કૉલોમ્બે, મિશે (Colombe Michel) (જ. આશરે 1430, બ્રિટાની, ફ્રાંસ; અ. આશરે 1512, તૂ, ફ્રાન્સ) : ફ્રાંસના છેલ્લા ગૉથિક શિલ્પી. એમના જીવનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નાન્તે કેથીડ્રલમાં બ્રિટાનીના રાજા ફ્રાંસ્વા બીજા અને તેની પત્ની માર્ગરિતની કબર પર કૉલોમ્બેએ ચાર મૂર્તિઓ કંડારી છે, જે ચાર મૂલ્યોની પ્રતીકાત્મક રજૂઆત કરે છે સત્ય, ન્યાય, મહેનત અને પ્રેમ. આ ઉપરાંત પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં રહેલું તેમણે આરસમાં છીછરું અર્ધમૂર્ત કંડારેલું શિલ્પ ‘સેંટ જ્યૉર્જ ઍન્ડ ધ ડ્રેગન’ તેમની શ્રેષ્ઠ રચના ગણાય છે.
અમિતાભ મડિયા