કૅન્સાસ રાજ્ય : યુ.એસ.નું એક ઘટક રાજ્ય. આ રાજ્ય ભૌગોલિક ર્દષ્ટિએ ઉત્તર અમેરિકા ખંડની મધ્યમાં આવેલું છે. તેનું નામ રાજ્યમાંની કૅન્સાસ નદી પરથી પાડવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘પીપલ ઑવ્ ધ સાઉથ વિન્ડ’. તે 37oથી 40o ઉ.અ. અને 94o 38’થી 102o 1′ પ.રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે નેબ્રાસ્કા, પૂર્વે મિસૂરી, દક્ષિણે ઓક્લાહોમા અને પશ્ચિમે કૉલોરાડો રાજ્યો આવેલાં છે. તેનો કુલ વિસ્તાર 2,11,922 ચો.કિમી. છે. પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 650 કિમી. તથા ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 336 કિમી. છે. તેનાં કુલ 105 પરગણાં છે. રાજ્યનું પાટનગર ટૉપીકા છે. આ રાજ્ય જુદાં જુદાં નામથી ઓળખાય છે. દા. ત., ‘ધ વ્હીટ સ્ટેટ’; ‘ધ બ્રેડ બાસ્કેટ ઑવ્ અમેરિકા’; ‘ધ સનફલાવર સ્ટેટ’; ‘ધ જેહૉકર સ્ટેટ’ વગેરે. ઘઉંનો મબલક પાક, સૂરજમુખીનાં ફૂલની વ્યાપક પેદાશ, ગુલામીની પ્રથાના વિરોધમાં ચાલેલું ગેરિલા યુદ્ધ એવાં કારણોને લીધે તે જુદાં જુદાં ઉપનામોથી જાણીતું થયું છે.

કૅન્સાસ

તેની સ્થળાકૃતિ તપાસતાં જણાય છે કે તેનો ભૂભાગ મેદાની વિસ્તારોનો બનેલો છે. તેની આબોહવા સામાન્ય રીતે સમશીતોષ્ણ હોવા છતાં ક્યારેક ક્યારેક કડકડતી ઠંડી અને ગરમી અનુભવાય છે. એકાએક થતો સૂર્યાસ્ત, તાપમાનમાં ખૂબ ચડઊતર અને અણધાર્યો વરસાદ – આ ત્રણ આ રાજ્યની આબોહવાનાં મુખ્ય લક્ષણો ગણાય છે. પાટનગર ટૉપીકાનું તાપમાન જાન્યુઆરીમાં 2.2o સે. અને જુલાઈમાં 25.6o સે. રહે છે. પશ્ચિમ તરફ આશરે 800 મિમી. તો પૂર્વ તરફ આશરે 1000 મિમી. સરેરાશ વાર્ષિક વરસાદ પડે છે.

રાજ્યના લોકોની આજીવિકા માટેનું મુખ્ય સાધન ખેતી છે. રાજ્યની કુલ વસ્તીના ત્રીજા ભાગની પ્રજા ગ્રામવિસ્તારમાં વસે છે તથા રાજ્યની 90% જેટલી જમીન પર ખેતી થાય છે. ઘઉંના ઉત્પાદનની બાબતમાં દેશમાં આ રાજ્ય સૌથી મોખરે છે. ખેતીની પેદાશો રાજ્યમાંના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.

મુખ્ય કૃષિપેદાશોમાં ઘઉં, જુવાર, મકાઈ અને સૂકા ઘાસનો સમાવેશ થાય છે. રાજ્યના અર્થતંત્રમાં ઢોરઉછેરનો ફાળો મહત્વનો છે. માંસ પૅક કરવાનાં કારખાનાં, અનાજની મિલો, યંત્રો તથા વિમાનોના છૂટા ભાગ જોડવાનાં કારખાનાં વિકસ્યાં છે.

ખનિજ તેલ અને પ્રાકૃતિક વાયુ તથા કોલસો, સિમેન્ટ, મીઠું, કપચી, બિનલોહધાતુખનિજો આ રાજ્યનાં મુખ્ય ખનિજો છે.

પરિવહન : રાજ્યમાં રસ્તાઓની કુલ લંબાઈ 2,33,417 કિમી. જેટલી અને 11,637 કિમી.ના રેલમાર્ગો છે. વિચિતા એ અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે.

કૅન્સાસમાં આવેલા ઘઉંના વિશાળ ભંડારો – એક ર્દષ્ટિપાત

પ્રાચીન કાળમાં કૅન્સા, ઓસેજ, પૉની અને વિચાટૉ આ ચાર આદિવાસી જાતિઓ વસતી હતી. 1341માં પહેલો યુરોપિયન શોધક ફ્રાન્સિસ્કો કોરોનાડો મૅક્સિકોથી ઉત્તર તરફ પોતાની ટોળી સાથે ત્યાં સોનાની શોધમાં ગયેલો. 1682માં લા સાલે ત્યાં ફ્રાન્સનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. 1803માં અમેરિકાએ ફ્રાન્સ પાસેથી તે પોતાના હસ્તક લીધું. 1854ના કાયદા અન્વયે કૅન્સાસ પ્રાદેશિક ઘટક (Kansas territory) અસ્તિત્વમાં આવ્યો અને શ્ર્વેત વસાહતીઓ માટે વસવાટ સુલભ બન્યો. 1861માં કૅન્સાસ રાજ્યના બંધારણ હેઠળ તે સંલગ્ન રાજ્ય તરીકે અમેરિકાના સંઘમાં વિધિસર દાખલ થયું હતું. આ રાજ્યની વસ્તી 29.1 લાખ (2019) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે