કેમર્જી : અખાદ્ય કૃષિનીપજોનો લાભપ્રદ ઉપયોગ કરવા માટે વિકસાવાયેલી પ્રયુક્ત વિજ્ઞાનની શાખા. chem = રસાયણવિજ્ઞાન, તથા urgy = કાર્ય, પરથી બનેલો આ શબ્દ 1930થી 1950 દરમિયાન વિશેષ પ્રચલિત થયો. કેમર્જી સંકલ્પના રસાયણશાસ્ત્ર, જીવરસાયણ, ભૌતિકશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇજનેરી વગેરે શાખાઓને આવરી લે છે. ખેતપેદાશોની વધારાની નીપજનો શો ઉપયોગ કરવો તે વિચારતાં આ ‘કેમર્જી’ શબ્દ ઉદભવ્યો. વધારાની ખેતનીપજોનો ઔદ્યોગિક કાચા માલ તરીકે ઉપયોગ કરવાનું વિચારવામાં આવ્યું. 1970ની ઊર્જાવિષયક કટોકટી બાદ આ શબ્દ વિશેષ ઉલ્લેખાતો રહ્યો છે. કેમર્જીના આધુનિક વ્યાપમાં માત્ર અખાદ્ય કૃષિનીપજો જ નહિ પણ નવા પાકનો વિકાસ કેવી રીતે કરવો, બિનનફાકારક નીપજો કેવી રીતે વેચવી તથા ખાદ્ય ચીજોની ક્ષમતા કેવી રીતે વધારવી વગેરે આવી જાય છે.
પ્રવીણસાગર સત્યપંથી