કૉપ્લે, જોન સિન્ગલ્ટન (Copley, John Singleton) જ. 3 જુલાઈ 1738, બૉસ્ટન, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1815, લંડન, બ્રિટન) : ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો ચીતરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. સાવકા પિતા પીટર પેલ્હામ પાસે તેમણે ચિત્રકલાના પ્રાથમિક પાઠ ગ્રહણ કર્યા. કૉપ્લે પોતાનાં મૉડલ્સને પુસ્તકો, ખુરશી, રસોઈની સામગ્રી, પાળેલાં કૂતરાં-ઘોડાં, ભરતગૂંથણના સોયા આદિને તેમની ચીજવસ્તુઓ સાથે એવી રીતે આલેખિત કરતા કે ચિત્રિત મૉડલની રોજિંદી જીવનશૈલી, કામકાજ, શોખ, પ્રવૃત્તિ સાથેનું સઘળું વાતાવરણ જીવંત રીતે તાર્દશ થાય. આમ
વ્યક્તિચિત્રને અક્કડ, શુષ્ક કે કૃત્રિમ પરિવેશમાં નહિ પણ અત્યંત સ્વાભાવિક પરિવેશમાં ચીતરવા માટે તેઓ જાણીતા બન્યા. આ જ રીતે તેમણે ચીતરેલું એક વ્યક્તિચિત્ર ‘બૉય વિથ એ સ્વીટલ’ તેમણે લંડન ખાતેની ‘સોસાયટી ઑવ્ આર્ટિસ્ટ્સ ઇન લંડન’માં પ્રદર્શિત કર્યું. એ વખતના અગ્રણી બ્રિટિશ ચિત્રકાર સર જોશુઆ ટેનોલ્ડ્ઝ તથા અમેરિકાના અગ્રણી ચિત્રકાર બૅન્જામિન વેસ્ટ આ ચિત્ર ઉપર વારી ગયા. એમણે કૉપ્લેને લંડન રહેવા આવવા આમંત્રણ આપ્યું. પછી કૉપ્લેએ રંગદર્શી ચિત્ર ‘વૉટ્સન ઍન્ડ ધ શાર્ક’ ચીતર્યું. તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંઘર્ષને ઉત્કટ વ્યાકુળ લાગણીપૂર્વક ચીતર્યો છે. રંગદર્શી કલામાં આ ચિત્ર આજે પણ અગત્યનું સ્થાન ધરાવે છે.
અમિતાભ મડિયા