કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ

January, 2008

કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ : અધિવૃક્ક(adrenal)ગ્રંથિના અંત:સ્રાવો. અધિવૃક્કગ્રંથિ અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ છે અને તેના અંત:સ્રાવો(hormones)માંના એક જૂથને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહે છે જેનો આધુનિક તબીબીશાસ્ત્રમાં દવા તરીકે પણ મહત્વનો ઉપયોગ થાય છે.

સારણી 1 : કૉર્ટિકોસ્ટીરૉઇડની મુખ્ય અસરો

અસર શરીરમાં

સોડિયમનો

ભરાવો

યકૃતમાં

ગ્લાયકોજનનો

ભરાવો,

પ્રતિશોથ

અસર*

કૉર્ટિસોલ

કૉર્ટિસોન

કૉર્ટિકોસ્ટીરોન

આલ્ડોસ્ટીરોન

પ્રેડ્નિસોલોન

ટ્રાયન્સિનોલોન

1

1

15

3000

< 1

< 1

1.00

0.65

0.35

0.30

3.00

4.00

1.00

0.65

0.30

3.00

3.00

* antiinflammatory effects

દેહધાર્મિક મહત્વ : બંને મૂત્રપિંડો પર એક એક એમ બે અધિવૃક્ક-ગ્રંથિઓ આવેલી છે. તેના બે મુખ્ય ભાગો છે : બહિ:સ્તર (cortex) તથા અંત:સ્તર (medulla) . બહિ:સ્તરના અંત:સ્રાવો સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો છે. તેથી તેમને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહે છે. અધિવૃક્કગ્રંથિના બહિ:સ્તરમાં 3 પડ આવેલાં છે અને તેમાંથી વિવિધ અંત:સ્રાવો ઝરે છે. ઝોના ગ્રેન્યુલોઝામાં મિનરલોકૉર્ટિકોઇડ્ઝ (દા.ત. આલ્ડોસ્ટીરોન), ઝોના ફેસિક્યુલાટામાં ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝ (દા. ત. કૉર્ટિસોન) તથા ઝોના રેટીક્યુલારિસમાં એન્ડ્રોજન્સ (દા.ત. ટેસ્ટોસ્ટીરોન) ઉત્પન્ન થાય છે. તેમનાં ક્ષાર-આયનો તથા ગ્લુકોઝના ચયાપચયની અસર સારણી 1માંદર્શાવી છે.

મિનરલોકૉર્ટિકોઇડ અંત:સ્રાવો શરીરમાંના આયનોનું નિયમન કરે છે જ્યારે એન્ડ્રોજન અંત:સ્રાવો પુરુષોના લિંગીય અંત:સ્રાવો તરીકે કાર્ય કરે છે. જોકે શુક્રગ્રંથિમાંથી ઝરતા લિંગીય અંત:સ્રાવો આ કાર્ય માટે મહત્વના ગણાય છે. સ્ત્રીઓમાં થોડા પ્રમાણમાં જોવા મળતા એન્ડ્રોજન તેમની અધિવૃક્ક ગ્રંથિમાંથી આવે છે.

આકૃતિ 1 : અધિવૃક્કગ્રંથિમાં અંત:સ્રાવોનું ઉત્પાદન

ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહે છે. ક્યારેક કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝમાં મિનરલોકૉર્ટિકોઇડ્ઝને આવરી લેવાય છે; પરંતુ એન્ડ્રોજન્સ કદી પણ કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહેવાતા નથી. ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝને જ્યારે સૌપ્રથમ શોધી કાઢવામાં આવ્યા ત્યારે તેમની ગ્લુકોઝના ચયાપચય પર અસરો જાણવામાં આવેલી. તેથી તેમને ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝ કહે છે. તેમની શરીરમાં વ્યાપક તથા વધુ મહત્વની બીજી ઘણી અસરો છે, જેને કારણે તે રામબાણ (panacea) ઉપચાર તરીકે કામ આપશે એવું એક સમયે મનાતું થયું હતું.

ઉત્પાદન : કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કોલેસ્ટરૉલમાંથી બને છે. કોલેસ્ટરૉલમાંથી સૌપ્રથમ પ્રેગ્નેનોલોન બને છે અને તેમાંથી વિવિધ સ્ટીરૉઇડ્ અંત:સ્રાવો બને છે. આ માટે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે છે. સામાન્ય રીતે સ્ટીરૉઇડ અંત:સ્રાવો બન્યા પછી તરત જ લોહીમાં પ્રવેશે છે અને તે સમયે તેઓ ટ્રાન્સકૉર્ટિન નામના કૉર્ટિસોલબંધક પ્રોટીન સાથે જોડાય છે. લોહીમાં કૉર્ટિસોલનું પ્રમાણ સતત એકસરખું રહેતું નથી. પરંતુ તે દિવસના જુદા જુદા સમયે બદલાય છે. તેને અહોનિશ ચક્ર (circadian rhythm) કહે છે. તેને કારણે વહેલી સવારે (3થી 4 વાગ્યે) તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને મોડી સાંજે સૌથી ઓછું થઈ જાય છે. સામાન્યપણે લોહીના પ્લાઝમામાં તેનું પ્રમાણ 30થી 240 માઇક્રોગ્રામ પ્રતિલિટર જેટલું જોવા મળે છે. તેમનો યકૃત(liver)માં નાશ થાય છે. પ્લાઝમામાં તેમનો અર્ધક્રિયાકાળ (plasma half-life) દોઢ કલાકનો છે અને તે પેશાબ દ્વારા શરીરની બહાર નીકળે છે. એ.સી.ટી.એચ. નામના પીયૂષિકા (pituitary) ગ્રંથિના અંત:સ્રાવની અસર હેઠળ અધિવૃક્કગ્રંથિના બહિ:સ્તરમાં કૉર્ટિસોલ બને છે (જુઓ : અંત:સ્રાવી ગ્રંથિતંત્ર અને એ.સી.ટી.એચ.). એ.સી.ટી.એચ.નો લોહીમાંનો પ્રવેશ અધશ્ચેતક(hypothalamus)ના કૉર્ટિકોટ્રોફિન રિલીઝિંગ ફૅક્ટર (CRF) દ્વારા થતા ઉત્તેજનને કારણે છે. લોહીમાં કૉર્ટિસોલનું પ્રમાણ વધે ત્યારે એ.સી.ટી.એચ. તથા સી.આર.એફ.નું પ્રમાણ નકારાત્મક પ્રતિપોષી (negative feedback) પ્રક્રિયા દ્વારા ઘટે છે. અધશ્ચેતક પીયૂષિકા ગ્રંથિ તથા અધિવૃક્કગ્રંથિની આ કાર્યશૃંખલાને અધશ્ચેતક-પીયૂષિકા-અધિવૃક્કીય અક્ષક (axis) કહે છે. જ્યારે પણ ઔષધરૂપે કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝને મોટી માત્રામાં લાંબા સમય સુધી આપવામાં આવે છે ત્યારે આ અક્ષકનું કાર્ય ઘટે છે અને તેથી જો અચાનક બહારથી અપાતા કૉર્ટિકોસ્ટીરૉઇડને બંધ કરવામાં આવે તો તેની, શરીરમાં જીવનને જોખમી ઊણપ ઉત્પન્ન થાય છે. આ અક્ષકને ફરીથી કાર્યરત થતાં મહિનાઓનો સમય લાગે છે. આને કારણે મોટી માત્રામાં લાંબા સમય સુધી કૉર્ટિકોસ્ટીરૉઇડ અપાયા હોય તો તેમને ધીમે ધીમે ઓછા કરીને બંધ કરવામાં આવે છે અને સાથે એ.સી.ટી.એચ.નાં ઇંજેક્શન શરૂ કરીને અધિવૃક્કના બહિ:સ્તરનું ઉત્તેજન કરવામાં આવે છે જેથી કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝની ઊણપ ન સર્જાય.

ઉપયોગ : કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝનો માણસોમાં ઔષધ તરીકે ઉપયોગ થાય છે. કૉર્ટિસોલ, આલ્ડોસ્ટીરોન તથા તેમના ઘણા માનવસર્જિત સમક્રિયકો (analogs) હાલ ઉપલબ્ધ છે. દા.ત., બીટામિથેસોન, કૉર્ટિસોન, ડેક્સામિથેસોન, પ્રેડ્નિસોન, પ્રેડ્નિસોલોન, ફ્લ્યુડ્રોકૉર્ટિસોન વગેરે. તેમાંના મોટા ભાગના ગોળી રૂપે તથા કેટલાક ઇંજેક્શન રૂપે પણ મળે છે. તેના મલમ તથા આંખ-કાન માટેનાં ટીપાં પણ મળે છે. નાક કે મોં દ્વારા શ્વાસમાં લઈ શકાય તે માટે તેના ‘ઍરોસોલ’ પણ મળે છે. મોટી સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ મળતા હોવા છતાં તે ગુણવત્તાની ર્દષ્ટિએ સમાન હોવાથી તેમનામાંના થોડાનો અભ્યાસ કરવાથી બધાનો વ્યાવહારિક ઉપયોગ સમજી શકાય (સારણી 2).

સારણી 2 : કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કાર્યક્ષમતા

  સંયોજન પ્રતિશોથ અસર

સોડિયમ સંગ્રહ અને

સોજો કરતી અસર

1.

 

2.

3.

4.

5.

6.

7.

8.

કૉર્ટિસોલ અથવા

હાઇડ્રોકૉર્ટિસોન

પ્રેડ્નિસોલોન

મિથાઇલ પ્રેડ્નિસોલ

ફ્લ્યુરોકૉર્ટિસોલ

કૉર્ટિસોન

ટ્રાયન્સિનોલોન

બીટામિથેસોન

ડેક્ઝામિથેસોન

 

1.0

4.0

5.0

10.0

0.8

5.0

25.0

25.0

1.0

0.8

0.5

125.0

0.8

0.0

0.0

0.0

આંકડા જુદાં જુદાં સંયોજનોની કાર્યક્ષમતા સાપેક્ષરૂપે રજૂ કરે છે.

કાર્યો તથા ઉપયોગિતા : તે અનેક, વિવિધ અને વ્યાપક અસરો ઉપજાવે છે. લગભગ દરેક કોષ કે તંત્ર પર તેની અસર છે. તેનાં મહત્વનાં કાર્યક્ષેત્રોમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, તથા ચરબીનો ચયાપચય (metabolism), પાણી તથા ક્ષાર-આયનોનું નિયંત્રણ; હૃદય, રુધિરાભિસરણ, મૂત્રપિંડ, સ્નાયુઓ, કેન્દ્રીય ચેતાતંત્ર, લોહી પર, વૃદ્ધિ તથા વિકાસ તેમજ શોથકારી અને પ્રતિરક્ષાલક્ષી (immune) પ્રક્રિયાઓમાં તેમની અસર જોવા મળે છે. તેમની આવી વ્યાપક અસરને કારણે એવું મનાય છે કે જીવન ટકાવી રાખવા માટે અધિવૃક્કગ્રંથિનો બહિ:સ્તર અનિવાર્ય છે. જીવનને જોખમી સંજોગોમાં ઉદભવતી તાણ (stress) સમયે કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ જીવનરક્ષક ગણાય છે. તેમના આવા વ્યાપક અસર-ક્ષેત્રને કારણે તેમનો ઉપયોગ તેમજ દુરુપયોગ પણ, બહુ મોટા પ્રમાણમાં થાય છે. છતાં કેટલાક રોગો અને વિકારોમાં તેમનો ઉપયોગ શાસ્ત્રીય પદ્ધતિઓમાં સૂચવાયેલો છે (સારણી 3).

સારણી 3 : કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝના કેટલાક મહત્વના ઔષધીય ઉપયોગો

 1. એડ્રીનલ ગ્રંથિનું અલ્પકાર્ય (ઊણપ) તથા ઍડિસનનો રોગ
 2. ઍલર્જીજન્ય આઘાત (anaphylactic shock)
 3. આમવાતી સંધિવા (rheumatoid arthritis)
 4. ઉગ્ર શોથકારી (inflammatory) સંધિવા
 5. આમવાતી હૃદયશોથ (rheumatic carditis)
 6. મૂત્રપિંડીશોફ સંલક્ષણ (nephrotic syndrome)
 7. કોલેજન રોગો (મોટા ભાગના)
 8. ઍલર્જીજન્ય રોગો
 9. દમનો સતત રહેતો તીવ્ર હુમલો (status asthamaticus)
10. આંખના શોથકારી રોગો
11. ચામડીના ઍલર્જીજન્ય (દા.ત., ખરજવું) તથા અન્ય (દા.ત., પેમ્ફિગસ) રોગો
12. કેટલાક પ્રકારની સંગ્રહણી (sprue)
13. વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis)
14. મગજનો સોજો (cerebral oedema)
15. લસિકાકોષીય રુધિરકૅન્સર (lymphocytic leukaemia)
16. લસિકાર્બુદ (lymphoma) તથા સ્તનના કૅન્સરમાં અન્ય દવાઓ સાથે સારવાર માટે કૅન્સરનાં ઔષધોથી થતી ઊલટી રોકવા માટે વગેરે.
17. કેટલાક પ્રકારના યકૃતશોથ (hepatitis) , અવરોધજન્ય કમળાનું નિદાન, દારૂથી થતો યકૃતશોથ.
18. ગઠનકોષો(platelets)ની ઊણપથી લોહી વહેવાનો રોગ
19. કેટલીક રક્તકોષલયી પાંડુતા (haemolytic (anaemia)
20. અવયવ પ્રત્યારોપણ પછી તેનો અસ્વીકાર થતો રોકવા

આડઅસરો : જો તેમના ઉપયોગ માટે કોઈ વિરુદ્ધ અસર (contraindication) ન હોય તો તેમની નાની માત્રાના ટૂંકા ઉપયોગમાં કોઈ આડઅસરો જોવા મળતી નથી. પરંતુ લાંબા સમય માટે મોટી માત્રામાં ઉપયોગ કરાય તો તે ઘણી આડઅસરો ઉત્પન્ન કરે છે. જેમ કે પેપ્ટિક અલ્સર, અસ્થિ છિદ્રલતા (osteoporosis), સ્નાયુશિથિલતા (myasthenia) અને સ્નાયુરુગ્ણતા (myopathics), શારીરિક વૃદ્ધિમાં અવરોધ, ક્ષાર-આયનોમાં અસંતુલન, લોહીના દબાણમાં કે મધુપ્રમેહની તીવ્રતામાં વધારો, કુશિંગનું સંલક્ષણ વગેરે.

આર. કે. દીક્ષિત

અનુ. શિલીન નં. શુક્લ