કેલૉઝ, દિદિઅર (Queloz, Didier)

January, 2008

કેલૉઝ, દિદિઅર (Queloz, Didier) (ફ્રેન્ચ ઉચ્ચાર કેલો, ડિડિયે) (જ. 23 ફેબ્રુઆરી 1966, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા એક નવીન ગ્રહની શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયરને પ્રાપ્ત થયો હતો.

દિદિઅર કેલૉઝ

કેલૉઝે યુનિવર્સિટી ઑવ્ જિનીવામાં અભ્યાસ કર્યો અને 1990માં વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી તથા 1992માં ખગોળશાસ્ત્રમાં DAE (Doctorate in Profound Studies)ની પદવી મેળવી. 1995માં ખગોળશાસ્ત્રી મિશેલ મેયરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મિશેલ મેયર ડૉપ્લર સ્પેક્ટ્રોમિતી દ્વારા ખગોળીય પદાર્થોની ગતિનો અભ્યાસ કરતા હતા. 1995માં મેયર અને કેલૉઝે સંયુક્ત રીતે એક મોટા ગ્રહની શોધ કરી કે જે 51 પેગાસી (51 Pegasi) નામે સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતો હતો. આ ગ્રહને 51 પેગાસી બી (51 Pegasi b) નામ આપવામાં આવ્યું. આ ગ્રહ ગુરુના ગ્રહ સમાન હતો. (Hot Jupitor) તારાઓની મુખ્ય શ્રેણી (Main Sequence)માં સ્થિત આ પ્રથમ ગ્રહ હતો. આ સિદ્ધિ માટે કેલૉઝ અને મેયરને 2019નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

ત્યાર બાદ કેલૉઝે યુનિવર્સિટી ઑવ્ જિનીવામાં પ્રોફેસરનું પદ મેળવ્યું. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજની કૅવેન્ડિશ લૅબોરેટરીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. સૂર્યમાળાની બહાર નવીન ગ્રહોની શોધમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું.

તેમના અનુમાન પ્રમાણે મનુષ્ય હવે પછીના 30 વર્ષના સમયગાળામાં બ્રહ્માંડમાં અન્ય સ્થળે જીવનની શોધ કરશે. તેઓ દૃઢપણે માને છે કે પૃથ્વી સિવાય અન્ય ગ્રહ પર જીવન હોવું જ જોઈઅ. કેલૉઝને નોબેલ પુરસ્કાર ઉપરાંત અનેક ઇનામો અને સન્માન મળેલાં છે.

પૂરવી ઝવેરી