કૅમેરા : પ્રકાશગ્રાહી માધ્યમ પર વ્યક્તિ, પદાર્થ કે ર્દશ્યની છબી ઉપસાવવાનું સાધન. કૅમેરાનું મૂળ નામ ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’ અથવા ‘અંધારાવાળું ખોખું’ (dark box) છે. માનવસંસ્કૃતિ વિકાસ પામી ત્યારથી માનવીને ખબર હતી કે નાના છિદ્રમાંથી પ્રકાશ પસાર થઈ અંધારા ઓરડામાં દાખલ થાય ત્યારે છિદ્રની બહારનું ચિત્ર ઊંધું પડે છે. પરંતુ કાચની અથવા લેન્સની મદદ વગર અંદર પડેલું ચિત્ર યોગ્ય રીતે પ્રકાશિત થતું નથી અને તેમાં ઝીણવટભરી વિગતો પણ જોવા મળતી નથી. શરૂઆતમાં અંધારાવાળા ખોખાનો અથવા ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’નો ઉપયોગ ગ્રહણ જોવા માટે થતો હતો. 1544માં સૂર્યગ્રહણ જોવા માટે અંધારો ઓરડો બનાવવામાં આવ્યો હતો. ગેમા ફ્રિસ્યસ નામની વ્યક્તિએ ચીવટથી તેની રેખાકૃતિ બનાવી. ગિઓવાની બાટીસ્ટા ડેલા પોર્ટાએ તેનું ઝીણવટભર્યું વર્ણન 1558માં કર્યું હતું, જેથી ઘણા લોકો તેને ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’ના શોધક તરીકે યશ આપે છે.
સત્તરમી સદીના મધ્યમાં કૅમેરામાં દ્વિ-બહિર્ગોળ (bi-convex) લેન્સ, પ્રતિબિંબ પાડવાનો અરીસો, જોવા માટે ઑઇલ પેપરનો પડદો વગેરે મૂકવામાં આવ્યા અને હેરફેર કરી શકાય તેવો કૅમેરા બનાવ્યો.
અઢી હજાર વર્ષ પહેલાં ‘મો ઝુ’ નામના ચીનના વિજ્ઞાનીએ અને ઈ.પૂ.ની ચોથી સદીમાં (388-322) ગ્રીક ફિલસૂફ ઍરિસ્ટોટલે પણ તેની કલ્પના કરી હતી. ‘મોનાલિસા’ના પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચી(1452-1519)એ ઘણી જ ઝીણવટથી ‘કૅમેરા ઑબ્સ્ક્યૉરા’નું વર્ણન કરેલું છે. કૅમેરાની કલ્પના અને શોધ પાછળ આમ અનેક વ્યક્તિઓએ કામ કર્યું છે. પરંતુ ફિલ્મ પરની છાપ કાયમી રહે તે માટેના પ્રયત્નો પાછળ ઘણો સમય ગયો. ફિલ્મની શોધ ઠીક-ઠીક મોડી એટલે કે છેક 1826માં થઈ અને તેનો વ્યવસ્થિત ઉપયોગ 1939માં શરૂ થયો. 1888માં અમેરિકાના જ્યૉર્જ ઈસ્ટમૅને ‘કોડાક લિમિટેડ’ નામની કંપની સ્થાપી અને તરત જ રોલ ફિલ્મનો ઉપયોગ કરી બજારમાં બૉક્સ કૅમેરા સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરી. સારી ફિલ્મ બનતી ગઈ તેમ તેમ અનેક તસવીરકારોએ મોટા કદની પ્લેટ, ફિલ્મ અને ધમણવાળા કૅમેરાની મદદથી પૉર્ટ્રેટ સ્ટુડિયો શરૂ કર્યા. વીસમી સદીના મધ્ય પછી કૅમેરાની બાબતમાં ઝડપી પ્રગતિ થઈ અને અનેક જાતના કૅમેરા બનવા માંડ્યા. ફિલ્મની સંવેદિતા (sensitivity) વિકાસ પામતી ગઈ તેમ તેમ રંગીન ફિલ્મનો વિકાસ થતો ગયો; વળી સારા લેન્સ બનવા માંડ્યા તેમ તેમ કૅમેરાનાં નવાં અને અત્યંત આધુનિક તથા અત્યંત સરળ મૉડલ પણ ઉપલબ્ધ થતાં ગયાં. બીજા વિશ્વયુદ્ધ પછી અને વિશેષત: 1960થી જાપાને કૅમેરા ઉદ્યોગમાં હરણફાળ ભરી છે. જાપાનના કૅમેરાની ગુણવત્તા અત્યંત ઉચ્ચ કક્ષાની હતી અને મૂલ્ય જર્મન કે અમેરિકન કૅમેરાના મૂલ્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. વીસમી સદીના અંતે દુનિયાનું કૅમેરાનું લગભગ 90 % જેટલું બજાર જાપાન પાસે છે. 1960 પછી કૅમેરા વિશે જે નવી શોધો થઈ તે લગભગ બધી જાપાનમાં થયેલી છે. 35 મિમી.માં સિંગલ રિફ્લેક્સ અને ઇન્ટરચેન્જેબલ લેન્સવાળો કૅમેરા (એટલે કે કૅમેરામાં ફિલ્મ ભરેલી હોવા છતાં ફિલ્મને અસર ન થાય તે રીતે ઘડીકમાં ટેલિલેન્સ તો ઘડીકમાં વાઇડ ઍંગલ લેન્સ લગાવી શકાય તે પ્રમાણેની ગોઠવણવાળો કૅમેરા) તથા ‘થ્રૂ ધ લેન્સ મીટરિંગ’ વગેરેની રચનાવાળો કૅમેરા જાપાનની ‘આશાહી પેન્ટીક્સ’ કંપનીએ બનાવ્યો છે. ‘ઑટો-ફોકસ’ રચનાવાળો કૅમેરા, જેને યુરોપ-અમેરિકાના ઉત્પાદકો લગભગ અશક્ય ગણતા હતા, તે પણ ‘કોનિકા’ જાપાને 1978ના અરસામાં શક્ય કરી બતાવ્યો છે.
