કૉર્ડિયા : બો. ના. કૉર્ડિયા સેબેસ્ટીના. ગૂંદાની જાતનું ઝાડ. ઘણુંખરું નાના કદમાં થતું આ ઝાડ ઝડપથી વધે છે. એનાં પાન 15થી 20 સેમી. મોટાં થાય છે. નારંગી-લાલ રંગનાં ફૂલ મુખ્યત્વે શિયાળામાં થાય છે, પરંતુ બીજી ઋતુમાં પણ થોડાંઘણાં ફૂલ જોવા મળે છે. ઘણા બગીચામાં આ ઝાડ જોવા મળે છે.

મોટાં ગૂંદાંનાં ઝાડ તથા નાનાં ગૂંદાંના છોડ એ કૉર્ડિયાની જ જાતો છે. કૉર્ડિયા મીક્ષા, મોટાં ગૂંદાં તથા કૉર્ડિયા રોથી નાનાં ગૂંદાં છે. આ જાતો ખેતરમાં કે વાડીમાં જોવા મળે છે.

આ વનસ્પતિ બોરેગીનેસી વર્ગની છે.

મ. ઝ. શાહ