કેશભૂષા : કેશનું સંમાર્જન અને અલંકરણ. આ પ્રથા જગતની સર્વ જાતિઓમાં પ્રાચીન અને લોકપ્રિય છે. પ્રાચીન સાહિત્ય, ચિત્ર અને શિલ્પમાં સ્ત્રીપુરુષોની કેશરચનાનું જે વૈવિધ્ય જોવા મળે છે, તે આ કલાની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવે છે. નાગરિકોએ જાણવાની અનેક કલાઓમાંની તે એક કલા ગણાતી. ભદ્રસમાજના પુરુષો આ કલાના નૈપુણ્ય વડે સ્ત્રીઓને રીઝવતા. કૃષ્ણગોપિકાઓનાં ગીતો અને ચિત્રોમાં આના નિર્દેશો જોવા મળે છે. સમય અને સાધનની અનુકૂળતાવાળા ભદ્રસમાજને જ એ વિશેષ પોષાતું. નાટ્ય-નૃત્ય આદિના કલાકારો આ કલાની જાણકારી મેળવતા. કેમ કે આહાર્ય અભિનયના એક અંગ તરીકે પાત્રાનુકૂળ કેશરચના કરવામાં તેની જરૂર પડતી. મહેનતુ વર્ગનાં સ્ત્રીપુરુષો પણ વારતહેવારે કેશપ્રસાધન કરતાં. સ્ત્રીઓ અડધે માથે ઓઢણું ઓઢી કેશસૌંદર્ય બતાવતી અને વરણાગિયા પુરુષો એમનાં શિરોવેષ્ટનોમાંથી જુલફાં લટકતાં રાખતા.
ઋગ્વેદમાં ‘કપર્દ’ અને ‘ઓપશ’ એ અમુક પ્રકારની કેશરચનાના વાચક શબ્દો હતા. કપર્દ એટલે લાંબા વાળનો જટાકારે કરેલો જૂડો. વૈદિક દેવો રુદ્ર અને પૂષા કપર્દી હતા. શતરુદ્રીયના એક મંત્રમાં રુદ્ર માટે कपर्दिने नम: એવું વિધાન છે. વૈદિક સમયના વસિષ્ઠગોત્રીય લોકો કપર્દથી ઓળખાતા. કુલાચાર અનુસાર એક કે વધારે કપર્દ રખાતા તથા લમણે, મસ્તક ઉપર કે પાછળ બંધાતા. ચૌલ સંસ્કારમાં બાળકને પ્રથમ શિરોમુંડન થાય ત્યારે કુલાચાર અનુસાર એક કે વધારે શિખાઓ રાખવાનો રિવાજ કપર્દ ઉપરથી આવ્યો હશે. ઓપશ કેશરચના સ્ત્રીઓની વિશેષતા હતી. તેમાં મોટા લાંબા વાળ છત્ર આકારે મસ્તક ઉપર ગોઠવાતા. કેશાકેશિ દ્વન્દ્વમાં વાળ પકડીને પ્રતિસ્પર્ધીને પછાડાતો.
સ્ત્રીઓમાં કપર્દ તો પ્રચલિત હતો જ. અંબોડાના જુદા જુદા પ્રકારો કપર્દમાંથી વિકસ્યા હશે. તદુપરાંત એક કે વધારે વેણીમાં લટો ગૂંથી છુટ્ટી કે જુદે જુદે આકારે વેણી મસ્તક પર ગોઠવાતી. એક વેણી પીઠ પર લટકતી રખાતી અને તેમાં પુષ્પો અને અલંકારોનું સુશોભન અનેક રીતે થતું. આજે પણ આ પ્રથા એટલી જ પ્રચલિત છે. સ્ત્રીઓ મોટે ભાગે મસ્ત વચ્ચેથી પાંથી પાડીને વાળને બે લમણે ઓળતી. વાંકી પાંથી પણ લેવાતી. પાંથી વિના ઊભા વાળ પણ ઓળાતા. કપાળે અને કાને પટિયાં પડાતાં અને પાછળ વેણીમાં છૂટા કેશ રખાતા. નાગપાશ કેશરચનામાં માથા ફરતો કેશનો જૂડો વીંટીને મસ્તક ઉપર નાગફણાના આકારે ચોટલો બંધાતો. કબરીબંધમાં જથ્થાબંધ વાળનો અંબોડો મસ્તકની મધ્યમાં રખાતો. ઓળેલા વાળમાં ચૂડામણિનો અલંકાર ધારણ કરાતો. ધમ્મિલ્લ આકારમાં મુકુટ જેવી કેશરચના થતી. શિખંડરચનામાં મસ્તક પાછળ ઈંડા આકારનો લંબગોળ ઢીલો ચોટલો બંધાતો. સર્વ કેશરચનામાં પુષ્પો, પુષ્પમાળાઓ, મુક્તા, સુવર્ણ, રજતમાળા અને વિવિધ અલંકારોનો ઉપયોગ થતો. વાળને કૃત્રિમ રીતે વાંકડિયા કરી તેમની વાંકડિયા લટો લમણે, કપાળે કે મસ્તક ફરતે રખાતી. ગુપ્તયુગની કલાકૃતિઓમાં આવી કેશરચનાના વૈવિધ્યપૂર્ણ નમૂના જોવા મળે છે. કપાળે મૌલિરચના સ્ત્રીપુરુષોમાં પ્રચલિત હતી. જટાધારી સાધુ- સંન્યાસીઓમાંના કેટલાક મૌલિ આકારે જૂડો બાંધતા. ‘મૌલિ આગળ હાથ જોડવા’નો વાક્પ્રયોગ આ કેશશૈલીનો સૂચક છે. અલકરચનામાં સુગંધી ચૂર્ણો અને પુષ્પોનો ઉપયોગ થતો. કેશરચનામાં તૈલનો ઉપયોગ થતો. જુદાં જુદાં સુગંધ-દ્રવ્યોથી તેલ સુવાસિત કરાતાં. વાળની જાળવણી માટે વિવિધ ઔષધો અને વનસ્પતિરસોનો પ્રયોગ થતો. ગાઢ શ્યામ, સુંવાળા કેશ સૌંદર્યની નિશાની ગણાતા.
