કેદારનાથ (નાથજી) (જ. 25 ડિસેમ્બર 1883; અ. 1978) : મહારાષ્ટ્રીય જ્ઞાની સંત. વતન રાયગડ જિલ્લાનું પાલી ગામ, પિતા અપ્પાજી બળવંત, અટક કુલકર્ણી; પરંતુ વ્યવસાયે ઉપ-રજિસ્ટ્રારના હોદ્દા પર હોવાથી દેશપાંડે તરીકે પણ ઓળખાતા. બાળપણ થાણા, રત્નાગિરિ, ખાનદેશ વગેરે જિલ્લાઓમાં વીત્યું. ચાર-પાંચ વર્ષે રત્નાગિરિ જિલ્લામાં ગુહાગરની ધૂળી નિશાળમાં શિક્ષણનો પ્રારંભ. માધ્યમિક શિક્ષણ રાજાપુર અને ધૂળિયામાં.
નવ-દશ વર્ષની ઉંમરે માનો વિયોગ થયો. કેદારનાથનું બાળમાનસ કોઈના જીવનમાં પ્રસૂતિ કે વૈધવ્યના દુ:ખનું નિમિત્ત ન બનવા સારુ આજીવન અવિવાહિત રહેવાનો નિશ્ચય કરે છે.
માતાના મૃત્યુ પછી 1893થી 1897 સુધી પુણેમાં રહેવાનું થયું. ચાલુ શિક્ષણથી દેશસેવા થઈ શકે તેમ નથી એમ લાગતાં સત્તર વર્ષની ઉંમરે 1901માં તેમણે શાળા છોડી. રાષ્ટ્રીય ઉત્થાન અને સમાજસુધારો કેદારનાથનો જીવનધર્મ બન્યાં. ચારિત્ર્ય સિવાય રાષ્ટ્રકાર્ય થઈ શકે નહિ તેથી શરીર અને મન ર્દઢ તથા પવિત્ર રાખવા વ્યાયામ અને ખેતીનું કાર્ય પોતાના વતન પાલીમાં કરીને આત્મવિશ્વાસ વધાર્યો.
આમ છતાં, કેદારનાથની દેશ અને સમાજ પ્રત્યેની લગને પોતાના સુખ અંગેની રુચિને નિર્મૂળ કરી અને બચી માત્ર સેવાવૃત્તિ. દાસબોધ, જ્ઞાનેશ્વરીના વાચનનો ક્રમ, તુકારામના અભંગો વગેરેની ચિત્ત પર ઊંડી અસર થયેલી. પિતાશ્રીના મુખે સાંભળેલાં પદ્યો અને શ્લોકોની પણ, ઈશ્વરભાવના ર્દઢ કરવામાં અસર હતી જ. અંગ્રેજી બીજા ધોરણમાં ઇતિહાસમાં વાંચેલું ગૌતમ બુદ્ધના ગૃહત્યાગનું વર્ણન, શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, રામદાસ વગેરેનાં જીવનચરિત્રોનો પરિચય વગેરેની મન પર અસર થઈ અને પોતાના સંકલ્પની સિદ્ધિ અર્થે 1904માં ગૃહત્યાગ કર્યો. પિતૃસેવાની ભાવના, પિતાના મન:દુ:ખની કલ્પના, સતારા જિલ્લાના સજ્જને છોડાવેલો સાધુવેશ અને પાલીમાં મિત્રની માંદગીના સમાચાર વગેરે કારણોથી પિતાશ્રી પાસે પાછા આવીને ખેતીનું કામ કરવા લાગ્યા.
