કૅરલ : પાશ્ચાત્ય દેશોમાં રૂઢ નૃત્યગીત. અંગ્રેજી કૅરલ શબ્દ ઇટાલિયન શબ્દ કૅરોલા ઉપરથી પ્રચલિત થયો છે. કૅરલ એટલે વર્તુળાકાર નૃત્ય. પણ સમય જતાં ગીત અને સંગીતનું તત્વ તેમાં ભળતાં નૃત્યગીત તરીકે સંજ્ઞા રૂઢ થઈ. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રસાર થતાં ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક ગીતો અને ધાર્મિક સંગીત સાથે જોડાયેલ ધાર્મિક સાહિત્યની સુર્દઢ પરંપરા રચાઈ. નાતાલના પર્વટાણે ઈશુ ખ્રિસ્તના જન્મોત્સવ પ્રસંગે આનંદોલ્લાસભર્યાં ધાર્મિક ગીતોનું ગાન થાય છે. કેક્સ્ટનના શિષ્ય વિંગકિન દ વૉર્ડે 1521માં સૌપ્રથમ ‘ક્રિસ્ટમસ કૅરલ્સ’નો સંચય પ્રકાશિત કર્યો. કૅરલ્સ મુખ્યત્વે સરળ સ્વરાંકનો અને સરળ પદાવલીઓ પર રચાયેલાં હોય છે. શબ્દ અને સ્વર બંને ઉપર લોકસંગીત અને લોકગીતની પ્રબળ અસર સ્વાભાવિક જ જોવા મળે. યુરોપના ગ્રામપ્રદેશોમાં ઊજવાતાં ધાર્મિક પર્વો ઉપરાંત સામાજિક ઉત્સવોમાં પણ લોકનૃત્ય સાથે ગીતોનું ગાન થતું હોય છે – આ ગીતો આનંદગીતો તરીકે પ્રચલિત છે.
નલિન રાવળ