કૅસલ, ગુસ્તાવ (જ. 20 ઑક્ટોબર 1866, સ્ટૉકહોમ; અ. 15 જાન્યુઆરી 1945, સ્ટૉકહોમ) : સ્વીડિશ અર્થશાસ્ત્રી. 1895માં તેમણે અપ્સાલા યુનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ગણિતનું અધ્યાપન કરાવતાં તેમને અર્થશાસ્ત્રમાં અભિરુચિ જાગી. તે સમયે સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયના અધ્યયન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગુસ્તાવ જર્મની ગયા.
અર્થશાસ્ત્રમાં તેમનું પ્રથમ પ્રકાશન ‘એસેઝ ઑન ઇંગ્લિશ ક્લાસિકલ ઇકૉનૉમિસ્ટ્સ’ અંગ્રેજ શિષ્ટ અર્થશાસ્ત્રીઓના નિબંધોને લગતું હતું, જેમાં તેમણે રિકાર્ડોના અર્થશાસ્ત્ર ઉપર વિશેષ ધ્યાન આપ્યું. 1899માં તેમણે પ્રોગ્રામૅટિક થિયોરેટિકલ આર્ટિકલ લખ્યો, જે તે પછીના તેમના મૂલ્ય અંગેના સિદ્ધાંતનાં બધાં જ પ્રદાનો માટે આધારરૂપ બની રહ્યો. થોડા સમયમાં જ તેમણે સામાજિક અને આર્થિક પ્રશ્ન ઉપર ઘણા મહત્વના લેખો પ્રકાશિત કર્યા. આ લેખોને આધારે 1918માં એક સર્વવ્યાપી સિદ્ધાંત રચાયો, જે ‘સામાજિક અર્થશાસ્ત્રના સિદ્ધાંત’ તરીકે પ્રચલિત બન્યો. આ સિદ્ધાંતનો અંગ્રેજી, ફ્રેંચ, જપાની, સ્પૅનિશ, સ્વીડિશ વગેરે ભાષાઓમાં અનુવાદ થયેલો છે.
1904માં ગુસ્તાવ સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી નાણાકીય સ્થિરતા માટેની તેમની કામગીરીથી તેમણે આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરી. વળી જર્મનીના યુદ્ધવળતરની ચુકવણી અને સુવર્ણધોરણની પુન:સ્થાપના અંગેની ચર્ચામાં ભાગ લેવાથી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો. આ સમય દરમિયાન તેમણે વિદેશી ચલણ અને નાણાકીય નીતિ અંગે અનેક પુસ્તકો લખ્યાં.
પ્રથમ વિશ્વયુદ્ધે સર્જેલી આર્થિક કટોકટીને લીધે સુવર્ણધોરણનું પતન થતાં અને નિયંત્રિત ચલણપદ્ધતિ(ચલણી નોટો)નો અમલ થતાં વિનિમય દરના પ્રશ્ર્ને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. આ પરિસ્થિતિમાં વિનિમય દર નક્કી થવા અંગે ‘મની ઍન્ડ ફૉરિન એક્સ્ચેન્જિસ આફ્ટર 1914’ નામના પુસ્તકમાં ‘ખરીદશક્તિ-સમતા’(PPP)ના સિદ્ધાંતની તેમણે વધુ વૈજ્ઞાનિક રજૂઆત કરી. આ સિદ્ધાંત મુજબ ચલણોની આંતરિક ખરીદશક્તિને આધારે હૂંડિયામણના દરો નક્કી થાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કેઇન્સના મત મુજબ ‘ખરીદશક્તિ-સમતા’ શબ્દ સૌપ્રથમ રજૂ કરવાનું માન અર્થશાસ્ત્રી ગુસ્તાવ કૅસલને ફાળે જાય છે. 1918માં ‘ઇકૉનૉમિક જર્નલ’માં પ્રકાશિત થયેલા તેમના એક લેખ દ્વારા આ શબ્દ પ્રચલિત બન્યો હતો.
તેમના મુખ્ય ગ્રંથો છે : ‘નેચર ઍન્ડ નેસેસિટી ઑવ્ ઇન્ટરેસ્ટ’ (1902), ‘થિયરી ઑવ્ સોશિયલ ઇકૉનૉમી’ (1918), અને ‘મની ઍન્ડ ફૉરિન એક્સ્ચેન્જિસ આફ્ટર 1914’ (1922).
અરૂક્ષા મ. શાહ