પ્રોષિતભર્તૃકા સ્ત્રીઓ કેશપ્રસાધન કરતી નહિ. ઓળ્યા વિનાના લુખ્ખા વાળ ગુંડાળીને અંબોડો બાંધતી કે પીઠે લટકતા રાખતી. ધીમે ધીમે આ પ્રથા ઓછી પ્રચલિત રહી. પાછલા સમયમાં કેશરચનાનું વૈવિધ્ય ઘણું ઓછું થઈ ગયું. પણ શ્રીમંતોમાં તે ચાલુ હતી. ઘરકામના બોજા તળે સ્ત્રીઓ બેત્રણ દિવસ સુધી કેશસંમાર્જન કરી શકતી નહિ અને વાળ ઓળે તો કઠણ અંબોડો બાંધી વધેલા વાળ છૂટા રાખતી અથવા દોરા સાથે ગૂંથી તેમને અંબોડા ફરતા વીંટી દેતી. સીધા વાળ ઓળી કાન પાછળ પણ લઈ જતી. ત્યારપછીનાં સોએક વર્ષ આસપાસના સમયમાં કેશભૂષામાં વાળમાં ઠીક ઠીક તેલ સીંચી, ઓળી, તેમાં ચીપિયા, સોનારૂપાની પિનો નખાતી. જલેબી અંબોડા પણ વળાતા. તેમાં ચીપિયાનો ઘણો ઉપયોગ થતો. વચ્ચેના સમયમાં અંબોડો મોટો બતાવવા સારુ વાળમાં ડોનેટ મૂકી તેની ઉપર અંબોડો વળાતો. બે-ત્રણ નાના ડોનેટ મૂકી બેત્રણ અંબોડા વળાતા. વાળની વેણી ગૂંથી, સાથે સૂતર કે ઊનની સેરો ગૂંથી વેણી નિતંબ સુધી પહોંચે એવી રખાતી. ધીમે ધીમે પશ્ચિમની અસર અને ત્યારપછી ગાંધીજીની સાદાઈની ભાવનાની અસર તળે કલાત્મક કેશભૂષાનું વૈવિધ્ય ઓછું થયું. બૉબ્ડ હેર દેખાવા લાગ્યા અને સધવા સ્ત્રીઓ પણ વાળ કપાવવા લાગી. અત્યારે વાળ કપાવવાની પદ્ધતિ લગભગ સામાન્ય થઈ ગઈ છે. બૉબ્ડ હેરમાં પણ જુદા જુદા પ્રકારો છે. જેમકે બૉયકટ જેમાં વાળ ખભા સુધી લટકતા અથવા ગરદનથી ઊંચે રખાય છે. તો સાથે સાથે વાંકો સેંથો, સીધો સેંથો, સીધા ઊભા વાળ ઓળવા, ગુચ્છા પાડવા, સાગર ચોટલો, ખજૂરી ચોટલો વગેરે પણ પ્રચારમાં આવવા લાગ્યા છે. કાન પર કાનસિયાં રખાતાં જણાય છે. આખા વાળની વેણીઓ ક્વચિત્ જણાય છે. ઢીલો અંબોડો કે અંબોડો વાળ્યા પછી છૂટા રાખેલા વાળ પણ જણાય છે. વિવિધ પ્રકારની બો પટ્ટીઓ, કાળા કે રંગરંગના દોરાની સેરો વપરાય છે. ત્યારપછી યુવતીઓમાં કોરા વાળની ફૅશન શરૂ થઈ છે. જોકે હજીય પ્રસંગોપાત્ત અંબોડામાં કે વેણીમાં ફૂલમાળાઓ ગૂંથાય છે. સોનાચાંદી કે અકીકના ચાક અંબોડામાં વપરાય છે. સોને રસેલી સેરો કે મોતીની સેરોથી વાળ સજાવાય છે. સોનાચાંદીનાં કે રત્નજડિત શીશફૂલ કે ચૂડામણિ સેંથામાં ગોઠવાય છે. સફેદ કે વરખની પિનોનું મહત્ત્વ વધ્યું છે. પૉનીટેઇલમાં આવી પિનો સુંદર લાગે છે. પણ વાળની જાળવણી ઘણી ઓછી થઈ ગઈ છે. તેલ સીંચવું, ઔષધીય દ્રવ્યોથી વાળ ધોવા, સુગંધી દ્રવ્યો વાપરવાં વગેરે ઘણું ઓછું થઈ જવાથી વાળ ઊતરતા હોય છે.
પ્રિયબાળાબહેન શાહ