કેનેડી રાઉન્ડ : આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાતજકાત જેવાં નિયંત્રણોને ઓછાં કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવાના ઉદ્દેશથી યોજાયેલી વાટાઘાટો. તે માટે 1947માં ‘જનરલ ઍગ્રીમેન્ટ ઑન ટૅરિફ્સ ઍન્ડ ટ્રેડ’(GATT)ના નામથી એક આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. 1947થી ’62 વચ્ચે તેના આશ્રયે આયાતજકાતોમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી પાંચ સફળ આંતરરાષ્ટ્રીય વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ સહુથી વધુ સફળતા ‘કેનેડી રાઉન્ડ’ના નામથી જાણીતી છઠ્ઠી વાટાઘાટમાં સાંપડી હતી.
કેનેડી રાઉન્ડની વાટાઘાટોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક ચીજોને આવરી લેવામાં આવી હતી. એમાંની બે તૃતીયાંશ વસ્તુઓ પરની આયાતજકાતોમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીની વસ્તુઓ પરની જકાતોમાં એનાથી ઓછો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેનેડી રાઉન્ડને પરિણામે એકંદરે ઔદ્યોગિક ચીજો પરની આયાતજકાતોમાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો થયો હતો. એ ઘટાડા પછી અમેરિકાની આયાતજકાતો સરેરાશ 6.8 ટકા, સહિયારા બજારના દેશોની 6.6 ટકા અને જાપાનની 9.4 ટકા રહી હતી.
રમેશ ભા. શાહ