1905માં થયેલું બંગભંગનું આંદોલન, દેશનું પ્રક્ષુબ્ધ રાજકીય વાતાવરણ અને કેદારનાથનું નામ ‘ખેપાનીઓની ચોપડી’(બ્લૅક લિસ્ટ)માં તેથી થોડો સમય અજ્ઞાતવાસમાં મોટાભાઈને ત્યાં શિરવાળમાં રહ્યા. સરકારની ઉગ્ર દમનનીતિને કારણે ભયથી બધે દેશકાર્યમાં શિથિલતા આવી હતી. કંઈ સૂઝતું નહોતું. સમાધાનવૃત્તિ તો હતી જ નહિ ! એકમાત્ર આધાર પરમેશ્વરની કૃપાનો જણાતાં, એકાંતમાં સાધના શરૂ કરી. 1910 સુધી ખાનદેશ અને સતારા જિલ્લામાં અને ક્યારેક ભાજેની ગુફામાં રહ્યા. છેવટે 1911માં હૃષીકેશમાં જઈ એકાંતમાં આસન, પ્રાણાયામ વગેરે સાધનોમાં આગળ વધાયું, પણ મુખ્ય હેતુ જ્ઞાનપ્રાપ્તિનો સિદ્ધ થયો નહિ અને નિરાશા પણ થઈ. સંસાર છોડીને સંન્યાસી બનેલાઓમાં દંભ, ભ્રમ વગેરેના અનુભવો થયા. આખરે સત્યનો નિર્ણય કરવાની ધગશ જાગી. તેથી 1912માં રાષ્ટ્રીય કાર્યને પ્રધાન માની ફરી મહારાષ્ટ્રમાં આવ્યા. 1913માં પિતાની આજ્ઞા લઈ ફરી હરદ્વાર ગયા. અખાડા, પંથના સાધુઓ કોઈમાં શક્તિ દેખાઈ નહિ. અનુભવે દેખાયું કે વિવેકર્દષ્ટિ સૌથી શ્રેષ્ઠ છે.
કેદારનાથ અંતે ધર્મનિશ્ચય કરે છે કે સાધના દ્વારા પ્રાપ્ત થયેલા સદગુણોનો ઉપયોગ પ્રામાણિકતાથી કરવામાં જીવનની કૃતાર્થતા છે. કોઈના પણ કાર્યને અવિરોધી એવા માનવધર્મનું લક્ષ્ય નક્કી થયું અને પરિશ્રમી જીવન માનવધર્મનો એક મહત્વનો ભાગ હોવાનું નિશ્ચિત થયું.
હૃષીકેશની ધર્મશાળામાં કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદ સાથેની ગાઢ મૈત્રીવાળો સંબંધ બંધાયેલો તે જીવનભર વધતો જ રહ્યો. 1915ના હરિદ્વારના કુંભમેળામાં કોઈ સંત-મહાત્મા મળી જાય એવી ઇચ્છાથી ગયેલા, પણ અનુભવ ઊલટો જ થયો. દરમિયાન દેશસેવા વિશે નવી રીતિ અને માર્ગ દેખાડતો ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનો લેખ વાંચ્યો અને બાજુના જ તંબૂમાં રહેતા ગાંધીજીનો પરિચય થયો. ત્યાંથી થોડા દિવસ કાંગડી ગુરુકુળ રહી મહારાષ્ટ્રમાં પાછા ફર્યા. 1916માં ગાંધીજીએ સ્થાપેલ ‘સત્યાગ્રહ આશ્રમ’થી આકર્ષાઈ અમદાવાદ આવ્યા અને કાકાસાહેબની ભલામણથી ત્યાં રહેવાની પરવાનગી મેળવી. સ્નાયુબળ, અહિંસા વગેરે અંગેના ગાંધીજીના વિચારો સાથે સંપૂર્ણ સહમતી નહોતી છતાં સર્વસ્વનો ત્યાગ કરીને દેશને સ્વતંત્ર કરવાનું કાર્ય ગાંધીજીએ હાથમાં લીધેલું હોવાથી તેમના પ્રત્યે માન વધ્યું અને પોતાના દેશ માટે નવી આશાનું કિરણ દેખાયું. ધૂળિયામાં પોતાની પાસે શસ્ત્રો હતાં તે ગુપ્ત સ્થળે દાટી દીધાં અને ગાંધીજીના માર્ગે લોકોમાં આવતી નિર્ભયતા જોઈ.
