કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ : ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ. ગિરાબહેન સારાભાઈના અથાક પ્રયત્નો વડે સર્જાયેલા દુર્લભ સંગ્રહમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. 1949માં જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કરેલું. મૂળમાં કેલિકો મિલ્સના પરિસરમાં સ્થપાયેલું આ મ્યુઝિયમ હાલમાં શાહીબાગ વિસ્તારમાં જૂના જમાનાની એક મોટી હવેલીમાં ગોઠવાયું છે.
આ મકાનમાં 19મી સદીના મધ્યકાળના અમદાવાદની શૈલીનું સુશોભન અને ખાસ કરીને ઈંટની દીવાલો પર છાણનાં લીંપણ છે. તેનો ખાસ ફાયદો એ છે કે અહીં માંકડનો ઉપદ્રવ થતો નથી. મ્યુઝિયમને બદલે કોઈ ઘરમાં આવ્યા હોય એવો ભાસ થાય છે.
વસ્ત્રો બનાવવાની કળામાં ભારતે વિશ્વભરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે, 17મી સદીમાં અંગ્રેજો ભારતીય કાપડની આયાત સામે સોનું આપતા. ભારતના બદલાતા ઇતિહાસનું પ્રતિબિંબ પાડતાં વસ્ત્રોનું આ સંગ્રહસ્થાન અભ્યાસીઓ ઉપરાંત કુશળ કારીગરો માટે પણ ભારે ઉપયોગી બની ગયું છે. કેટલીક મિલોની આધુનિક ડિઝાઇનો 200 વર્ષ પહેલાંની અમુક ડિઝાઇનો સાથે સરખાવીએ તો તરત ખ્યાલ આવી જાય છે કે બંનેમાં કેટલું બધું સામ્ય છે !
આ મ્યુઝિયમમાં રાખેલા ઘણા નમૂનાઓમાં નાથદ્વારાના વલ્લભાચાર્યના સમયની પ્રતિકૃતિઓ પણ છે. સુતરાઉ કાપડ પર સિલ્વર અને ગોલ્ડ પિગમેન્ટ પ્રિન્ટિંગ ધરાવતા ‘પિછવાઈ’ના નમૂનાઓમાં નંદમહોત્સવ, ગોવર્ધન-ઉત્સવ, અન્નકૂટ-ઉત્સવ વગેરે કલાત્મકપણે રજૂ કરવામાં આવ્યા છે.
અહીં તો 17મી સદીની 32 × 12ની સાઇઝની જયપુરની જાજમ પણ છે અને 1640ની સાલમાં જયપુરના અંબર પૅલેસ માટે મદ્રાસમાં બનેલું વૉલ-હૅન્ગિંગ પણ છે. એ જ સદીની ગુજરાતમાં બનેલી ‘સમર કારપેટ’ અને 18મી સદીના મુઘલ દરબારોમાં બેગમોના રૂમ પરનો ઝનાના-પરદો પણ જોવા મળે છે. એક બાજુ જૂના જમાનાની પાલખી અને રથ, તો બીજી બાજુ કાઠિયાવાડી કોડિયાથી માંડી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ભાતીગળ વસ્ત્રો પણ નજરને જકડી રાખે છે. જેના માટે પાટણ પ્રખ્યાત છે એ પટોળાં આમ તો 12મી સદીથી પ્રચલિત થયાં, પણ ઈ. પૂ. ચોથી સદીમાં ‘પટોળિકા’ શબ્દ વપરાશમાં હતો. 7મી સદીમાં પટોળાની કિંમત રૂ. 8 અને સૌથી મોંઘું હોય તો રૂ. 40 હતી. ત્રણસો વર્ષ પહેલાં ભારતમાં ડચ અને અંગ્રેજો આ પટોળાં ખરીદ કરી ફિલિપાઇન્સ, જાવા, બૉર્નિયો અને સુમાત્રા ખાતે નિકાસ કરતા. ત્યાં લગ્નની સાડી તરીકે પટોળાં વપરાતાં હતાં.
પટોળામાં પણ ગુજરાતે ત્રણ વિવિધ તરેહો આપી હતી : ખંભાતના પટોળામાં મરૂન કલરના બૅકગ્રાઉન્ડમાં સફેદ જાળી, પાટણનાં પટોળાંમાં હાથી-ફૂલ વગેરે આકૃતિઓવાળી બૉર્ડર અને સૂરતનાં પટોળાંમાં લીલી બૉર્ડર તથા લાલ જાળી ખાસ પ્રસિદ્ધિ પામ્યાં હતાં. ગુજરાતમાં બનેલું 17મી સદીનું વૉલ હૅન્ગિંગ અંગ્રેજોને ભેટ અપાયું હતું, જે ઇંગ્લૅન્ડના સસેક્સમાંથી આ મ્યુઝિયમ માટે પાછું મેળવાયું છે.
કચ્છ-કાઠિયાવાડી અને ગુજરાત-રાજસ્થાની રંગબેરંગી બાંધણીઓ, ઓરિસાના વિશાળ કાયાવાળા કપડાના ઘોડા અને કાઠિયાવાડનો રથ, ગઈ સદીની સ્ત્રીઓના આભલાંવાળા કમખા તેમજ ઔરંગાબાદ-ત્રિચિનોપલ્લીના પુરુષોના ઝભ્ભા જેવા હિમરૂ (ડગલો) અહીં પ્રદર્શિત છે. ધ્રાંગધ્રાના મહારાજા શ્રીરાજ મેઘરાજે તેમના ખાનગી સંગ્રહની સામગ્રી પણ આ મ્યુઝિયમને ભેટ આપી છે; જે એક રૂમમાં સાચવી રાખવામાં આવી છે. ગુજરાતમાં જેને ‘બાંધણી’ કહેવાય છે, રાજસ્થાનમાં જે ‘ચૂંદડી’ કહેવાય છે અને ઇન્ડોનેશિયામાં જે ‘પ્લાંગી’ કહેવાય છે તેનો વિભાગ અલગ છે. ‘લુંગી’ શબ્દ આ ઇન્ડોનેશિયાના ‘પ્લાંગી’નો અપભ્રંશ છે.
આ મ્યુઝિયમમાં નાનકડા રૂમની સાઇઝ જેવી રૂપેરી રંગની માછલી જેવા આકારનું એક વિશાળ કાપડ છે. તે ડ્રૅગનના મોઢાવાળું, માછલી જેવા આકારનું ‘મહિમરાત’ છે. ‘મહિમરાત’ એટલે શુકન રૂપે અપાતું ઇનામ. ટોન્કના નવાબે લડાઈમાં જીત કરી તેથી ખુશ થઈ એક મુઘલ બાદશાહે આ મહિમરાત ભેટ આપેલું.
મ્યુઝિયમ નવ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ચીતરેલાં અને છાપેલાં ભારતીય વસ્ત્રો, (2) ભારતીય ભરતકામ, (3) ભારતીય પિગમેન્ટ પ્રિન્ટિંગ, (4) બાંધણીવાળાં વસ્ત્રો, (5) તૈયાર વસ્ત્રો, (6) જરીકામ, (7) વૅલ્વેટ અને જાજમો (8) મધ્યયુગીન દક્ષિણ ભારતીય ચોળ, પલ્લવ અને પાંડ્ય કાંસ્ય શિલ્પો, (9) મધ્યયુગીન રાજસ્થાની અને પહાડી લઘુચિત્રો.
ર. ના. મહેતા
અમિતાભ મડિયા