કૃમિ (worms) : ઉપાંગ વગરનું ગોળ અથવા ચપટું અને મૃદુ શરીર ધરાવતાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ. તેની સાચી શરીરગુહા હોય કે ન પણ હોય. કૃમિ-કાચંડા (worm-lizard) અને કૃમિ-મત્સ્ય (worm-fish) જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓ કૃમિ જેવા આકારનાં હોવા છતાં તે વાસ્તવિક રીતે કૃમિ નથી. કેટલાક કીટકોની ઇયળોને પણ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. કૃમિનાં શરીર દ્વિપાર્શ્વ-સમરચના (bilateral symmetry) ધરાવતાં હોય છે. શરીરની રચના અને જીવનક્રમતા ર્દષ્ટિએ જુદા જુદા સમુદાયનાં પ્રાણીઓ વચ્ચે ઘણું મોટું અંતર હોઈ શકે. કૃમિઓ સર્વત્ર જોવા મળે છે. સ્વતંત્ર રીતે જીવતા કૃમિઓ જમીનમાં અથવા ખારાં કે મીઠાં પાણીમાં વસતા હોય છે. પરોપજીવી કૃમિઓ અન્ય પ્રાણીઓના કે વનસ્પતિઓના શરીરમાં વાસ કરતા હોય છે. લંબાઈમાં કેટલાક 1 મિમી. કરતાં પણ સૂક્ષ્મ હોય છે જ્યારે બીજા કેટલાકની લંબાઈ 30 મીટર કરતાં વધારે પણ હોઈ શકે છે. તે ચપટાં (પૃથુકૃમિ platyhelminthes), ગોળ [ગોળ-કૃમિ; aschel minthes; દા.ત., ટાંકણી-કૃમિ (pin worms), વામ-કૃમિ (eel worms), તંતુકૃમિ (thread worms)], આંકડી-કૃમિ (hook worms) અને વાળકૃમિ (hair worms), રિબન આકારનાં (ribbon worms – nemertea), ખંડિત શરીરવાળા (segmented worms – annelida), શિંગ આકારનાં (peanut worms – echiura), ચમચા જેવાં (spoon worms – echiuroids) કંટકશીર્ષી (spiny headed worms acantho – (cephala), દાઢી જેવા દેખાતા (beard – worms – pogonophora) અને બાણ જેવા આકારના (arrow worms chaetognatha) એમ વિવિધ પ્રકારના કૃમિઓ હોય છે.
અળસિયાં જેવા કૃમિઓ માટીને ઉપરતળે કરીને ખેતરને ખરેખર ખેડતા હોય છે. તે એ રીતે માનવ માટે લાભદાયક પ્રાણી ગણાય છે. પરંતુ વાળો, કરમિયું, હાથીપગું જેવા કૃમિઓ માનવના શરીરમાં પ્રવેશીને તેને નુકસાન પહોંચાડે છે. વિપરીત સંજોગોમાં તે જીવલેણ પણ બને છે. કેટલાક ચપટા પટ્ટીકૃમિ (tape worms) અને ટ્રાયકિની જેવા ગોળકૃમિઓ ભૂંડનું માંસ ખાનાર માનવોનાં શરીરમાં પ્રવેશે છે. ઘેટાના યકૃતને વળગી તેને હાનિ પહોંચાડનાર યકૃત-કૃમિ (liver fluke), જીવનકાળ દરમિયાન એક તબક્કે સ્વતંત્રજીવી ડિમ્ભ તરીકે, જ્યારે થોડોક સમય મીઠાં પાણીના એક જાતના શંખની અંદર પરોપજીવી તરીકે જીવતો હોય છે. અમુક જાતના કૃમિઓ કેટલીક વનસ્પતિઓના શરીરમાં પણ વાસ કરતા હોય છે.
માનવસ્વાસ્થ્ય, કૃષિવિદ્યા અને અન્ય રીતે આર્થિક અગત્યનાં પરોપજીવી કૃમિનો અભ્યાસ કૃમિવિજ્ઞાન-(helminthology)માં કરવામાં આવે છે.
સિદ્ધાર્થ પટેલ