કૅલેઘન, લૅનર્ડ જેમ્સ (જ. 27 માર્ચ 1912, પૉટર્સમથ, હૅમ્પશાયર; અ. 26 માર્ચ 2005, રીંગમર, ઇસ્ટ સસેક્સ, ઇગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, લેબર પાર્ટીના વડા (1976થી ’80) તથા દેશના વડા પ્રધાન (1976થી 1979). ગરીબ કુટુંબમાં જન્મ. નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં યુનિવર્સિટી-શિક્ષણથી વંચિત રહ્યા. 1929માં મુલકી વહીવટી તંત્રમાં કારકુન તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ.
1931માં લેબર પાર્ટીના સભ્ય બન્યા. 1936માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી લેબર પાર્ટીના પૂર્ણ સમયના કાર્યકર થયા, જ્યાં ઝડપભેર બઢતી મેળવતા રહ્યા. આર્થિક પ્રતિકૂળતા હોવા છતાં મજૂર પ્રવૃત્તિઓમાં અને પક્ષમાં તેમણે ઝડપથી નામના મેળવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે દેશના નૌકાદળના જાસૂસી ખાતામાં સેવા આપી (1939થી 1947). તે દરમિયાન 1945માં આમસભામાં ચૂંટાયા. 1947થી 1951 દરમિયાન મંત્રીમંડળમાં વાહન-વ્યવહાર ખાતામાં તથા નૌકાદળ વિભાગમાં ગૌણ કક્ષાના મંત્રીપદે રહ્યા. 1963માં લેબર પાર્ટીના તે વખતના નેતા હ્યૂ ગેટસ્કેલ(1906થી 1963)નું અવસાન થતાં કૅલેઘને પક્ષના નેતાપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહિ. 1964માં હૅરલ્ડ વિલ્સનના લેબર પાર્ટીના મંત્રીમંડળમાં નાણામંત્રી (Chancellor of Exchequer) નિમાયા. તેમણે ઇંગ્લૅન્ડમાં પહેલી વાર કંપનીવેરો (corporate tax), મૂડીલાભવેરો (capital gain tax) તથા પસંદગીયુક્ત રોજગાર વેરો (preference employment tax) દાખલ કરેલ. 1967માં તેમની ઇચ્છા વિરુદ્ધ પાઉન્ડ સ્ટર્લિંગનું અવમૂલ્યન જાહેર થતાં તેમણે નાણાપ્રધાન તરીકે મંત્રીપદેથી રાજીનામું આપ્યું. પરંતુ વડા પ્રધાનની વિનંતીને માન આપી ગૃહપ્રધાન તરીકે રહેવાનું સ્વીકાર્યું. (1967-1970). 1970માં થયેલ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનો પરાજય થયો. તે પછી 1970થી 1974 દરમિયાન તે આભાસી મંત્રીમંડળ(shadow cabinet)ના સભ્ય રહ્યા. 1974માં હૅરલ્ડ વિલ્સનના બીજા મંત્રીમંડળમાં વિદેશ તથા રાષ્ટ્રમંડળ ખાતાના મંત્રી નિમાયા. 1976માં વિલ્સને વડા પ્રધાનપદેથી રાજીનામું આપતાં લેબર પાર્ટીની સંસદીય પાંખના તે નેતા ચૂંટાયા અને વડા પ્રધાન બન્યા (1976થી 1979). 1979માં બ્રિટનમાં કામદારોની હડતાળોનો વંટોળ આવ્યો. આમસભામાં કૅલેઘન વિશ્વાસનો મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જતાં તેમણે સામાન્ય ચૂંટણીનું એલાન આપ્યું, જેમાં તેમના પક્ષનો પરાજય થયો. 1980માં તેમણે પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું તથા 1985માં સંસદમાંથી નિવૃત્તિ લીધી.
લેબર પાર્ટીમાં હોવા છતાં તેમની મવાળ મુત્સદ્દી તરીકે ખ્યાતિ હતી. યુરોપિયન ઇકૉનૉમિક કૉમ્યૂનિટી(EEC)માં બ્રિટન જોડાય તેનો તેમણે સખત વિરોધ કર્યો હતો. એશિયાવાસીઓને ઇંગ્લૅન્ડમાં પ્રવેશ આપવાની બાબતમાં તેમણે અનુદાર નીતિની હિમાયત કરી હતી. 1968ના જાતિવિષયક કાયદા(Race Relations Act, 1968)નો અમલ વિસ્તૃત કરી જાતીય ભેદભાવના વધુ કિસ્સા શિક્ષાપાત્ર બનાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ઉત્તર આયર્લૅન્ડ અંગેનો તેમનો અહેવાલ 1973માં ‘અ હાઉસ ડિવાઇડેડ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમની આત્મકથા ‘ટાઇમ ઍન્ડ ચેન્જ’ 1987માં પ્રકાશિત થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે