કૅનોઝોઇક યુગ (Cainozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસનો અંદાજે છેલ્લાં 6.5-7 કરોડ વર્ષનો સમયગાળો. પૃથ્વીના પટ પર આજે જોવા મળતા ખંડો, સમુદ્રો અને મહાસાગરો, ભવ્ય પર્વતરચનાઓનાં વિવિધ ભૂમિર્દશ્યો, જળપરિવાહ અને નદીમાર્ગો, વિશાળ મેદાનો, આબોહવાના વિભાગો, પ્રાણીઓ અને વનસ્પતિ જેવાં જીવનસ્વરૂપો તેમજ તેમનું વિતરણ વગેરે જેવાં લક્ષણો કૅનોઝોઇક યુગના ટૂંકા ભૂસ્તરીય સમયગાળા દરમિયાન આકાર પામ્યાં છે.
ભૂસ્તરીય કાળગણનાક્રમ મુજબ કૅનોઝોઇક યુગના 7 કરોડ વર્ષના કાળગાળાને ટર્શિયરી કાળ અને ક્વાટર્નરી કાળ જેવા બે મોટા વિભાગોમાં વહેંચેલો છે. ટર્શિયરીને પાંચ અને ક્વાટર્નરીને બે કાલખંડોમાં વહેંચેલા છે, જે નીચેના કોઠા પરથી સ્પષ્ટ બને છે.
મુખ્ય લક્ષણો :
- ખંડોનું પ્રવહન અને વર્તમાન સ્થાનીકરણ
- આલ્પ્સ – હિમાલય અને સમકાલીન પર્વતસંકુલોની રચના
- પૅસિફિક પરિમિતિની આસપાસ પર્વતોનું ઉત્થાન
- હિમયુગો – હિમક્રિયાનો વિકાસ
- અર્વાચીન માનવ-‘હોમોસેપિયન્સ’-ની ઉત્ક્રાંતિ
પ્રાચીન ભૌગોલિક સંજોગો : ભૂસંચલિત તકતીઓની વિશાળ પાયા પરની ગતિશીલતા અને સમુદ્રતળ-વિસ્તરણ એ બે આ યુગનાં પ્રધાન લક્ષણો ગણી શકાય. એક એવો અંદાજ કાઢવામાં આવેલો છે કે વર્તમાન સમુદ્રોનો લગભગ 50 ટકા ભાગ છેલ્લાં 6.5 કરોડ વર્ષ દરમિયાન મધ્ય સમુદ્રતલીય ડુંગરધારો પર નવીનીકરણ પામ્યો છે. નવીનીકરણ પામેલા સમુદ્રતળનું મોટાભાગનું સ્થાનીકરણ વિસ્તરણ પામતા જતા આટલાન્ટિક અને હિન્દી મહાસાગર તળ પર થયું છે. જ્યારે આ વિસ્તૃતીકરણ થતું હતું ત્યારે ઉત્તર અને દક્ષિણ અમેરિકા બંને વધુ ને વધુ પશ્ચિમ તરફ ખસી રહ્યા હતા. કૅલિફૉર્નિયા ઉત્તર તરફ ખસતી જતી પૅસિફિક ભૂતકતીના સંપર્કમાં આવીને ગોઠવાયું, જેને પરિણામે સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગની રચના થઈ. દક્ષિણ અમેરિકા વાયવ્ય તરફ ખસતું ગયું અને ર્દઢપણે ઍન્ડિયન ખાઈ સાથે અથડાઈને તેને વાળી દીધી તેમજ ખેસવી દીધી. આ પ્રકારની સક્રિય ગતિશીલતાને કારણે બંને અમેરિકાની પશ્ચિમ પીઠિકાની ધારે ધારે પર્વતીય રચના અને જ્વાળામુખી પ્રક્રિયાનાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં; અને આ જ કારણે પનામાની સંયોગીભૂમિ (isthmus) તરીકે ઓળખાતા જ્વાળામુખીજન્ય ભૂમિપ્રદેશની રચના થઈ. ઉત્તર આટલાન્ટિકની ફાટ ઉત્તર તરફ વિસ્તરતી ગઈ, જેને પરિણામે સ્કૅન્ડિનેવિયાથી ગ્રીનલૅન્ડની ભૂમિ અલગ પડતી ગઈ અને એ રીતે યુરોપ સાથેનો ઉત્તર અમેરિકાનો ભૂમિસંપર્ક તૂટી ગયો. છેક દક્ષિણે ઍન્ટાર્ક્ટિકાથી ઑસ્ટ્રેલિયા ખંડનો ભૂમિભાગ અલગ પડતો ગયો અને ઈશાન તરફ ખસતો જઈ આજના સ્થાને આવી પહોંચ્યો છે, સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન ઍન્ટાર્ક્ટિકા પણ ખસતો જઈને તેની આજની દક્ષિણ ધ્રુવીય સ્થિતિ પર ગોઠવાયો છે.
