કૉર્ડા, ઍલેકઝાંડર (સર) (જ. 16 સપ્ટેમ્બર 1893, ટર્કે, હંગેરી; અ. 23 જાન્યુઆરી 1956, લંડન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચલચિત્ર-નિર્માતા અને દિગ્દર્શક. મૂળ નામ સિંડોર કેલ્નર. શિક્ષણ બુડાપેસ્ટની રિફૉર્મિસ્ટ કૉલેજ તથા ત્યાંની રૉયલ યુનિવર્સિટીમાં લીધું. વીસ વર્ષ કરતાં પણ નાની ઉંમરે પત્રકારત્વમાં દાખલ થયા. 1916માં બુડાપેસ્ટ ખાતેના એક નાના મકાનમાં ચલચિત્ર માટેનો સ્ટુડિયો ઊભો કરી નિર્માતા-દિગ્દર્શક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. 1919થી 1930 સુધીના ગાળામાં ઑસ્ટ્રિયા, જર્મની, અમેરિકા તથા ફ્રાન્સમાં નિર્માતા-દિગ્દર્શક તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ સર્જન ‘ધ પ્રિન્સ ઍન્ડ ધ પૉપર’ (1920) ખૂબ લોકપ્રિય બન્યું હતું. તે અરસામાં થોડા સમય માટે તેમણે યુરોપમાં પૅરમાઉન્ટ કંપનીનાં ચલચિત્રોનું નિર્માણકાર્ય સંભાળ્યું હતું. 1930માં બ્રિટનમાં સ્થાયી થયા પછી દોઢ દાયકા દરમિયાન ઇંગ્લૅન્ડના ચલચિત્રજગતમાં તેમણે મોભાનું સ્થાન ભોગવ્યું.
ઇંગ્લૅન્ડમાં તેમની પ્રથમ કૃતિ ‘સર્વિસ ફૉર લેડીઝ’(1932)થી તેમને લોકપ્રિયતા સાંપડી. શરૂઆતમાં એલસ્ટ્રી સ્ટુડિયોમાં નિર્માણકાર્ય કર્યું; પરંતુ તે પછી ટૂંક સમયમાં એલ્સવર્થ અને ડેનમ ખાતે પોતાના સ્ટુડિયો ઊભા કર્યા તથા લંડન ફિલ્મ પ્રોડક્શન્સ નામથી ચલચિત્રનિર્માણ કંપનીની સ્થાપના કરી. 1943માં આ કંપનીનું સુવિખ્યાત મેટ્રો ગોલ્ડવિન મેયર (MGM) કંપની સાથે જોડાણ થયું; પરંતુ તે લાંબું ટક્યું નહિ અને બીજા વિશ્વયુદ્ધ પછી કૉર્ડાએ પોતાની મૂળ કંપની લંડન ફિલ્મ પ્રોડક્શનને ઉપક્રમે નિર્માણ અને દિગ્દર્શન કાર્ય ચાલુ કર્યું.
તે અમેરિકા અને ફ્રાન્સના યુનાઇટેડ આર્ટિસ્ટ કૉર્પોરેશન સંસ્થાઓના સંચાલકપદે પણ હતા. તેમની બીજી પત્ની મેર્ન ઓબેરો (1911થી 79)એ તેમનાં અનેક ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
1942માં તેમને નાઇટના ખિતાબથી અને 1950માં ‘ઑફિસર દ લા લીજન દ’ ઑનર’થી સન્માનવામાં આવ્યા હતા.
‘સર્વિસ ફૉર લેડીઝ’ ઉપરાંત તેમનાં અન્ય જાણીતાં ચલચિત્રોમાં ‘પ્રાઇવેટ લાઇફ ઑવ્ હેન્રી ધ એટ્થ’ (1933), ‘ધ સ્કાર્લેટ પિમ્પર્નેલ’ (1934), ‘કૅથરાઇન ધ ગ્રેટ’ (1934), ‘થિંગ્ઝ ટુ કમ’ (1936), ‘રેમ્બ્રાં’ (1936), ‘રેમન્ડ મેસી’ (1939), ‘ધ ફોર ફેધર્સ’ (1939), ‘ધ લાયન હેઝ વિંગ્ઝ’ (1939),‘ધ ફૉલન આઇડૉલ’ (1948),‘ધ થર્ડ મૅન’ (1949), ‘ધ વુડન હાઉસ’ (1950), ‘સેવન ડેઝ ટુ નૂન’ (1950), ‘ધ સાઉન્ડ બૅરિયર’ (1951), ‘હૉબ્સન્સ ચૉઇસ’ (1954) અને ‘રિચાર્ડ ધ થર્ડ’ (1956) ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે