કૉન્સ્યુલર ઇન્વૉઇસ : માલની આયાતનિકાસ અંગે એલચી કચેરી તરફથી અપાતું પ્રમાણપત્ર. માલની નિકાસવિધિ દરમિયાન નિકાસકાર કેટલાક દસ્તાવેજો મેળવવાની જે વિધિ કરે છે તેના દસ્તાવેજોમાં કૉન્સ્યુલર ઇન્વૉઇસ અને ઉત્પત્તિસ્થાન સંબંધી પ્રમાણપત્ર (certificate of origin) મહત્વનાં છે; જે જકાતવિધિ સરળ અને ઝડપી બનાવે છે.
આંતરરાષ્ટ્રીય વેપાર-સંબંધો સ્થાપિત થયેલા હોય તે દેશવિદેશમાં પોતાનાં વેપારી હિતોનું રક્ષણ કરવા માટે એલચી કચેરીઓ રાખે છે જેનાં કાર્યોમાં આયાતનિકાસ કરવામાં આવેલા માલ અંગે પ્રમાણપત્રો આપવાનો સમાવેશ થાય છે. તેમાં માલનું વર્ણન, તેનો જથ્થો અને તેની કિંમત દર્શાવવામાં આવે છે જેના દ્વારા માલ આયાતજકાતને પાત્ર છે કે કેમ તે જાણી શકાય છે અને તે જકાત માલના વજન, જથ્થા કે કદ ઉપર (ad-quantum) અથવા માલની કિંમત ઉપર (ad-valorem) ગણવામાં આવે છે.
દાઉદભાઈ કાસમભાઈ સૈયદ