કૅશ-ક્રેડિટ : વ્યક્તિગત વેપારી, ભાગીદારી પેઢી, ખાનગી અને જાહેર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે બૅંકો તરફથી મળતી નાણાકીય સહાય. આ પદ્ધતિમાં બૅંક, નાણાં ઉછીનાં લેનારની શાખ-મર્યાદા નક્કી કરે છે અને ઉછીના લેનાર વ્યક્તિ ચાલુ ખાતાની જેમ જ પુરાંત ઉપરાંત એ મર્યાદામાં રહીને ઉપાડ કરી શકે છે. ચોક્કસ મુદતની લોનના વ્યાજની બાબતમાં થાય છે તેમ આ સવલતમાં વ્યાજનો ખોટો માર પડતો નથી કારણ કે વ્યક્તિ તેની જરૂરિયાત મુજબ ખાતામાંથી ઉપાડ કરી શકે છે.
આ સવલત સામાન્ય રીતે સાનગીરો(hypothecation)થી તથા માલ ગીરો (pledge) મૂકીને મેળવાય છે. આ પદ્ધતિમાં, માગણી થયે નાણાં પરત કરવાની શરત હોય છે. પરંતુ ઉછીના લેનાર વ્યક્તિનું વેચાણ સારું હોય તથા તેના ખાતાનો વ્યવહાર નિયમિત અને વ્યવસ્થિત રહેતો હોય તો બૅંક તરફથી આ સગવડો વર્ષો સુધી ચાલુ રહે છે. બૅંક આ માટે અમુક સમયના અંતરે ફક્ત ચકાસણી કરી તેના પર ચાંપતી નજર રાખે છે.
ઇન્દુભાઈ દોશી