કેલેકા, રણબીર (જ. 1953, પતિયાલા, પંજાબ, ભારત) : આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી ચંડીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કરી 1975માં ડિપ્લોમા મેળવ્યો. ત્યાર બાદ થોડા સમય માટે પતિયાલાની ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વિમેનમાં બે વરસ સુધી કલા-અધ્યાપન કર્યું. તેમનું પ્રથમ પ્રદર્શન દિલ્હી ખાતે 1974માં થયું, જેથી તુરત જ તેમની નામના થઈ અને દેશ-વિદેશમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો વારંવાર યોજાવાં શરૂ થયાં. કેન્દ્રીય લલિતકલા અકાદમીએ રાષ્ટ્રીય ઍવૉર્ડથી તેમને નવાજ્યા છે. હાલમાં તેઓ દિલ્હી ખાતે દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટના કલા-વિભાગમાં અધ્યાપક છે.
કેલેકાનાં ચિત્રોમાં ભડક રંગો વડે આલેખિત માનવીઓ અને પશુઓ ખીચોખીચ નજરે પડે છે. વળી પુરુષોનાં ઉત્તેજિત શિશ્ન સુરખાબની ડોક કે નાગની ફેણ સાથે આકારની ર્દષ્ટિએ જુગલબંધી કરતાં નજરે ચઢે છે.
અમિતાભ મડિયા