કૉમ્પ્ટન અસર : એક્સ-કિરણો અથવા ગૅમા કિરણોની તરંગલંબાઈમાં નિમ્ન પરમાણુક્રમનાં તત્વો (અથવા ઇલેક્ટ્રૉન) વડે થતા પ્રકીર્ણનને લીધે થતો વધારો. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન અને વિશ્લેષણ કૉમ્પ્ટન નામના વિજ્ઞાનીએ 1923માં કર્યું હતું અને તેથી તેને કૉમ્પ્ટન અસર કહેવામાં આવે છે. તરંગલંબાઈમાં ફેરફાર (Δ λ), ઍંગસ્ટ્રૉમ એકમમાં Δ λ = 0.0485 Sin2 1/2 φ સંબંધ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં φ, આપાત અને પ્રકીર્ણન પામતા વિકિરણની દિશા વચ્ચેનો ખૂણો છે.
કૉમ્પ્ટન અસરના અભ્યાસમાંથી ફલિત થતો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, ફોટોનને વાસ્તવિક કણના બધા જ યાંત્રિક ગુણધર્મો છે એટલે કે વિકિરણ પણ કણપ્રકૃતિ ધરાવે છે, અને વાસ્તવિક કણ હોય તે રીતે જ બીજા કણ સાથે યાંત્રિક આંતરક્રિયા કરી શકે છે. આમ પરમાણુ વર્ણપટના નિયમો અને ફોટોઇલેક્ટ્રિક અસરની જેમ, કૉમ્પ્ટન અસર વીજચુંબકીય વિકિરણના ક્વૉન્ટમ સિદ્ધાંત માટે પ્રાયોગિક પુરાવો પૂરો પાડે છે.
કૉમ્પ્ટન અસરે ભિન્ન ભિન્ન વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. કૉમ્પ્ટન અસર પરમાણુકીય ભૌતિકશાસ્ત્ર, પ્લાઝમા ભૌતિકશાસ્ત્ર, એક્સ-કિરણ ક્રિસ્ટલોગ્રાફી, મૂળભૂત કણ ભૌતિકશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં અગત્યની છે. વધુમાં કૉમ્પ્ટન અસર મેડિકલ, અણુકીય રસાયણશાસ્ત્ર, ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રની કેટલીક શાખામાં અને ઉચ્ચ ઊર્જા ઇલેક્ટ્રૉન પ્રવેગકોમાં અગત્યના સંશોધનનું કારણ બનેલી છે.
કે. ટી. મહેતા