાઓ લખાઈ છે. જે. સી. થૉમસે ‘યેઝિન્ગ ધ ટ્રેન, ધ મ્યુઝિક ઍન્ડ મિસ્ટિક ઑવ્ જોન કૉલ્ટ્રાન’, (1975) નામની અને સી.ઓ. સિમ્પિકન્સે ‘કૉલ્ટ્રાન, એ બાયૉગ્રાફી’, (1975) નામની જીવનકથા લખી છે.
અમિતાભ મડિયા