કૃમિ (આયુર્વેદ) : દૂષિત ખોરાક કે પાણી પીવાથી અન્નમાર્ગમાં ચૂંક કે દુખાવાનો રોગ પેદા કરનાર સૂત્રકૃમિ સમુદાયના સૂક્ષ્મ જીવો. બાળકોમાં મુખ્યત્વે કરમિયાનો રોગ આ કૃમિઓ દ્વારા થાય છે. ગંદા આવાસોમાં રહેનારા આ રોગનો ભોગ બને છે. કૃમિના બે પ્રકાર છે : (1) સહજ અને (2) વૈકારિક. સહજ કૃમિ શરીરની સાથે જ ઉત્પન્ન થાય છે અને વિકાર ઉત્પન્ન કરતા નથી.

વૈકારિક કૃમિ 20 પ્રકારના છે. સ્થાનની ર્દષ્ટિથી તે બે પ્રકારના છે : (1) બાહ્ય અને (2) આભ્યન્તર. આભ્યન્તર કૃમિ કારણની ર્દષ્ટિથી 3 પ્રકારના છે : (1) પુરીષજ, (2) શ્લેષ્મજ અથવા કફજ અને

(3) શોણિતજ. કૃમિનાં સ્થાન, કારણ, સંસ્થાન (આકૃતિ), વર્ણ, પ્રભાવ વગેરે પ્રમાણે ભેદ કરવામાં આવે છે.

કૃમિનાં સામાન્ય કારણો : અજીર્ણ હોય થતાં ભોજન કરનારને, હંમેશાં મધુર અને અમ્લ આહાર કરનારને, પ્રવાહી પદાર્થોનું અતિસેવન કરનારને, પિષ્ટ અને ગોળ ખાનારને, વ્યાયામ ન કરનારને, દિવાસ્વપ્ન જોનારને, વિરુદ્ધ ભોજન કરનારને કૃમિ ઉત્પન્ન થાય છે. તેમાં પણ અડદ, પિષ્ટાન્ન, લવણ, ગોળ અને શાક (પત્રશાક) વધુ ખાનારને પુરીષજ કૃમિ થાય છે. માંસ, મત્સ્ય, ગોળ, ક્ષીર (દૂધ), દહીં, શુક્ત ખાનારને કફજ કૃમિ થાય છે. વિરુદ્ધભોજન, અર્જીણ ભોજન, શાક (પત્રશાક) ખાનારને રક્તજ કૃમિ થાય છે.

કૃમિનાં સામાન્ય લક્ષણો : જ્વર, વિવર્ણતા, શૂલ, હૃદરોગ, ભ્રમ, અન્નદ્વેષ, અતિસાર (ઝાડા), ગુદામાં ચળ, પેટમાં શૂળ-પીડા, અપચો, પાંડુતા, નિર્બળતા વગેરે.

આભ્યંતર (અંદરનાં) કૃમિનાં વિશિષ્ટ લક્ષણો : કફજ કૃમિનાં લક્ષણો : આ કૃમિ આમાશયમાં ઉત્પન્ન થાય છે. ઉપરનીચે ગતિ કરે છે. તેનાથી મોળ, લાળ, અરુચિ, અવિપાક, મૂર્ચ્છા, ઊલટી, તૃષા, આફરો, કાર્શ્ય, પીનસ, શ્વયથુ, જ્વર વગેરે ઉત્પન્ન થાય છે. પુરીષજ કૃમિનાં લક્ષણો : આ કૃમિ પક્વાશય(હોજરી)માં ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે આ કૃમિ નીચેની તરફ (ગુદા તરફ) જાય છે. પણ જો આમાશય તરફ ગતિ કરે તો ઓડકાર, નિશ્વાસમાં મળની ગંધ આવે છે. તેનાથી પુરીષભેદ, શૂલ, વિષ્ટમ્ભ, કાર્શ્ય, પારુષ્ય, લોમહર્ષ, અગ્નિમાંદ્ય વગેરે થાય છે. આ જ કૃમિ ગુદા તરફ જાય ત્યારે ગુદમુખ ઉપર તોદ, કંડૂ (ચળ) ઉત્પન્ન કરે છે. ક્યારેક ગુદભ્રંશ પણ ઉત્પન્ન કરે છે. રક્તજ કૃમિનાં લક્ષણો : આ કૃમિ રક્તવાહી ધમનીમાં થાય છે. તેનાથી કુષ્ઠરોગ થાય છે. તે ઉપરાંત કેશ, લોમ, પક્ષ્મ વગેરેનો ઉપધ્વંસ (ખરવા), વ્રણ થાય તો તેમાં હર્ષ, કંડૂ, તોદ, સંસર્પણ (સળવળાટ) થાય છે. જ્યારે ખૂબ વધી જાય ત્યારે ત્વચા, શિરા, સ્નાયુ, માંસ, તરુણાસ્થિ વગેરેનું ભક્ષણ (કોહવાટ-નાશ) થાય છે.

