કૉન્સેન્ટ્રેશન કૅમ્પ : યુદ્ધકેદીઓને તથા રાજકીય કેદીઓને અટકાયતમાં રાખવા માટેનાં ખુલ્લાં (open sky) કારાગૃહો. કેદીઓ પર આરોપનામું મૂકવામાં આવતું નથી કે તેમની સામે ન્યાયાલયમાં કામ પણ ચલાવવામાં આવતું નથી. આવી છાવણીઓ બે પ્રકારની હોય છે : (1) યુદ્ધ કે નાગરિક વિદ્રોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા કેદીઓ માટેની છાવણીઓ, જે લશ્કરની સીધી દેખરેખ હેઠળ હોય છે; (2) રાજકીય વિરોધીઓને અટકાયતમાં રાખવા માટેની છાવણીઓ. નાઝી શાસનકાળ (1933-45) દરમિયાન જર્મની દ્વારા, બૉલ્શેવિક શાસનકાળ દરમિયાન સોવિયેટ સંઘમાં તથા આપખુદ શાસકોના સમય દરમિયાન અન્ય કેટલાક દેશોમાં રાજકીય વિરોધીઓ માટે આવી છાવણીઓ ઊભી કરવામાં આવી હતી.
કૉન્સેન્ટ્રેશન કૅમ્પની શરૂઆત ક્યૂબામાં સ્પેનના શાસનકાળ દરમિયાન 1895માં પ્રજાના વિદ્રોહને ડામવા માટે થઈ હતી. દક્ષિણ આફ્રિકાના યુદ્ધ (1899થી 1902) દરમિયાન બ્રિટિશ શાસકોએ બોઅર જાતિના લોકોને અટકાયતમાં રાખવા માટે આવાં કારાગૃહો ઊભાં કર્યાં હતાં. બ્રિટિશ લશ્કરના વડા કિચનરના સમયમાં તેમાં 1,10,000 શ્વેત અને 1,07,000 આફ્રિકનો અટકાયતમાં હતા જેમાંથી 27,927 શ્વેત તથા 13,315 અશ્વેત કેદીઓ હતા, જેમાં 26,251 સ્ત્રીઓ અને બાળકો ભૂખમરો, બીમારી તથા પૂરતા હવાઉજાસનો અભાવ જેવાં કારણોને લીધે અટકાયત દરમિયાન મરણ પામ્યાં હતાં.
જર્મનીમાં હિટલરના શાસનકાળ દરમિયાન સામ્યવાદીઓ તથા યહૂદી લોકો માટે આવી છાવણીઓ ઊભી કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ તેમનું નિર્મૂલન કરવાનો હતો. આવી ખાસ પ્રકારની છાવણીઓ જર્મનીના ગુપ્તચર વિભાગ(SS – Secret Service)ના સીધા અંકુશ હેઠળ મૂકવામાં આવી હતી. પૂર્વ યુરોપના પ્રદેશોમાં આવી છાવણીઓ ઊભી કરી ત્યાં તેમના પર ભારે આતંક ગુજારવામાં આવ્યો હતો. 1941-42ના અરસાથી કેદીઓ પાસેથી ફરજિયાત શ્રમ (forced labour) કરાવવામાં આવતો. આત્યંતિક ત્રાસ અને ફરજિયાત શ્રમ માટે જર્મનીમાંની બુકનવાલ્ડ છાવણી તથા પોલૅન્ડમાંની ઑશવિત્ઝ, મોઇડાનેક અને ટ્રેબ્લિન્કા છાવણીઓ કુખ્યાત બની હતી. જેમાં છાવણીઓના કેદીઓ પર આડેધડ ગોળીબાર, જાતજાતના શારીરિક તબીબી પ્રયોગો, ગૅસ ચેમ્બર વગેરે દ્વારા યાતનાઓ આપવામાં આવતી. આ ચાર છાવણીઓમાં મારી નાખવામાં આવેલા કેદીઓની સંખ્યા આશરે સાઠ લાખ આંકવામાં આવી છે. નાઝી જર્મનીના નેજા હેઠળની બધી જ છાવણીઓમાં આશરે બે કરોડ નિર્દોષ માનવીઓની હત્યા થઈ હોવાનો અંદાજ છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં વસતા જાપાનના નાગરિકો તથા અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરી ચૂકેલા પણ મૂળ જાપાનના નાગરિકો માટે અમેરિકાની ભૂમિ પર આવી પુનર્વાસ છાવણીઓ (relocation camps) ઊભી કરવામાં આવી હતી જેમાં આશરે એક લાખ અટકાયતીઓ હતા.
સોવિયેટ સંઘમાં જોસેફ સ્ટાલિનના શાસનકાળ દરમિયાન (1925-53) રાજકીય વિરોધીઓ માટે સાઇબીરિયામાં ‘શ્રમ છાવણીઓ’ ઊભી કરવામાં આવી હતી જે યાતનાઓ માટે કુખ્યાત બની હતી. આ છાવણીઓ NKVD તથા KGB જેવાં ગુપ્તચર સંગઠનોના અંકુશ હેઠળ રાખવામાં આવી હતી. સોવિયેટ સંઘમાં પોલાદી પડદા (Iron Curtain) પાછળના શાસનકાળ દરમિયાન અત્યંત નિર્દયતાથી લાખો માણસોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય એવી માન્યતા છે. સ્ટાલિનના અવસાન (1953) પછી રાજકીય હેતુઓ માટેની ઘણી છાવણીઓ સમેટી લેવામાં આવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે