કૃષ્ણન્ રમેશ

January, 2008

કૃષ્ણન્, રમેશ (જ. 5 જૂન 1961, તાંજોર, તામિલનાડુ) : ભારતના વિખ્યાત ટેનિસ ખેલાડી. મહાન ટેનિસ ખેલાડી રામનાથન કૃષ્ણનના પુત્ર. 1979માં તેમણે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ જુનિયર ચૅમ્પિયનશિપ મેળવી.

રમેશ કૃષ્ણન્

લૉસ એન્જિલીઝમાં આવેલા હૅરી હોપમન કોચિંગ સેન્ટરમાં હૅરી હોપમન (8 ડિસેમ્બર 1908-27 ડિસેમ્બર 1985) પાસે તેમણે તાલીમ મેળવી છે. 1986માં ગૌસ મહમદ, રામનાથન્ કૃષ્ણન્ અને વિજય અમૃતરાજ પછી વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાનું ગૌરવ મેળવનાર તે ચોથા ભારતીય ખેલાડી છે. 1981 અને 1987માં બે વખત અમેરિકન ઓપન ટેનિસસ્પર્ધામાં તે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા છે. 1987ના ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતે ડેવિસ કપની સેમી ફાઇનલમાં 3-2થી વિજય મેળવ્યો અને રમેશ કૃષ્ણનને ઑસ્ટ્રેલિયન ખેલાડી વાલી મસૂરને હરાવીને નિર્ણાયક વિજય મેળવ્યો. આઠ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે વિજય મેળવ્યો છે. 1978-79માં રમતજગતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ રમેશ કૃષ્ણન્ને એનાયત કરવામાં આવ્યો. 1988માં સિયોલ ઑલિમ્પિકમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1992ની બાર્સિલોના ઑલિમ્પિકમાં શરૂઆતમાં ખૂબ પ્રશંસનીય દેખાવ કર્યો હતો. 1998માં તેમને ભારત સરકારે પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા છે

પ્રભુદયાલ શર્મા