આશ્રમનિવાસ દરમિયાન જિજ્ઞાસુમંડળમાં કિશોરલાલ મશરૂવાળા સાથે સંપર્ક થયો. ઈશ્વરપ્રાપ્તિ અર્થે ઘર છોડી જવાનું કિશોરલાલભાઈ વિચારે છે એવી ખબર પડતાં પ્રશ્નોત્તરી દ્વારા સમજાવ્યું કે ચિત્તની સ્વાધીનતા વડે જ ઈશ્વરનિષ્ઠા આપણા હૃદયમાં ર્દઢ કરવી જોઈએ. આશ્રમથી દોઢેક કિમી. દૂર ઝૂંપડી બાંધી તેમને રહેવાની છૂટ આપી. ત્યાં કિશોરલાલભાઈનો અભ્યાસ ચાલુ હતો પણ મનમાં શાંતિ નહોતી. મનમાં સાધન-સાધ્ય વગેરે વિશે ગૂંચવાડો હતો. સાધનામાં માર્ગદર્શક નીવડ્યા એટલે મિત્ર છતાં કેદારનાથ પ્રત્યે કિશોરલાલભાઈને ગુરુભાવ થયેલો. સાક્ષાત્કાર, જ્ઞાનની પૂર્ણતા વિશે લોકોમાં ફેલાયેલી ભ્રામક માન્યતાઓ કેદારનાથે નિર્મૂળ કરી જણાવ્યું કે પુરુષાર્થથી કિશોરલાલભાઈએ ‘વિવેકર્દષ્ટિ’ એટલે સત્યની શોધને અનુસરીને વિચાર કરવાની કળા મેળવી હતી. આવી વિવેકર્દષ્ટિ જ્યારે માણસને આધ્યાત્મિક અને નૈતિક પ્રશ્નો તીવ્ર રીતે પજવે છે ત્યારે ઉપયોગી નીવડે છે.
ચિત્તની સ્થિરતાવાળી ભૂમિકા અને ર્દષ્ટિ જીવનના વિકટ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે અને સાધકનું જીવન સરળ તથા શાંત બને છે એમ નાથજીએ કિશોરલાલભાઈને સમજાવ્યું.
ગાંધીજી સાથેના પ્રત્યક્ષ સંબંધથી કેદારનાથને દેખાયું કે જીવનમાં આધ્યાત્મિક હેતુ, ચારિત્ર્યશીલતા વગેરે માટે ગાંધીજીનો જાગ્રત વ્યવહાર મહાન પ્રસંગોથી ભરપૂર હતો અને તેનો અંતિમ હેતુ માનવીની પૂર્ણતા તથા મોક્ષપ્રાપ્તિનો જ હતો.
કેદારનાથના સાદા, પરિશ્રમી અને સેવાપરાયણ જીવને પાછળથી મુંબઈને વતન બનાવ્યું હતું. વિશિષ્ટ અર્થમાં સાધક તરીકેની તેમની વિચારણા ‘વિવેક અને સાધના’ (1951), ‘વિચારદર્શન ભાગ 1 અને 2’ (1955, 1959), ‘સુસંવાદ’ (1955) અને ‘કેદારનાથ’(1980)માં વિગતે પ્રાપ્ત છે.
1969માં ‘શ્રી કિશોરલાલ મશરૂવાળા – એક અધ્યયન’ એ વિષય પર કેતકીબહેન બલસારીએ લખેલા મહાનિબંધના બહારના પરીક્ષક તરીકે પોતાને નીમેલા એ ઘટનાને કેદારનાથે મનોરંજક ગણાવેલી.
રમણિકભાઈ જાની