કેટર્લી, વુલ્ફગૅન્ગ (જ. 21 ઑક્ટોબર 1957, હાઇડલબર્ગ, જર્મની) : વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિકવિજ્ઞાની. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(condensate)નું સૌપ્રથમ નિર્દેશન કરવા બદલ કૉર્નેલ અને વીમાનની ભાગીદારીમાં આ પુરસ્કાર તેમને મળ્યો છે. હાલમાં તેમણે નિરપેક્ષશૂન્ય તાપમાનની નજીક પરમાણુઓને કેવી રીતે પાશમાં લઈને ઠંડા પાડવા, તે બાબતના પ્રાયોગિક સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શાળાનું શિક્ષણ એપેલ્હીમ (Eppelheim) અને હાઇડલબર્ગમાંથી લીધું. 1976માં હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. ત્યાર બાદ મ્યૂનિકની ટૅકનિકલ યુનિવર્સિટીમાં બે વર્ષ ગાળ્યાં, જ્યાંથી તેમણે 1982માં ડિપ્લોમા મેળવ્યો. 1986માં પ્રાયોગિક આણ્વિક વર્ણપટવિજ્ઞાન(molecular spectroscopy)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1990માં તેઓ MIT રિસર્ચ લૅબોરેટરી ઇલેક્ટ્રૉનિક્સ (RLE) ખાતે ડેવિડ ઇ. પ્રિટ્ચાર્ડના જૂથ સાથે જોડાયા. 1993માં તેમને ભૌતિકવિજ્ઞાનની વિદ્યાશાખામાં નિમણૂક મળી. 1998થી તેઓ ભૌતિકવિજ્ઞાનના જ્હૉન ડી. મેકઆર્થર પ્રાધ્યાપક-પદે છે. 2006માં તેઓ RLEના સંલગ્ન નિયામક બન્યા અને MITના કેન્દ્રમાં તેમણે અલ્ટ્રાકોલ્ડ પરમાણુ-વિભાગના નિયામક તરીકે કાર્ય શરૂ કર્યું.
1995માં તેમણે તેમના સહકાર્યકરો સાથે મંદવાયુઓમાં બોઝ–આઇન્સ્ટાઇન સંઘનન સિદ્ધ કરી બતાવ્યું. 1997માં તેમના જૂથે બે સંઘનિત દ્રાવો (condensates) વચ્ચે વ્યક્તીકરણની ઘટના નિર્દેશિત કરી બતાવી. આ સાથે તેમણે ‘atom laser’ વાસ્તવિક કરી બતાવ્યું. પારમાણ્વિક લેસર પ્રકાશીય (optical) લેસરને અનુરૂપ (analogous) છે. 2003માં તેમણે આણ્વિક (molecular) બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ સિદ્ધ કરી બતાવ્યું છે. વળી 2005માં ફર્મિયૉનિક સંઘનિત દ્રાવમાં ઉચ્ચ તાપમાને અતિતરલતા-(superfluidity)નો પ્રાયોગિક પુરાવો આપ્યો.
પ્રહ્રાદ છ. પટેલ