કૉકક્રૉફ્ટ, જૉન ડગ્લાસ સર (જ. 27 મે 1897, ટોડમોર્ડન, યોર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 સપ્ટેમ્બર 1967, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ) : વિજ્ઞાની અર્નેસ્ટ વૉલ્ટનના સહયોગમાં પારમાણ્વિક કણ પ્રવેગકો (atomic particle accelerators) ઉપર સંશોધનકાર્ય કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. આ શોધ માટે આ બંને વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક 1951માં એનાયત કરવામાં આવ્યું હતું.

જૉન ડગ્લાસ સર કૉકક્રૉફ્ટ
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1934માં સ્નાતક થયા. 1946 સુધી, ત્યાં જ પ્રાકૃતિક ફિલસૂફી(natural philosophy)ના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1946માં ‘ઍટમિક એનર્જી રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ’ના ડિરેક્ટરપદે નિયુક્ત થયા. તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’ના અધ્યક્ષ પણ હતા. કૉકક્રૉફ્ટ અને વૉલ્ટને 1932માં પરમાણુના ન્યૂક્લિયસનું સૌપ્રથમ સફળ કૃત્રિમ વિભંજન (artificial disintegration) કર્યું. વોલ્ટેજ મલ્ટિપ્લાયર ઉપકરણની મદદથી 1,50,000 જેટલી ઉચ્ચ વોલ્ટતા પ્રાપ્ત કરીને લિથિયમના પરમાણુ પર પ્રોટોન
વડે પ્રતાડન (bombardment) કરીને બેરિલિયમ
નો પરમાણુ ઉત્પન્ન કર્યો, તે અસ્થાયી (unstable) હોવાથી તેનું તરત જ બે આલ્ફા કણ
માં વિભંજન થયું. અર્દશ્ય એવા આ આલ્ફા (α) કણ, ઝિંક સલ્ફાઇડ(ZnS)ના પ્રતિદીપ્તિશીલ પડદા (fluorescent screen) પર ર્દશ્ય પ્રકાશના પ્રસ્ફુરણ (scintillations) તેમજ પથ(track)ની ઘટ્ટતા વડે પ્રત્યક્ષ થાય છે. વિભંજન માટેનું સમીકરણ નીચે પ્રમાણે છે.
પ્રવેગકો આધારિત પ્રયોગો વડે આઇન્સ્ટાઇનનાં સિદ્ધાંતો (દ્રવ્ય-ઊર્જા રૂપાંતર)ની સાબિતી મળે છે.
એરચ. મા. બલસારા