કૉઝ્લૉફ, જૉઇસ (જ. 1942, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. સાદા ભૌમિતિક આકારો વડે શણગારાત્મક (decorative) શૈલીમાં અમૂર્ત ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં છે. તેમનાં ચિત્રો સુંદર ભૌમિતિક ભાત ધરાવતી દક્ષિણ ભારતની કાંચીપુરમની સાડીઓ જેવાં કે અરબી દેશો અને મધ્ય એશિયાના ભાત ભરેલા ગાલીચા જેવા દેખાય છે. મોરૉક્કો, લિબિયા, અલ્જીરિયા અને ટ્યૂનિસિયા જેવા આફ્રિકાના અરબી સંસ્કૃતિ ધરાવતા દેશોની મુલાકાત લઈ તેમણે ત્યાંના કાપડની ભાતોનો અભ્યાસ કરેલો છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કો, બફેલો, વિલ્મિન્ગ્ટન, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ અને કૅનેડાના ન્યૂ ઇંગ્લૅન્ડ જેવાં સ્થળોના ઍરપૉર્ટ્સ તથા રેલવે-સ્ટેશને તેમનાં વિશાળ કદનાં શોભન ચિત્રો શોભાવી રહ્યાં છે.

અમિતાભ મડિયા