કેમ્મુ, મોતીલાલ (જ. 24 જૂન 1933, શ્રીનગર, કાશ્મીર; અ. 16 એપ્રિલ 2018 જમ્મુ) : જાણીતા કાશ્મીરી નાટ્યલેખક. સ્નાતક (1953). જાણીતા નર્તક સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની તાલીમ; નાટ્યતાલીમ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ (વડોદરાની મ. સ. યુનિવર્સિટી, 1961-1964). જમ્મુ-કાશ્મીરની ‘કલા-સંસ્કૃતિ અને ભાષા અકાદમી’માં વિશેષ અધિકારી (1964). એમનાં જાણીતાં કાશ્મીરી નાટકોમાં ‘છાયા’, ‘તોતા તા આયના’, ‘નાટક તૃચે’ વગેરે ખૂબ ભજવાયાં છે. હિન્દીમાં ‘તીન અસંગત એકાંકી’ પ્રસિદ્ધ થયાં છે. તેમણે નાટ્યતાલીમ અને નાટ્યલેખનની અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. કાશ્મીરી નાટકોમાં એમના દ્વારા નાટકના ક્ષેત્રમાં આધુનિકતાએ પ્રવેશ કર્યો. એમના ‘નાટક તૃચે’ને 1982માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક મળ્યું હતું. તે પહેલાં તેમને જમ્મુ અને કાશ્મીરની કલા સંસ્કૃતિ અને ભાષા અકાદમી ઍવૉર્ડ (6 વખત) તથા કેન્દ્રીય હિંદી ભાષા નિયામકની કચેરીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. 2012માં પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું હતું.
ચન્દ્રકાન્ત મહેતા
હસમુખ બારાડી