કૅમરલિંગ-ઑનસ, હાઇક (જ. 21 સપ્ટેમ્બર 1853, ગ્રોનિંગન, નેધરલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1926, લેડન) : નિમ્ન તાપમાન અંગેના સંશોધનકાર્ય અને પ્રવાહી હીલિયમની બનાવટ માટે 1913માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા ડચ વૈજ્ઞાનિક. નિરપેક્ષ શૂન્ય (absolute zero) નજીકના તાપમાન સુધી ઠંડા કરેલા કેટલાક પદાર્થોમાં વિદ્યુતઅવરોધના લગભગ સંપૂર્ણ અભાવની એટલે કે અતિવાહકતા(superconductivity)ની તેમણે શોધ કરી. 1871થી 1873 સુધી તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં ખાસ કરીને જર્મન વૈજ્ઞાનિકો રૉબર્ટ બુન્ઝન અને ગુસ્તાવ કિર્કહૉફ સાથે અભ્યાસ કર્યો અને કાર્ય કર્યું. ગ્રોનિંગન યુનિવર્સિટી તરફથી તેમને 1879માં ડૉક્ટરેટની પદવી મળી અને ડેલ્ફ્ટમાં પૉલિટેકનિકમાં શિક્ષણકાર્ય કર્યું (1878થી 1882), 1882થી 1923 સુધી કૅમરલિંગ-ઑનસે લેડન યુનિવર્સિટીમાં પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું.
યોહાનસ વાન ડર વાલ્સના કાર્યના પ્રભાવ નીચે તેમણે દ્રવ્યની સ્થિતિઓનું નિરૂપણ કરતાં સમીકરણો શોધ્યાં અને દબાણ તથા તાપમાનના વિશાળ વિસ્તાર (range) માટે પ્રવાહી અને વાયુઓના સામાન્ય ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)ના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. 1894માં તેમણે ક્રાયોજેનિક પ્રયોગશાળા(જે તેમના નામથી ઓળખાય છે)ની સ્થાપના કરી અને એનો એવો વિકાસ કર્યો કે વિશ્વભરમાં લેડન નિમ્ન-તાપમાન સંશોધનનું કેન્દ્ર બન્યું. 1895થી 1906 સુધી તેમણે ક્રાયોજેનિક પ્રાયોગિક પ્રક્રિયાઓ(cryogenic experimental techniques)ને સંપૂર્ણ સિદ્ધ કરવા પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિમ્ન તાપમાને ધાતુઓ અને પ્રવાહીઓનો અભ્યાસ કર્યો. બે વર્ષ પહેલાં હાઇડ્રોજનના પ્રવાહીકરણ (liquefaction) માટે સુધારેલું યંત્ર તૈયાર કરી, 1908માં તેમણે હીલિયમનું પ્રવાહીકરણ કર્યું, પરંતુ હીલિયમનું ઘનીભવન કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. આ કાર્ય 1926માં તેમના વિદ્યાર્થી અને કૅમરલિંગ-ઑનસ પ્રયોગશાળાના નિયામક તરીકે તેમના અનુગામી, વિલિયમ હેન્ડ્રિક કિસોમે સિદ્ધ કર્યું.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