કૅનોઝોઇક યુગ દરમિયાન જ હિન્દી મહાસાગર પરની ફાટની એક શાખાએ અરબસ્તાનને આફ્રિકાથી અલગ કર્યો, જેમાં એડનનો અખાત અને રાતો સમુદ્ર અસ્તિત્વમાં આવ્યા. તેમ છતાં, આ યુગની ખૂબ જ વિશિષ્ટ ઘટના તો એ બની કે યુરેશિયા સાથે આફ્રિકા અને ભારત અથડાયા, જેને પરિણામે ઉત્પન્ન થયેલી પ્રચંડ ભીંસમાં ઉગ્ર વિરૂપક બળો ક્રિયાશીલ બન્યાં. ટેથિસ ભૂસંનતિ(geosyncline)માંથી તેની દક્ષિણ કિનારી પર આફ્રિકાની ઉત્તરે આજે જોવા મળતી ઍટલાસ પર્વતમાળા ઊંચકાઈ આવી, જ્યારે તેની ઉત્તર કિનારી પર પિરિનીઝ, કાર્પેથિયન્સ, ઍપેનાઇન્સ, આલ્પ્સ અને હિમાલય જેવી વિરાટ પર્વતમાળાઓ ઊપસી આવી અને કાળો સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર અને અરલ સમુદ્ર ટેથિસ મહાસાગરના અવશેષરૂપ રહી ગયા. આફ્રિકાની ઉત્તર સીમા દરિયાઈ નિક્ષેપક્રિયા કૅનોઝોઇક સમયમાં થયાની સાક્ષી પૂરે છે તેમજ આફ્રિકાની ફાટખીણોનો વિકાસ તેના પૂર્વ તરફના વિસ્તારોમાં હજી આજે પણ ચાલુ છે.
કૅનોઝોઇક યુગ દરમિયાન ખંડોના અંદરના વિસ્તારો પ્રમાણમાં ઊંચાઈ પર રહેલા, જેથી દરિયાઈ અતિક્રમણની ક્રિયા, માત્ર કિનારાના ભૂમિભાગો સુધી મર્યાદિત રહી શકી. પૃથ્વી પરના આબોહવાના વિભાગોનું વિતરણ સુસ્પષ્ટ રહ્યું હોવા છતાં ધીમે ધીમે ઠંડી આબોહવાનું વધતું જતું વલણ છેવટે પ્લાયસ્ટોસીન કાલખંડમાં તેની પરાકાષ્ઠાએ પહોંચીને હિમયુગોમાં પરિણમ્યું. હિમક્રિયામાં વખતોવખત વધઘટ પણ થતી રહી, જેમાં વધુમાં વધુ 3,000 મીટરની જાડાઈ સુધી બરફથરની જમાવટ થયેલી. પ્લાયસ્ટોસીન કાલખંડમાં ત્રણ આંતરહિમકાળ સહિતના ચાર હિમકાળ પ્રવર્તેલા. આજે આપણે ચોથા આંતરહિમકાળમાં છીએ એમ કહી શકાય.
ભારતના સંદર્ભમાં જોતાં કૅનોઝોઇક યુગનો પ્રારંભિક કાળ વિશિષ્ટ પ્રકારની ઊથલપાથલની પ્રતીતિ પૂરી પાડે છે. દ્વીપકલ્પીય ભારત મેસોઝોઇક યુગના અંતિમ ચરણ સુધી વિશાળ ગોંડવાના ખંડનો એક નાનકડો ભાગ હતો. ઉત્તર ગોળાર્ધના ખંડસમૂહથી ગોંડવાના ખંડસમૂહને જુદો પાડતો વિરાટ ટેથિસ મહાસાગર આજના આલ્પ્સ, હિમાલય, તિબેટ અને ચીન વિસ્તાર પર પથરાયેલો હતો. તેના ફાંટાઓ સૉલ્ટ રેન્જ, પશ્ચિમ સિંધ, બલૂચિસ્તાન અને કચ્છ પર તેમજ નર્મદાની ખીણ દ્વારા મધ્યભારત સુધી પ્રસરેલા હતા. ક્રિટેશિયસના અંતમાં દ્વીપકલ્પીય ભારતનો વાયવ્ય ભાગ ફાટ-પ્રસ્ફુટનો દ્વારા બેસુમાર લાવાના થરોથી છવાઈ ગયો, જેમાં દક્ષિણ રાજસ્થાનથી ધારવાડ વચ્ચેનો તેમજ પશ્ચિમથી પૂર્વ કિનારાનો સમગ્ર વિસ્તાર આવરી લેવાયો. લાવા પ્રસ્ફુટનોની આ ઘટના અંતિમ ક્રિટેશિયસથી ઇયોસીન સુધી ચાલુ રહેલી. જ્વાળામુખીજન્ય પ્રક્રિયાનું આવું ઉદાહરણ દુનિયાના પટ પર અન્યત્ર ક્યાંય જોવા મળતું ન હોઈ અજોડ ગણાય છે. ટર્શિયરીના પ્રારંભની સાથે સાથે ભૂસંચલનનો યુગ શરૂ થયો, ભારતીય વિસ્તારની જૂની ભૌગોલિક પરિસ્થિતિ ફેરફાર પામી. આ પુન:રચનામાં ભૂગતિવિદ્યાની બે મહત્વની ઘટનાઓ આકાર પામી : જૂનો ગોંડવાના ખંડ વિશાળ ટુકડાઓમાં ક્રમશ: વિભાજિત થતો ગયો, કેટલાક વિભાગોનું સમુદ્ર નીચે અધોગમન થયું, જેના પરિણામરૂપ આજનો અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો. ટેથિસ મહાસાગરના તળ પર એકઠા થતા ગયેલા સમુદ્રનિક્ષેપોનું આલ્પ્સ, હિમાલય વગેરે જેવી ઉત્તુંગ હારમાળાઓમાં ઉત્થાન થતું ગયું. આમ સ્થળશ્યોમાં પાયાના ફેરફારો થતા ગયા. હિમાલય ક્રમશ: ઊંચકાતો જતો હોવાને કારણે તેની દક્ષિણે સિંધુ-ગંગા,જમના-બ્રહ્મપુત્રાનો વિશાળ ગર્ત તૈયાર થયો, જે પછીના સમગ્ર કૅનોઝોઇક કાળગાળામાં હિમાલયમાંથી આવતા જતા કાંપનિક્ષેપોથી ભરાઈ જવાથી આજે દેખાતું સિંધુ-ગંગાનું વિશાળ મેદાન અસ્તિત્વમાં આવેલું છે.
જીવનસ્વરૂપો : ટર્શિયરી કાળ દરમિયાન વનસ્પતિના લગભગ બધા જ મુખ્ય પ્રકારો મળી આવે છે, મધ્યજીવયુગમાં ઘાસનું અસ્તિત્વ જ ન હતું. તેનો ઝડપી વિકાસ અને ફેલાવો થતો જાય છે જે ભૂમિસ્થિત તૃણભક્ષી પ્રાણીઓની ખોરાકી ટેવોમાં મહત્ત્વના ફેરફારો લાવી મૂકે છે, જંગલોનું પ્રમાણ આ યુગ દરમિયાન ઘટે છે. છૂટીછવાઈ જંગલ-આચ્છાદિત કળણભૂમિઓ તૈયાર થાય છે, જેને પરિણામે લિગ્નાઇટ પ્રકારનો કોલસો બનવાની અનુકૂળતા ઊભી થાય છે.
