કેળકર, નરસિંહ ચિંતામણ (અનામિક, આત્માનંદ) (જ. 24 ઑગસ્ટ 1872, મોડનિંબ, જિલ્લો સોલાપુર; અ. 14 ઑક્ટોબર 1947, પુણે) : મરાઠી સાહિત્યકાર તથા અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી. પિતા મહારાષ્ટ્રના દેશી રાજ્ય મિરજમાં અમલદાર. શરૂઆતનું શિક્ષણ મિરજ ખાતે. તે દરમિયાન જાણીતા ઇતિહાસસંશોધક વાસુદેવશાસ્ત્રી ખરે જેવા શિક્ષક તેમને મળ્યા. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર, પુણે તથા મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (1891) તથા એલએલ.બી.(1895)ની ઉપાધિઓ પ્રાપ્ત કર્યા પછી સતારા ખાતે વકીલાત શરૂ કરી, પરંતુ માર્ચ 1896માં લોકમાન્ય ટિળકના આમંત્રણથી ટિળકે પુણે ખાતે શરૂ કરેલા કાયદાના વર્ગોમાં અધ્યાપન કરવા તથા ‘મરાઠા’ (અંગ્રેજી) વૃત્તપત્રનું સંપાદન કરવા પુણે ખાતે સ્થળાંતર કર્યું અને એ રીતે ટિળકના આજીવન સહકારી બન્યા. ટિળકના કારાવાસ દરમિયાન 1897-99ના ગાળામાં ‘મરાઠા’ ઉપરાંત ‘કેસરી’ (મરાઠી) વૃત્તપત્રનું પણ સંપાદન કર્યું. 1896-1918 દરમિયાન લગભગ સતત ‘મરાઠા’ના તંત્રીપદે તથા 1897-99, 1910-18, 1920-27 અને 1929-37ના ગાળામાં ‘કેસરી’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. સાથોસાથ ‘સહ્યાદ્રિ’ (મરાઠી) સામયિકમાં વિવિધ વિષયો પર લખતા રહ્યા. 1912માં પુણે નગરપાલિકાના ઉપાધ્યક્ષ અને 1918માં અધ્યક્ષ; 1918માં ઇંગ્લૅન્ડ ગયેલા કૉંગ્રેસ તથા હોમરૂલ લીગના પ્રતિનિધિમંડળના સેક્રેટરી અને તે પ્રવાસ દરમિયાન બ્રિટિશ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના ‘ઇન્ડિયા’ મુખપત્રના તંત્રી; 1920માં કૉંગ્રેસ અને હોમરૂલ લીગના સોલાપુર ખાતે યોજાયેલા સંયુક્ત પ્રાંતીય અધિવેશનના પ્રમુખ; 1921માં વડોદરા ખાતે ભરાયેલા મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના અધ્યક્ષ; 1923માં કેન્દ્રીય વિધાન મંડળમાં સ્વરાજ્ય પક્ષના પ્રતિનિધિ; 1935-47 દરમિયાન ‘સહ્યાદ્રિ’ સામયિકના સંપાદક એમ વિવિધ પદો પર તેમણે કામ કર્યું હતું. 1930ની અસહકારની ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. 1918માં ત્રણ લાખ રૂપિયાનું ખાસ ભંડોળ ભેગું કરી લોકમાન્ય ટિળકને અર્પણ કર્યું હતું.
ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો બાદ કરતાં તેમણે 1896-1947 દરમિયાન ઇતિહાસ, તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, સાહિત્યમીમાંસા, શિક્ષણ, સમાજશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પર ગ્રંથરચના કરી છે. કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સાહિત્યપ્રકારો તેમણે ખેડ્યા છે. તેમનું મોટા ભાગનું સાહિત્ય 1938માં ‘સમગ્ર કેળકર વાઙ્મય’ શીર્ષક હેઠળ બાર ખંડોમાં સંગૃહીત કરવામાં આવ્યું છે.
તેમનો પ્રિય વિષય હતો ઇતિહાસ, જેમાં ‘આયર્લૅન્ડચા ઇતિહાસ’ તથા ‘મરાઠે આણિ ઇંગ્રજ’ જેવા ઉત્કૃષ્ટ ગ્રંથો તેમણે લખ્યા છે. આમાંનો પ્રથમ ગ્રંથ લેખકના સમતોલ વિવેચનનો દ્યોતક છે, તો બીજો ગ્રંથ મરાઠા અને અંગ્રેજોના સંબંધોની મીમાંસા કરતો તથા તે સમયના ઇતિહાસ પર તટસ્થ રીતે પ્રકાશ પાડતો અભ્યાસપૂર્ણ ગ્રંથ છે.