મલજ (બાહ્ય) કૃમિનાં લક્ષણો : તેનાથી ચળ, ચામઠાં અને ફોલ્લીઓ વગેરે પેદા થાય છે.

કૃમિની ચિકિત્સા : મલજ કૃમિની ચિકિત્સા : પ્રથમ અપકર્ષણ (કૃમિ ખેંચી કાઢવા), મલોપઘાત અને મલકર ભાવોનો ત્યાગ કરવો.

રક્તજ કૃમિની ચિકિત્સા : કુષ્ઠની ચિકિત્સા કરવી.

પુરીષજ અને શ્લેષ્મજ કૃમિની ચિકિત્સા : સર્વે કૃમિ માટે પ્રથમ અપકર્ષણ કરવું. ત્યારબાદ પ્રકૃતિવિઘાત અને નિદાનકર ભાવોનો ત્યાગ કરવો.

અપકર્ષણ એટલે કૃમિને બહાર કાઢવા. હાથથી અથવા કંઈક ઉપકરણથી ખેંચી કાઢવા. જો સ્થાનગત કૃમિ હોય તો ઔષધિથી બહાર કાઢવા અથવા વમન, વિરેચન, આસ્થાપન અને શિરોવિરેચન આપી બહાર કાઢવા.

પ્રકૃતિવિઘાત : પ્રકૃતિ એટલે કૃમિનાં કારણો, કફ અને પુરીષરૂપી કારણોનો નાશ કરવો. કટુ, તિક્ત, કષાય, ક્ષાર અને ઉષ્ણ દ્રવ્યોનો ઉપયોગ પ્રકૃતિવિઘાત કરે છે. તેવી જ રીતે જે કંઈ આહારવિહાર કફ અને પુરીષને વિરુદ્ધ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.

નિદાનકર ભાવોનો ત્યાગ : ઉપર જે કૃમિનાં નિદાન (ઉત્પત્તિ-કારણો) આપ્યાં છે તેનો તથા તેના જેવાં બીજાં કારણોનો ત્યાગ કરવો જોઈએ.

કૃમિઘ્ન ઔષધિ : વાવડિંગ, કાકચ, ઇન્દ્રયવ, કડું, કંપિલ્લક વગેરે કૃમિઘ્ન છે. તે ઉપરાંત કૃમિમુદગર રસ, કૃમિકુઠાર રસ, કૃમિઘ્નવટી, વિડંગારિષ્ટ, કૃમિઘ્નક્વાથ વગેરે વાપરી શકાય છે.

પ્રકાર સમુત્થાન (કારણ) સ્થાન આકૃતિ વર્ણ નામ
મલજ કૃમિ મૃજાવર્જન (સફાઈ ન રાખવી) કેશ, લોમ, પક્ષ્મ, કપડાં અણુ, તિલાકૃતિ, બહુપાદ કૃષ્ણ શુક્લ યૂકા, લિક્ષા, પિપીલિકા
રક્તજ કૃમિ કુષ્ઠનાં જ કારણો રક્તવાહિની અણુ, વૃત્ત (ગોળ), અપાદ તામ્ર કેશાદ, લોમાદ,
લોમદ્વીપ, સૌરસ,
ઐદુમ્બર, જન્તુમાતર
શ્લેષ્મજ કૃમિ દૂધ, ગોળ, તલ, મત્સ્ય, માંસ,
પૂતિભોજન વગેરે
આમાશય. ત્યાંથી ઉપર
નીચે ગતિ કરે છે
પૃથુ, બ્રધ્ન જેવાં ગંડૂપદ
જેવાં (અળસિયાં) વૃત્ત
(ગોળ), દીર્ઘ
શ્લેત તામ્ર અન્માદ, ઉદરાદ,
હૃદયચર, ચુરુ,
દર્ભપુષ્પ, સૌગન્ધિકા,
મહાગુદ

ચં. પ્ર. શુક્લ