કૉનરૅડ, જોસેફ (જ. 3 ડિસેમ્બર 1857, બર્ડાચેવ, પોલૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1924, ઓસ્વાલ્ડ્ઝ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નવલકથાકાર. તેમનું મૂળ નામ જોઝેફ થિયોડોર કૉનરૅડ નેલેઝ કૉઝેન્યોવ્સ્કી. તેમના પિતા એપૉલો કૉઝેન્યોવ્સ્કી કવિ, અનુવાદક, ઉત્સાહી દેશભક્ત અને સિક્રેટ પોલિશ નૅશનલ કમિટીના સદસ્ય હતા. કમિટીના નેતૃત્વ હેઠળના બળવામાં ભાગ નહિ લેવા છતાં રશિયનો દ્વારા તેમની ધરપકડ થઈ અને તે 1862માં, ઉત્તર રશિયાના વોલોગ્દામાં દેશનિકાલ કરાયેલા. કૉનરૅડની માતાનું ક્ષયરોગથી 1865માં મરણ થયું અને ત્યારબાદ 1869માં તેના પિતા પણ ક્ષયરોગમાં મૃત્યુ પામ્યા. કૉનરૅડને તેમના કાકાએ ઉછેર્યા. શિક્ષણ ક્રેકોની શાળામાં, પણ શાળાથી તે કંટાળતા અને દરિયો ખેડવાની ઉત્કંઠા ધરાવતા. 1873માં ક્રેકો યુનિવર્સિટીના અધ્યાપક સાથે તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની અને ઇટાલીની મુલાકાત લીધી. 17 વર્ષની વયે ફ્રાન્સ જવા માટે તેમણે ક્રેકો છોડ્યું.
1874થી 1878 સુધી માર્સેલ્સમાં ફ્રેન્ચ મરીન સર્વિસમાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા અને વહાણોમાં તે વેસ્ટ ઇન્ડીઝ જતા. માર્સેલ્સ રહ્યા તે દરમિયાન તેમને ભારે દેવું થયું હતું. 18 જૂન 1878માં તે પહેલી વાર ઇંગ્લૅન્ડમાં ઊતર્યા. ત્યાં તેમનું કોઈ ઓળખીતું નહોતું અને ભાષાની જાણકારીય ઓછી. તે છતાં બ્રિટિશ મર્ચન્ટ નેવીમાં તેમણે કારકિર્દી ઘડી. ત્રીજા દરજ્જાથી શરૂ કરીને તે પ્રથમ દરજ્જા સુધી પહોંચ્યા. વહાણોમાં તે ખૂબ ફર્યા – ભૂમધ્ય સમુદ્ર, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ પૅસિફિક અને આટલાન્ટિક ટાપુઓ. સોળ વર્ષ સુધી તેમણે બ્રિટિશ મર્ચન્ટ નેવીમાં નોકરી કરી. 1890માં તે આફ્રિકા અને કૉંગો સુધી ગયા. ત્યાં માંદગીના કારણે તેમની તબિયત લથડી અને 1894માં અનિચ્છાએ દરિયો છોડ્યો.
1896માં 38ની વયે કૉનરૅડે 22 વર્ષની અંગ્રેજ યુવતી જેસી જ્યૉર્જ સાથે લગ્ન કર્યાં. પછી ફ્રાન્સ તથા ઇટાલીની કેટલીક સફર તેમણે સ્વીકારી અને પાછા ફરતાં 1914ના યુદ્ધના આગલા દિવસે તે પોલૅન્ડમાં હતા. 1923માં તેમણે તેમના પ્રકાશકના મહેમાન તરીકે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધેલી. જિંદગીનાં છેલ્લાં 30 વર્ષો તે ઇંગ્લૅન્ડમાં જુદાં જુદાં ઘરોમાં રહ્યા. હૃદયરોગના હુમલાથી ઓસ્વાલ્ડ્ઝમાં તેમનું મૃત્યુ થયું. કૅન્ટરબરીમાં રોમન કૅથલિક ચર્ચમાં તેમનું દફન કર્યું.
કૉનરૅડની સાહિત્યિક કારકિર્દી મોડી શરૂ થઈ. 37ની વયે તેમની પ્રથમ નવલકથા ‘આલ્મેયર્સ ફૉલી’ (1895) પ્રકાશિત થઈ અને તરત તેમની શક્તિ તથા મૌલિકતા પ્રત્યે ધ્યાન ખેંચાયું. ત્યારબાદ ‘ઍન આઉટકાસ્ટ ઑવ્ ધ આઇલૅન્ડ્ઝ’ (1896), ‘ધ નિગર ઑવ્ ધ નાર્સિસસ’ (1897), ‘લૉર્ડ જિમ’ (1900), એફ. એમ. ફૉર્ડ સાથે ‘ધ ઇનહેરિટર્સ’ (1901) અને ‘રોમાન્સ’ (1903) તથા ‘નોસ્ટ્રોમો’ (1904) પ્રગટ થઈ. આ બધી કથાઓમાં સમુદ્ર, દૂર આફ્રિકાના દેશો, એશિયા તથા દક્ષિણ આફ્રિકાની ભય અને સાહસથી ભરેલી વાતો છે. તેમનાં પાત્રો વિવેકબુદ્ધિવાળાં તથા સંકુલ મનોવૃત્તિવાળાં છે.
‘ધ મિરર ઑવ્ ધ સી’(1906)માં કૉનરૅડે અંગત જીવનનાં સ્મરણો લખ્યાં છે. ‘ધ સિક્રેટ એજન્ટ’ (1907), ‘અન્ડર વેસ્ટર્ન આઇઝ’ (1911) અને ‘ચાન્સ’(1914)માં સામાજિક, રાજકીય અને નૈતિક કટોકટીને લગતું કથાવસ્તુ છે. ‘વિક્ટરી’ (1915) અને ‘ધ શૅડો લાઇન’(1917)માં તેમની માનવીય નિયતિની ઝીણવટભરી તપાસ ચાલુ રહી છે. ‘ધ ઍરો ઑવ્ ગોલ્ડ’(1919)માં માર્સેલ્સના અનુભવો, ‘ધ રેસ્ક્યૂ’(1920)માં મલય જગત અને છેલ્લી નવલકથા ‘ધ રોવર’(1923)માં ફ્રેન્ચ ક્રાંતિની વાત છે. તેમની ટૂંકી વાર્તાઓ ‘ટેલ્સ ઑવ્ અનરેસ્ટ’ (1898), ‘હાર્ટ ઑવ્ ડાર્કનેસ’ અને ‘ધ એન્ડ ઑવ્ ધ ટેધર’ (1902), ‘ટાઇફૂન ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1903),‘અ સેટ ઑવ્ સિક્સ’ (1908), ‘ટ્વિક્સ્ટ લૅન્ડ ઍન્ડ સી’ (1912), ‘વિધિન ધ ટાઇડ્ઝ’ (1915), ‘ટેલ્સ ઑવ્ હીયરસે’ (1925).
યોગેશ જોશી