કૉમ્પ્ટન, આર્થર હૉલી (જ. 10 સપ્ટેમ્બર 1892, વુસ્ટર, ઓહાયો; અ. 15 માર્ચ 1962, બર્કલી) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી (experimental physicist), જેમને ‘કૉમ્પ્ટન અસર’(Compton effect)ની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું 1927નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી 1916માં પીએચ.ડી. થયા. પછી મિનેસોટા યુનિવર્સિટી, વેસ્ટિંગ હાઉસ યુનિવર્સિટી તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીની કૅવેન્ડિશ લૅબોરેટરીમાં શિક્ષક તેમજ સંશોધક તરીકે હતા. 1920થી 1923 સુધી સેન્ટ લૂઈમાં વૉશિંગ્ટન યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ હતા. પીટર ડીબાઈ સાથેના સંશોધનથી તેમણે દર્શાવ્યું કે દ્રવ્યમાં શિથિલબદ્ધ થયેલાં ઇલેક્ટ્રૉન વડે એક્સ-કિરણો પ્રકીર્ણન પામે છે. અહીં તેમણે તેમના એક્સ-કિરણોના પ્રકીર્ણન(scattering)ના વિખ્યાત પ્રયોગો કરી તેનું અર્થઘટન પણ કર્યું હતું, જેના ફલસ્વરૂપે એમ દર્શાવ્યું કે વિકિરણ
ફોટોન નામના કણ તથા તરંગ એમ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને તે તરંગ અને કણ(wave-particle)ની બેવડી પ્રકૃતિ (dual nature) ધરાવે છે. શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે (1923-45) એક્સ-કિરણ પરનું સંશોધનકાર્ય તો ચાલુ જ રાખ્યું હતું. યુદ્ધ દરમિયાન શિકાગોમાં સંશોધનકાર્યનું માર્ગદર્શન કર્યું જે ઍટમ બૉમ્બની શોધ પ્રતિ દોરી ગયું. યુદ્ધ બાદ 1954 સુધી તેઓ વૉશિંગ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે રહ્યા હતા.
એરચ. મા. બલસારા