કેનેડી, રૉબર્ટ એફ. (જ. 20 નવેમ્બર 1925, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 6 જૂન 1968, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકાના રાજદ્વારી પુરુષ તથા ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના સૌથી શક્તિશાળી નેતા. પિતા જૉસેફ કેનેડી ઇંગ્લૅન્ડથી અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. પોતાની કુનેહથી ત્યાં ધનાઢ્ય બન્યા. તેમના મોટા ભાઈ જ્હૉન કેનેડી 1960માં અમેરિકાના પ્રમુખ ચૂંટાયેલા.
રૉબર્ટને ગળથૂથીથી રાજકારણના સંસ્કાર મળેલા. મિલ્ટન અકાદમીમાં શિક્ષણ લેતા હતા તે દરમિયાન બીજા વિશ્વયુદ્ધ (1939-45) વખતે અમેરિકાના નૌકાદળમાં દાખલ થયા. યુદ્ધ પૂરું થયા પછી ફરી શિક્ષણ શરૂ કર્યું. 1948માં સ્નાતક થયા તથા 1951માં વર્જિનિયા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની ઉપાધિ પ્રાપ્ત કરી. તે જ વર્ષે અમેરિકાના ન્યાય ખાતાની ગુના શાખામાં ઍટર્ની નિમાયા. 1952માં મોટા ભાઈ જ્હૉન કેનેડીની અમેરિકાની સેનેટ માટેની ચૂંટણીના મુખ્ય સંયોજક બન્યા અને તે દ્વારા રાજકારણમાં પ્રવેશ્યા. 1953માં સેનેટની બહુચર્ચિત ‘મૅકાર્થી સમિતિ’ના નાયબ સલાહકાર નિમાયા પણ થોડાક મહિના પછી સમિતિની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપ્યું. 1954માં લઘુમતી ધરાવતા ડેમોક્રૅટિક પક્ષના સલાહકાર બન્યા. 1957માં સેનેટની એક પ્રવર સમિતિના મુખ્ય સલાહકાર નિમાયા. આ સમિતિને અમેરિકાનાં મજૂરમંડળો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમની કાર્યકુશળતા તથા પ્રયાસને લીધે આવી ગેરરીતિઓ માટે જે. આર. હોફાને સજા ફરમાવવામાં આવી હતી, જે તેમની મોટી સિદ્ધિ ગણાય છે.
1960માં મોટા ભાઈ જ્હૉન કેનેડીની અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણી-ઝુંબેશના મુખ્ય સંયોજક બન્યા. 1961માં જ્હૉન કેનેડીના મંત્રીમંડળમાં ઍટર્ની-જનરલ નિમાયા. નિગ્રો નેતા માર્ટિન લ્યૂથર કિંગ, જુનિયર તથા તેમના સાથીદારોને વિરોધીઓના ઘેરામાંથી બચાવવા માટે રૉબર્ટ કેનેડીએ 400 જેટલા સૈનિકો (federal marshalls) મોકલી એક સાહસિક પગલું ભર્યું જેને લીધે તેમની પ્રશંસા તો થઈ જ પરંતુ હબસી પ્રજામાં તેમની લોકપ્રિયતા આસમાને ચડી. 1964માં ઍટર્ની-જનરલપદેથી રાજીનામું આપ્યું. તે જ વર્ષે ન્યૂયૉર્ક રાજ્યમાંથી અમેરિકાની સેનેટમાં ચૂંટાયા (1965-68). માર્ચ 1968માં તેમણે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ડેમોક્રૅટિક પક્ષની ઉમેદવારીની ઝુંબેશમાં ઝંપલાવ્યું. 5 જૂન, 1968ના રોજ પૅલેસ્ટાઇનના એક સમર્થકના હાથે તેમની હત્યા થઈ.
ઍટર્ની-જનરલ તરીકે તેમની કારકિર્દી ખૂબ વખણાઈ હતી. ઉપરાંત, અમેરિકામાં ચાલતી વ્યાપક ગુનાખોરી સામે ન્યાયખાતાના સલાહકાર તરીકે તેમણે જે કડક છતાં કુનેહભર્યું અને કલ્પનાશીલ વલણ દાખવ્યું તેની પણ પ્રશંસા થઈ હતી. અમેરિકાના ગરીબ હબસી લોકોમાં તથા અન્ય શોષિત-પીડિત પ્રજાના રાહબર તથા રક્ષક તરીકે અમેરિકાના ઇતિહાસમાં તેમનું નામ કાયમી બન્યું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે