કૅનન, ઍની જમ્પ (જ. 11 ડિસેમ્બર 1863, ડોવર, ડેલાવર, અમેરિકા; અ. 13 એપ્રિલ 1941, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : તારકીય વર્ણપટ(stellar spectra)ના વર્ગીકરણમાં વિશેષજ્ઞતા (specialisation) પ્રાપ્ત કરનાર અમેરિકી મહિલા ખગોળજ્ઞ (astronomer). વેલસ્લી કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ, 1896માં હાર્વર્ડની વેધશાળામાં મદદનીશ તરીકે જોડાઈ, મરણ પર્યંત ત્યાં જ સેવાઓ આપી. તારાઓના વર્ણપટનું ફક્ત એકલ શ્રેણી(single sequence)માં વર્ગીકરણ દર્શાવતી ‘હાર્વર્ડ પદ્ધતિ’ તેમણે વિકસાવી હતી; અને તારકીય વર્ણપટ ઉપર તૈયાર કરેલા સીમાચિહનરૂપ (monumental) ‘હેન્રી ડ્રેપર કૅટલૉગ’માં વર્ણપટના વર્ગીકરણ ઉપર ઘણું કામ કર્યું હતું (1918-1924). આશરે 3,50,000 જેટલા તારાઓનું તો તેમણે જાતે વર્ગીકરણ કર્યું હતું. તે પછીનાં વર્ષોમાં તેમણે કૅટલૉગની પુરવણીઓ (supplements) પ્રસિદ્ધ કરવામાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
1911 પછી, ખગોલીય છબીઓના સંગ્રહાલયાધ્યક્ષ (curator) તરીકે સેવાઓ આપી હતી. 1938માં ‘ક્રૅન્ચ બૉન્ડ ખગોલજ્ઞ’ તરીકે તેમનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. કૅનને ઘણા બધા પરિવર્તનક્ષમ (variable) તારાઓ તથા પાંચ નોવાની શોધ કરી હતી.
એરચ. મા. બલસારા