તેમનું નિબંધલેખન મરાઠી ભાષાસાહિત્યમાં ચિરકાલીન સ્થાન પામે તેવું છે. તેમના નિબંધો સર્વસામાન્ય જનમાનસને સ્પર્શી જાય છે. લેખનનો સ્તર ઊંચો રાખીને તે વિનોદનો પ્રયોગ કરે છે. મરાઠી ભાષામાં નિબંધના ક્ષેત્રે આવી શૈલીનો પ્રારંભ તેમના દ્વારા જ થયો છે.
વાઙ્મયતત્વમીમાંસાની ર્દષ્ટિએ ગ્રંથ રૂપે પ્રગટ થયેલી તેમની ‘હાસ્યવિનોદમીમાંસા’ કૃતિ લાક્ષણિક તો છે જ, પરંતુ આ વિષય પર મરાઠી ભાષામાં પ્રગટ થયેલા ગ્રંથોમાં એ આદ્ય ગ્રંથ ગણાય છે.
તેમણે લખેલાં ચરિત્રોએ પણ મરાઠીભાષી વાચક વર્ગનું ધ્યાન ખેંચ્યું હતું. ઇટલીના દેશભક્ત ગૅરિબાલ્ડીના ચરિત્રમાં તેના વ્યક્તિત્વની વિશદ છણાવટ કરી છે. લોકમાન્ય ટિળકના પ્રત્યક્ષ સહવાસમાં રહેલા કેળકરે ‘લો. ટિળકચરિત્ર’ નામે પ્રમાણભૂત ચરિત્ર ત્રણ ખંડોમાં પ્રગટ કર્યું છે. તેમનું આત્મચરિત્ર ‘ગતગોષ્ટી’ 1939માં પ્રગટ થયું હતું.
1897-1950ના કાલખંડમાં તેમણે લખેલાં તથા ભાષાંતરિત કે રૂપાંતરિત કરેલાં 8-9 નાટકો મરાઠી રંગમંચ પર ભજવાયાં છે. તેમની 5-6 નવલકથાઓ અને કેટલીક કવિતાઓ પણ પ્રકાશિત થઈ છે.
મરાઠી સાહિત્ય સંમેલન કે અન્ય સાહિત્યિક સમારંભોના પ્રમુખપદેથી તેમણે આપેલાં વ્યાખ્યાનો તેમજ અન્ય નિબંધોમાં સાહિત્ય-વિવેચન કરીને તેમણે સર્વસામાન્ય મરાઠી જનમાનસમાં સાહિત્ય પ્રત્યે અભિરુચિ પેદા કરી હતી. આવા એક સમર્થ સાહિત્યસર્જકને મરાઠીભાષી સમાજે સ્વયંસ્ફૂર્ત રીતે ‘સાહિત્યસમ્રાટ’ની પદવીથી નવાજ્યા હતા.
તેમની સાહિત્યકૃતિઓમાં ‘ગૅરિબાલ્ડીચે ચરિત્ર’ (1900), ‘આયર્લૅન્ડચા ઇતિહાસ’ (1909), ‘લો. ટિળકચરિત્ર’ (1923 અને 1928), ‘સુભાષિત આણી વિનોદ’ (1908), ‘તોતચાચે બંડ’ (1913) અને ‘કૃષ્ણાર્જુનયુદ્ધ’ (1915) જેવાં નાટકો; ‘કેળકરકૃત લેખસંગ્રહ’ (1915),‘મરાઠે આણી ઇંગ્રજ’ (1918), ‘તિરંગી નવમતવાદ’ (1930), ‘રાજ્યશાસ્ત્ર’ (1932), ‘ભારતીય તત્વજ્ઞાન’ (1934), ‘હાસ્યવિનોદ- મીમાંસા’ (1937) ‘સમગ્ર કેળકર વાઙ્મય’ (1938), ‘ગતગોષ્ટી’ (આત્મચરિત્ર ¾ 1939). ઉપરાંત કેટલીક નવલકથાઓ અને પ્રહસનો નોંધપાત્ર છે. ‘બ્રિટિશ સામ્રાજ્યચા અધ:પાત’ (1950) અને ‘કેળકરાંચી નિબંધમાલા’ (1955) બે ગ્રંથો મરણોત્તર પ્રગટ થયા હતા.
ઉષા ટાકળકર
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે