કૅવિયેટ : કૅવિયેટ અરજી કરનારને સાંભળ્યા સિવાય અદાલત અગર અમલદાર તેની વિરુદ્ધ જે તે બાબત અંગે એકતરફી હુકમ કરે નહિ એવી વિનંતી. લૅટિન ભાષાનો આ શબ્દ છે. આવી અરજી કરનારને કૅવિયેટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એવી દહેશત હોય કે સામો પક્ષકાર તેની સામે કોઈ વચગાળાનો હુકમ મેળવે તેવી શક્યતા છે ત્યારે આવા હુકમથી તેને નુકસાન ન થાય તે માટે વ્યક્તિ અદાલત અગર અમલદાર સમક્ષ કૅવિયેટ અરજી દાખલ કરી શકે છે. કૅવિયેટનો હેતુ નાગરિકોને થતો સંભવિત અન્યાય અટકાવવાનો તથા ન્યાયિક કાર્યવાહીની જટિલતા ઓછી કરવાનો છે.

ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925 અન્વયે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈની વડી અદાલતોની તથા તે શહેરોની તથા અમદાવાદની સિટી સિવિલ કોર્ટની કાર્યવાહીના નિયમોમાં કૅવિયેટ અરજી અંગેની જોગવાઈ હતી, પરંતુ આ જોગવાઈનો લાભ અન્ય પ્રકારની ન્યાયિક કાર્યવાહીઓમાં મળતો ન હોવાથી તથા બધી અદાલતોને તે અંગે સત્તા ન હોવાથી આ વિસંગતિ દૂર કરવા 1976ના સુધારાથી કોડ ઑવ્ સિવિલ પ્રોસિજર 1908માં કલમ 148-એ દાખલ કરવામાં આવી છે.

અદાલતમાં દાખલ થયેલી અગર દાખલ થવાની શક્યતા હોય તેવી ન્યાયિક કાર્યવાહીમાં હિત ધરાવતી વ્યક્તિ અથવા તેની વતી રજૂઆત કરવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ, અરજી કરનાર વ્યક્તિને અગાઉથી રજિસ્ટર્ડ ટપાલથી ખબર આપીને કૅવિયેટ અરજી દાખલ કરી શકે છે. આવી કૅવિયેટ દાખલ થયા બાદ કોઈ વ્યક્તિ વચગાળાનો એકતરફી હુકમ મેળવવા કાર્યવાહી કરે તો તેવી કાર્યવાહીમાં હુકમ થતા પહેલાં, કૅવિયેટ કરનારને એવી અરજીની જાણ કરવા તથા અરજીની નકલ પહોંચાડવાની આવશ્યકતા છે. આમ કરવાનો હેતુ કૅવિયેટ કરનારને અરજદારના કેસનો પ્રતિકાર કરવાની પૂરતી તક આપવાનો છે. પરંતુ કૅવિયેટ અરજી દાખલ કરવા માત્રથી વચગાળાનો એકતરફી હુકમ કરવાની અદાલતની સત્તા છીનવાઈ જતી નથી. કુદરતી ન્યાયના નિયમોનું પાલન કરવા અદાલતે કૅવિયેટ કરનારને સાંભળવા હિતાવહ છે. આવી કૅવિયેટ અરજી દાખલ કર્યાની તારીખથી 90 દિવસ સુધી અમલમાં રહે છે. છતાં ન્યાયિક કાર્યવાહી ન થઈ હોય તો તે મુદત પૂરી થયા પછી પણ કૅવિયેટ અરજી ફરીથી કરવાનો હક અબાધિત રહે છે.

ઉમાકાન્ત પંડિત