કૉઇપલ પરિવાર (Koypel Family) [(કૉઇપલ, નોએલ : જ. 1628, ફ્રાંસ; અ. 1707, ફ્રાંસ); (કૉઇપલ, ઍન્તૉઇન : જ. 1661, ફ્રાંસ; અ. 1722, ફ્રાંસ); (કૉઇપલ, નોએલ-નિકોલસ : જ. 1690, ફ્રાંસ; અ. 1734, ફ્રાંસ); (કૉઇપલ, ચાર્લી-ઍન્તોઇન : જ. 1694, ફ્રાંસ; અ. 1752, ફ્રાંસ)] : ફ્રેંચ બરોક-શૈલીમાં ચિત્રણા કરનાર ફ્રેંચ ચિત્રકાર પરિવાર. નોએલ ફ્રેંચ એકૅડેમીમાં 1674માં કલાના પ્રાધ્યાપક અને 1695માં ડિરેક્ટર બનેલા. 1672થી 1674 સુધી તેઓ રોમ ખાતેની ફ્રેંચ એકૅડેમીના પણ ડિરેક્ટરપદે હતા. એમનાં મૌલિક ચિત્રો પરથી ફ્રાંસની શેતરંજીઓ વણતી ગોબેલીન્સ ટૅપેસ્ટ્રી ફૅક્ટરીમાં હૂબહૂ શેતરંજીઓ વણાતી. તેઓ ઐતિહાસિક, ખ્રિસ્તી ધાર્મિક અને ગ્રેકોરોમન પૌરાણિક ચિત્રો આલેખતા.

ઍન્તૉઇન કૉઇપલ

નોએલના પુત્ર ઍન્તૉઇન પિતા હેઠળ જ ચિત્રકલાની તાલીમ લીધી હતી. ઍન્તૉઇન 1714માં ફ્રેંચ એકૅડેમીના ડિરેક્ટર તથા 1716માં તેના જ રૅક્ટર બનેલા. ડચ બરોક ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સ ઉપરાંત રોમન બરોક કલાના ઉન્નત તબક્કાની પણ તેમનાં ઐતિહાસિક, ખ્રિસ્તી ધાર્મિક અને ગ્રેકોરોમન પૌરાણિક ચિત્રો પર અસર છે.

નોએલનો બીજો પુત્ર નોએલ-નિકોલસ વ્યક્તિચિત્રકાર હતો.

ઍન્તૉઇનના પુત્ર ચાર્લી-ઍન્તૉઇન ફ્રાંસના રાજાના પ્રથમ દરબારી ચિત્રકાર તરીકે 1743માં નિયુક્ત થયેલા. 1747માં તેઓ ફ્રેંચ એકૅડેમીના ડિરેક્ટરપદે નિયુક્તિ પામ્યા. ખ્રિસ્તી ધાર્મિક ચિત્રો ઉપરાંત વ્યક્તિચિત્રો પણ તેમણે આલેખ્યાં. વૉલ્તેર તેમના પ્રશંસક હતા.

અમિતાભ મડિયા