આ આખાયે યુગ દરમિયાન અપૃષ્ઠવંશી પ્રાણીઓ એક જ (common) પૂર્વજમાંથી અલગ અલગ પ્રકારોમાં વિસ્તૃત પ્રમાણમાં ઉત્ક્રાંતિજન્ય ફેરફારોવાળાં બન્યાં. ફોરામિનિફર, લેમેલિબ્રૅન્ક, ગૅસ્ટ્રોપૉડ, પરવાળાં, પૉલિઝૂઆ અને એકિનૉઇડના પ્રાપ્ત જીવાવશેષો પરથી મહત્વનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં તેનો સમાવેશ કરી શકાય.
પૃષ્ઠવંશી પ્રાણીઓ પૈકી અસ્થિયુક્ત માછલીઓ, સાલામાન્ડર, દેડકાં વિસ્તાર પામતાં ગયાં, સરીસૃપો ઘટતાં ગયાં, સર્પો, મગર, કાચબા, મધ્યજીવયુગ પછીથી જે બચી શક્યા તે આજ સુધી ખાસ ફેરફાર વિના ચાલુ રહ્યા છે. મગરનાં પ્રકાર અને પ્રમાણ આજે ઓછાં છે. જમીન પરના કાચબા કદમાં મોટા થતા ગયેલા છે.
સસ્તન પ્રાણીઓમાં સ્થાનભેદે અને કાળભેદે ભિન્ન ભિન્ન ફેરફારો થતા રહ્યા છે. મધ્યજીવયુગના અંત સુધીમાં સસ્તન પ્રાણીઓના પાંચ ગણ (order) હતા. તે પૈકીનો એક મલ્ટિટ્યૂબરક્યૂલેટ્સ (દાંતમાં અસંખ્ય ખાડાવાળો ઉંદરસમ દેખાવવાળો) સમૂહ ઇયોસીન સુધી જ ટકે છે, બાકીના પૈકીનો એક વિલોપ પામતાં અગાઉના બે પ્રકારો કોથળીવાળાં અને નાભિવાળાં(‘મર્સુપિયલ્સ’ અને ‘પ્લાસન્ટલ્સ’)માં ઉત્ક્રાંત થાય છે. નાભિવાળાં પ્રાણીઓ અનુકૂલનને કારણે સમૃદ્ધ થતાં જઈ છેવટે અંગુષ્ઠધારી (primates) બની તેમાંથી જ એક એવો મનુષ્ય સ્વયં તૈયાર થતો જાય છે, જે આજે હોમોસૅપિયન નામે ઓળખાય છે.
નાભિવાળાં સસ્તન પ્રાણીઓ પૈકી માંસભક્ષી અને તૃણભક્ષી ખરીવાળાં પ્રાણીઓનો વિકાસ પણ કૅનોઝોઇકના પ્રારંભે જ થયેલો છે. આજના ઘોડાનું પૂર્વજ ‘ઇયોહિપસ’ (હિરાકોથેરિયમ) ઇયોસીન કાળનું છે. હ્રીનો તેમજ આર્ટિયોડક્ટાઇલ્સ (સમસંખ્યાધારક આંગળાંવાળાં) ઊંટ, હરણ, ડુક્કરનાં પૂર્વજ પણ ઇયોસીન સમયની પેદાશ ગણાય. સર્વપ્રથમ સૂંઢવાળાં પ્રાણીઓ પણ આ જ સમયમાં શરૂ થાય છે. પહેલવહેલું અંગુષ્ઠધારી પ્રાણી લીમર (= જંગલી વાનર) જેવું હતું, જે યુ.એસ.ના પેલિયોસીનમાંથી મળે છે.
પુરુષાભ વાનરો (anthropoid apes) ભારતમાં એટલી સંખ્યા અને પ્રકારોમાં જોવા મળે છે કે આ સમૂહના ફેલાવાનું મૂળ કેન્દ્ર ઉત્તર ભારતથી વધુ દૂર હોઈ શકે એમ જણાતું નથી. કદાચ તે પશ્ચિમમાંથી ઇજિપ્ત અને અરબસ્તાન મારફતે આવ્યા હોય ! સમગ્ર શિવાલિક વિસ્તારમાંથી 80 ઉપર મળી આવેલા નમૂનાઓને શિવપિથેકસ, સુગ્રીવપિથેકસ, બ્રહ્માપિથેકસ અને રામપિથેકસ એવી ચાર જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે.