બીજા વિશ્વયુદ્ધથી સામાન્ય રીતે નીચે મુજબના કૅમેરા પ્રચલિત છે. 35 મિમી.નો ‘રૅન્જ ફાઇન્ડર કૅમેરા’, 35 મિમી.નો ‘સિંગલ લેન્સ રિફ્લેક્સ કૅમેરા’, 35 મિમી.નો ‘ઑટો-ફોકસ કૅમેરા’, 120નો (રોલ ફિલ્મવાળો) ‘સિંગલ લેન્સ રિફ્લેક્સ કૅમેરા’, રોલ ફિલ્મનો ઉપયોગ કરતો ‘ટ્વિન લેન્સ રિફ્લેક્સ કૅમેરા’, ધમણવાળો 129.032 ચોસેમી. ફિલ્મનો ઉપયોગ કરતો ‘પ્રેસ કૅમેરા’ (1975થી તે લગભગ વપરાતો બંધ થઈ ગયો છે.) ફોટો પાડતાંની સાથે દશ સેકંડની અંદર નેગેટિવ-પૉઝિટિવ સાથે કલરપ્રિન્ટ બહાર આવે તેવો ‘પોલરૉઇડ લેન્સ કૅમેરા’, કૅસેટની જેમ ફિલ્મ ભરાવીને વાપરી શકાય તેવો ‘ઇન્સ્ટેમૅટિક કાર્ટ્રિજ કૅમેરા’ (1980થી તેનો વપરાશ પણ લગભગ બંધ થઈ ગયો છે), આંગળી જેવડો સબ-મિનિયેચર ‘માઇનોક્સ’ અને તેના જેવા બીજા કૅમેરા (જે બીજા વિશ્વયુદ્ધ વખતે જાસૂસી કરવા માટે તૈયાર કરવામાં આવેલા), ચંદ્રની તસવીરો લઈ શકે, બ્રહ્માંડમાંના નેપ્ચૂન અને બીજા ગ્રહોની તસવીર લઈ શકે તેવા વિશેષ ડિઝાઇનવાળા કૅમેરા (અને ફિલ્મો) વગેરે અનેક પ્રકારના કૅમેરા પણ શોધાયા છે. સેકંડના દશ હજાર ફોટા પાડી શકે તેવા કૅમેરા તો દાયકાઓ પહેલાં શરૂ થઈ ગયા હતા.
‘લાઇફ’ મૅગેઝિનના 1990ના ઑગસ્ટ મહિનાના અંકમાં અમેરિકન ફોટોગ્રાફર નેલાર્ટ-નિલ્સને લીધેલા અદભુત ફોટા છાપેલા છે. માતાના ઉદરમાં વિકાસ પામી રહેલા માનવગર્ભની 2 કલાક, 20 કલાક, 48 કલાક, 4 દિવસ, 8 દિવસ, 4 અઠવાડિયાં, 6 અઠવાડિયાં, 11 અઠવાડિયાં વગેરે સમયગાળાની રંગીન તસવીરો લઈને તેમણે વિશ્વને અચંબામાં નાખી દીધું છે. આ તસવીરો માટે તેમણે ‘હાઈ-ટેક ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ’ની મદદ લીધી અને અત્યંત સ્પષ્ટ ફોટા પાડવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી. સો વર્ષ પહેલાં રૂ. 5.00થી ઓછી કિંમતે મળતા છિદ્રવાળા (pinhole) કૅમેરાથી શરૂઆત થયા પછી કૅમેરાના વિકાસક્રમમાં હવે દશ લાખ રૂપિયા કે તેથી પણ વધારે કિંમતના ટૅકનિકલ કૅમેરા સુલભ થયા છે.
હેમેન્દ્ર શાહ