કુલોમ્બ ચાર્લ્સ ઑગસ્તિન દ (જ. 14 જૂન 1736, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1806, પૅરિસ) : ચુંબકત્વ તથા વિદ્યુતક્ષેત્રના સંશોધન માટે ખૂબ જાણીતા ફ્રેંચ વિજ્ઞાની. મેઝિયરની શિક્ષણસંસ્થા ‘એકોલ દ ઝેની’માંથી 1761માં સ્નાતક થયા પછી લશ્કરી ઇજનેર તરીકે વેસ્ટ ઇન્ડિઝ તથા અન્ય ફ્રેંચ મથકોમાં 1781 સુધી સેવા આપી. સંશોધનકાર્ય માટે તે વધુ સમય ફાળવી શકે તે હેતુથી 1761માં તેમની પૅરિસ ખાતે કાયમી નિમણૂક કરવામાં આવી. આ દરમિયાન 1779માં ‘સાદાં યંત્રોના સિદ્ધાંત’ (Theoric des machines simple) પરના તેમના નિબંધને અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું; 1789માં ફ્રાન્સની રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી, તેમણે લશ્કરમાં સેવાઓ આપી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1785થી 1791 દરમિયાન તેમણે સાત સ્મૃતિલેખો (memoirs) પ્રગટ કર્યા. વૈદ્યુત બળો માપવા માટે વળ-તુલા(torsion balance)ની શોધ કરી. તેની મદદથી બે વિરુદ્ધભારિત વસ્તુઓ માટે બળોના વ્યસ્ત વર્ગના નિયમ(inverse square law of forces)નું નિદર્શન કર્યું (1785). 1787માં વિદ્યુત તથા ચુંબકત્વ બંનેમાં આકર્ષણ તથા અપાકર્ષણનાં બળો માટે વ્યસ્ત વર્ગનો નિયમ સાબિત કર્યો અને એવું પ્રતિપાદિત કર્યું કે આ બળ વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે, જે સંબંધ કુલોમ્બના નિયમ તરીકે ઓળખાય છે.
કુલોમ્બના નિયમ અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ વચ્ચેના સામ્યને કારણે, ભૌતિકશાસ્ત્રના આ નવા ક્ષેત્રમાં કુલોમ્બે ન્યૂટનીય યંત્રશાસ્ત્ર(Newtonian mechanics)નું પ્રદાન કર્યું હશે તેમ ધારી શકાય. તેમના નામ ઉપરથી SI (Systeme International) પદ્ધતિના સ્થિર વૈદ્યુત (electrostatic) ભાર(charge)ના પ્રાયોગિક એકમને ‘કુલોમ્બ’ નામ આપવામાં આવેલું છે. 1 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ 1 સેકન્ડ માટે વહે ત્યારે તબદીલ થતો વિદ્યુતનો જથ્થો 1 કુલોમ્બ જેટલો હોય છે.
એરચ મા. બલસારા