આજનાં સસ્તન પ્રાણીઓને મધ્ય કૅનોઝોઇક કાળના પ્રાણીઅવશેષો સાથે સરખાવતાં જણાય છે કે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જેમાંથી મહાકાય, વિકરાળ, બળવાન પ્રાણીઓ અર્દશ્ય થઈ ગયાં છે. આજનાં અને ત્યારનાં ખરીવાળાં પ્રાણીઓનો 1 : 5નો ગુણોત્તર મુકાય. હાથીઓની 29 જાતિઓમાંથી હવે માત્ર 2 જ જીવંત છે, બળદ અને ભેંસ જેવા પ્રાણીપ્રકારો ઘટીને આઠમાંથી બે થયા છે. દુનિયાના તમામ વિસ્તારમાં ભૂમિજન્ય સસ્તન પ્રાણીઓનો વિશાળ પાયા પર લોપ થયો છે. તેનું એકમાત્ર કારણ આબોહવાના વિષમ ફેરફાર લેખી શકાય.
કૅનોઝોઇક યુગની આર્થિક સંપત્તિ : કૅનોઝોઇક યુગની આર્થિક સંપત્તિ પૈકી પેટ્રોલિયમ અગ્રસ્થાને આવે છે, જે આજથી 6 કરોડ વર્ષથી શરૂ કરીને 10 લાખ વર્ષ અગાઉના સમયગાળાના ખડકસ્તરો સાથે મળી આવે છે. એટલે કે દુનિયાભરનાં જાણીતાં તેલસંચયસ્થાનો ટર્શિયરી કાળ સાથે સંકળાયેલાં છે. ઉત્તર સમુદ્ર અને લિબિયામાંથી મળતું તેલ પેલિયોસીન વયનું છે. ટેક્સાસ, લુઇઝિયાના, ઇરાક, રશિયા, પાકિસ્તાન અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો અને ઑસ્ટ્રેલિયામાંથી મેળવવામાં આવી રહેલો તેલજથ્થો ઇયોસીન વયનો છે. યુરોપમાં, મ્યાનમારમાં, આસામમાં, યુ.એસ.ના ગલ્ફ કોસ્ટમાં અને કૅલિફૉર્નિયામાં ઓલિગોસીન વયના ખડકોમાંથી તેલ મળે છે. સમગ્ર ટર્શિયરીકાળ પૈકી માયોસીન કાળને તેલસમૃદ્ધ ગણાવી શકાય. ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દરેક ખંડ પર માયોસીનના રેતીખડકોમાંથી તેલ મળી રહે છે, જે પૈકી કૅલિફૉર્નિયા, ટેક્સાસ અને લુઇઝિયાના તેમજ મધ્યપૂર્વના દેશો વિપુલ પ્રમાણમાં સમૃદ્ધ છે. આ ઉપરાંત ગલ્ફ કોસ્ટ અને કૅલિફૉર્નિયામાં તો પ્લાયોસીન વયના ખડકોમાંથી પણ તેલ મળેલું છે.
દુનિયાભરમાંથી મળતો કુદરતી વાયુ, લિગ્નાઇટ કોલસો અને ઊતરતી કક્ષાનો બિટુમિનસ કોલસો પણ ટર્શિયરી ખડકોની જ પેદાશ છે.
દુનિયાનો 60 % જેટલો કલાઈનો પુરવઠો કૅનોઝોઇકના નદીજન્ય નિક્ષેપો પૂરો પાડે છે. સોનું, ચાંદી, તાંબું, પારો અને જસતનાં મૂલ્યવાન ખનિજો ટર્શિયરી ખડકોમાંથી મળી રહે છે. ટેથિસ-ભૂસંનતિની વિરૂપતાઓને પરિણામે એશિયા અને દક્ષિણ યુરોપની કેટલીક ખનિજસંપત્તિ કૅનોઝોઇક નિક્ષેપો કે તે વખતનાં અંતર્ભેદનો સાથે સંકળાયેલી છે. ડાયેટમાઇટ જેવી અધાત્વિક સંપત્તિ પણ માયોસીન ખડકોમાંથી મળી રહે છે. ઉ. અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને એશિયામાંથી ઇમારતી પથ્થરો, માટી, ફૉસ્ફેટ, ગંધક, મીઠું અને ચિરોડી આ સમયગાળાના ખડકોમાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા