કૉનરૅડ સાતત્યભંગ

January, 2008

કૉનરૅડ સાતત્યભંગ (Conrad discontinuity) : ગ્રૅનાઇટ (sialic) અને બેસાલ્ટ બંધારણ (basic) ધરાવતા ખડકો વચ્ચેની સંપર્કસપાટી. પૃથ્વીના બંધારણ તેમજ રચનાના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપીય અભ્યાસ દ્વારા કૉનરૅડ નામના નિષ્ણાતે પોપડા અને મૅન્ટલ વચ્ચે સંપર્કસપાટી હોવાનો નિર્દેશ કર્યો તે પરથી વચ્ચેની સંપર્કસપાટીને કૉનરૅડનું નામ આપ્યું. તે ભૂકંપીય લક્ષણોમાં ત્વરિત ફેરફાર દર્શાવતી સંપર્કસપાટી અથવા ભૂકંપીય સાતત્યભંગ છે. પૃથ્વીના પોપડામાંના ખડકબંધારણને રચતાં દ્રવ્યોના એક કે વધુ ભૌતિક ગુણધર્મોમાં ઊંડાઈએ જતાં થતો એકાએક ફેરફાર ભૂકંપીય માહિતી દ્વારા જાણી શકાય છે. ભૂકંપીય મોજાં જ્યારે એક પ્રકારના લક્ષણવાળા ખડકોના માધ્યમમાંથી તેનાથી અલગ પડતા અન્ય પ્રકારના લક્ષણવાળા ખડક-માધ્યમમાં પસાર થાય ત્યારે તેમના વેગમાં એકાએક ફેરફાર (6.1 કિલોમીટરમાંથી 6.4 – 6.7 કિલોમીટર પ્રતિસેકંડે થતો ફેરફાર) દર્શાવે એવી આંતરખડક સંપર્કસપાટીને કૉનરૅડ સાતત્યભંગ તરીકે ઓળખાવાય છે. તે પૃથ્વીના પોપડામાં જુદા જુદા ભાગોમાં જુદી જુદી ઊંડાઈએ જોવા મળે છે. આ સાતત્યભંગ મોહોરવિસિક સાતત્યભંગ જેટલો વિકસિત કે સ્પષ્ટ નથી.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા