કૉર્નુય પિયેરી (જ. 6 જૂન 1606, રોઆન (ફ્રાન્સ), અ. 1 ઑક્ટોબર 1684, પૅરિસ) : અગ્રગણ્ય ફ્રેંચ નાટ્યકાર. સંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની જેસ્યુઇટ ધર્મવિચારણાની ઊંડી અસર તેમના પર પડી હતી. ધારાશાસ્ત્રી તરીકે રોઆનમાં ખ્યાતિ મેળવ્યા બાદ ખાસ કરીને નાટ્યસાહિત્યને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જીવનના શેષ ભાગમાં તેમણે ધાર્મિક કાવ્યો રચ્યાં હતાં. નાટકો તેમજ કાવ્યોમાં તેમણે પ્રશિષ્ટ ફ્રેન્ચ છંદ ઍલેક્ઝાન્ડ્રિનનો ઉત્તમ વિનિયોગ કર્યો છે. કૉર્નુય, ફ્રેન્ચ નાટ્યસાહિત્યમાં અનુપ્રશિષ્ટવાદ(neoclassicism)ના મુખ્ય પ્રવર્તક ગણાય છે. ફ્રેન્ચ ટ્રૅજેડીનું બંધારણ ઍરિસ્ટોટલે બાંધેલ ગ્રીક ટ્રૅજેડીના સ્વરૂપને અનુરૂપ હોવું જોઈએ તેમ કૉર્નુય માનતા. તેમનાં નાટકોમાં આથી ત્રણેય અન્વિતિઓ (three unities) સહિતનાં ગ્રીક ટ્રૅજેડીનાં બધાં જ લક્ષણો ઉત્તમ રીતે પ્રયોજાયેલાં જોવા મળે છે.
કૉર્નુયે 1630થી 1636ના ગાળામાં સાત નાટકો રચ્યાં જેમાં પાંચ કૉમેડી, એક ટ્રૅજી-કૉમેડી ને એક ટ્રૅજેડીનો સમાવેશ થાય છે. આમ ફ્રાન્સના એક મહાન ટ્રૅજેડીલેખક તરીકે કૉર્નુયે રોમન, બાઇઝેન્ટાઇન અને સ્પૅનિશ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરીને તે તે સાહિત્યમાં પરિચિત પાત્રો-પ્રસંગો ઉપર પોતાની વિખ્યાત કરુણાંત નાટ્યકૃતિઓનું સર્જન કર્યું, ‘ધ સીડ’ ટ્રૅજી-કૉમેડી તરીકે રંગભૂમિ ઉપર અત્યંત સફળતા પામ્યું.
કૉર્નુયે 34 નાટકો રચ્યાં છે. ‘હૉરેસ’, ‘સીન્ના’, ‘પોલિયુક્ટ્સ’, ‘ધ ડેથ ઑવ્ પૉમ્પી’, ‘ધ લાયર’, ‘રોડોગન’ આદિ નાટકો દ્વારા તેમણે પ્રશિષ્ટ ટ્રૅજિક નાટ્યસ્વરૂપને ફ્રાન્સમાં અત્યંત સફળતાપૂર્વક ખેડ્યું. તેમનાં બધાં જ મુખ્ય પાત્રો આંતરિક સંઘર્ષની તીવ્રતમ ક્ષણે વિશિષ્ટ માનવીય મૂલ્યોનાં દ્યોતક બની રહે છે. તેમણે ‘ડ્રામૅટિક પોએટ્રી’ નામના ગ્રંથમાં પોતાના નાટ્યસિદ્ધાંતનું વિશ્લેષણ કર્યું છે.
નલિન રાવળ