કેસીન ચિત્રકળા : દૂધમાંથી છૂટા પાડેલા કેસીનના ઉપયોગવાળી ચિત્રકળા. કેસીન દૂધમાંથી મળતું ફૉસ્ફોપ્રોટીન છે, જે દૂધને ઍસિડ સાથે ગરમ કરવાથી મળે છે. દૂધમાં લૅક્ટિક ઍસિડ ઉમેરતાં પણ તે છૂટું પડે છે. દહીંમાંથી કેસીન મેળવીને પરંપરાગત આસંજક (adhesive) તથા બંધક (binder) તરીકે તે છેલ્લી આઠ સદી ઉપરાંતથી વપરાય છે. પરિષ્કૃત પાઉડર કેસીન એમોનિયામાં ઓગળે છે અને ચિત્રકારો દ્વારા તે ઈઝલ તથા મ્યુરલ ચિત્રકામમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી વપરાતું આવ્યું છે. હવે તૈયાર કેસીન પેઇન્ટ ટ્યૂબમાં મળે છે. તેનો બહોળો વપરાશ થાય છે. કેસીન ચિત્રકળાનો ફાયદો એ છે કે તે લગભગ તૈલચિત્રોના જેવી જ અસર ઉપજાવી શકે છે. તે ઝડપથી સુકાઈ જતું હોવાથી કેટલાક ચિત્રકારો તે પસંદ કરે છે. આવાં ચિત્રો સુકાયા પછી પાણી સામે સારી પ્રતિકારકતા દર્શાવે છે. કેસીન કૅન્વાસ માટે ખૂબ બટકણું હોવાથી કૅન્વાસ ન વાપરતાં, સખત બોર્ડ કે પૅનલ ઉપર ચિત્રકળા માટે જ વપરાય છે.
કૅન્વાસની ગ્રાઉન્ડ, પેન્સિલ, ફિક્સેટિવ (સ્થાયીકર), ચૂનામાં થતાં ભીંતચિત્રો અને કૅન્વાસ ચિત્રકળામાં કેસીન વપરાય છે.
કેસીન આલ્કલી કે સોડા દ્વારા દ્રાવ્ય છે. જો સોડા કે આલ્કલીનું પ્રમાણ વધી જાય તો ચિત્રને નુકસાન થાય છે. આ માટે તેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી ઉપયોગ કરવો રહ્યો. તેને વાપરવાલાયક બનાવવાની અનેક રીતો છે. મિનરલ ઍસિડ દ્વારા પણ તે મેળવી શકાય. લગભગ 1 લિટર દૂધમાંથી 28.3 ગ્રામ કેસીન મળે. તેનો રંગ ફિક્કો પીળો હોય છે. તે દાણાદાર દેખાય છે.
ભીંત ચિત્રકાર કેસીન ગુંદરને પલાળી રાખેલા ચૂના સાથે વાપરે છે. બોરૅક્સ કેસીન કરતાં લાઇમ કેસીન વધારે ટકાઉ છે. આજની દીવાલો પર પણ તે વાપરી શકાય છે. સામાન્ય રીતે કોઈ પણ ભેજવાળી ભીંત પર ચિત્ર ન થાય. ભેજવાળી ભીંત પર બીજા રંગોના પોપડા ઊખડી જાય જ્યારે કેસીન ચિત્રકળા તો ભેજવાળી ભીંત પર જ થાય એ તેની ખાસિયત છે.
ઈઝલ ચિત્રકળા માટે વપરાતા બધા જ રંગો ભીંતચિત્રમાં વાપરી શકાતા નથી. નક્કી કરેલ ખાસ રંગોના વર્ણક (pigment) જ વપરાય છે. કેસીન ગરમીની ઋતુમાં જલદી બગડી જાય છે. તે માટે તેમાં ખાસ પ્રકારનાં દ્રાવણ નંખાય છે. ચિત્રકળામાં કેસીન સાથે ઈંડાની જરદી પણ વપરાય છે.
કૅન્વાસ પેઇન્ટિંગનું આંતરચિત્ર (under-painting) કેસીન ગુંદર દ્વારા થઈ શકે. તેમાં ભેજને સહન કરવાની તાકાત હોય છે. કેટલાક ભારતીય કારીગરો દૂધમાં રંગ બાંધે છે. તેનું કારણ કેસીન છે.
ભારતીય ભીંતચિત્ર માટે ફોડેલા ચૂનામાં છાશ નખાય છે. લાઇમ કેસીન માટેની સામગ્રી નીચે મુજબ છે. 5 ભાગ દહીં (પાણી કાઢી નાખેલું) તથા 1 ભાગ ચૂનો. આ પદ્ધતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રવાહી રંગ સાથે એક વાર સુકાઈ ગયા પછી કેસીન ફરી દ્રાવ્ય થતું નથી.
નટુભાઈ પરીખ