કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ (CARICOM) : કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોએ રચેલું આર્થિક વિકાસ માટેનું સહિયારું બજાર. કૅરિબિયન રાષ્ટ્રાધ્યક્ષોની એપ્રિલ 1973માં જ્યૉર્જટાઉન (ગિયાના) ખાતે યોજેલી પરિષદમાં તેની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોના બનેલા આ સંગઠનનું મુખ્ય કાર્યાલય જ્યૉર્જટાઉન ગયાના ખાતે છે. મૂળ સભ્યો 12, હવે 14 સભ્યો છે. બઇમાસ કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે, પણ સહિયારા બજારનું નહિ. ધ બ્રિટિશ વર્જિન આયર્લૅન્ડ્સ અને ટકર્સ ઍન્ડ કાયકેસ આયર્લૅન્ડ્સ તેના ઍસોસિયેટ સભ્ય છે.
સંગઠનના મુખ્ય હેતુઓ : (1) સ્વ-ઉપાર્જિત સાધનો વડે આર્થિક વિકાસ સાધવા માટે સભ્ય દેશો વચ્ચે વધુ ગાઢ, સુસંકલિત તથા વૈવિધ્યપૂર્ણ આર્થિક સંબંધો પ્રસ્થાપિત કરવા અને તે માટે આયાત-જકાતના સમાન અને સર્વસંમત દર નિર્ધારિત કરવા તથા પારસ્પરિક વ્યાપાર વચ્ચેના આંતરિક, પ્રાદેશિક અવરોધો દૂર કરવા. (2) સહિયારા બજારના વિસ્તારમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા નિયોજકો માટે પ્રાદેશિક હિતોના સંદર્ભમાં સર્વસંમત ક્ષેત્રીય નાણાનીતિ ઘડવી. (3) દરિયાપારનાં શક્તિશાળી કૉર્પોરેશનો અંગે સામૂહિક નીતિ ઘડવી તથા વિદેશી વ્યાપારમાં જૂથની સામૂહિક સોદાશક્તિનો ઉપયોગ કરવો.
સંગઠનની સર્વસંમત વ્યાપારનીતિના ભાગ તરીકે અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ અંગે સભ્ય દેશોએ આયાત-જકાતના સમાન દરનું માળખું સ્વીકાર્યું છે તથા શિક્ષણ અને સ્વાસ્થ્ય, કૃષિ તથા વાહનવ્યવહાર જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહકારની નીતિ અખત્યાર કરવામાં આવે છે.
1996માં મુક્ત બજાર સ્થાપવા માટે સંગઠનના સભ્યો વચ્ચે અને સેન્ટ્રલ અમેરિકન કૉમન માર્કેટ વચ્ચે ચર્ચા થઈ હતી. પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહિ.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે