કુલોમ્બનો નિયમ (Coulomb’s law) : બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણનાં બળોનું નિયંત્રણ કરતો નિયમ. અસમાન વિદ્યુતભાર એકબીજાને આકર્ષે છે અને સમાન વિદ્યુતભાર અપાકર્ષે છે. પ્રાયોગિક ચોકસાઈ(accuracy)ની મર્યાદામાં, કુલોમ્બે દર્શાવ્યું કે બે વિદ્યુતભાર q1 અને q2 વચ્ચેનું આકર્ષણ કે અપાકર્ષણનું કુલોમ્બ બળ F, તેમને છૂટા પાડતા અંતર rના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારપછી થયેલા કાર્ય દ્વારા એમ દર્શાવવામાં આવ્યું કે બે વિદ્યુતભાર વચ્ચે નિયત અંતર માટે, બળ F બન્ને વિદ્યુતભારના ગુણાકાર q1 q2ના સીધા પ્રમાણમાં (directly proportional) છે. આમ બળ F1 એ q1q2/r2ના સમપ્રમાણમાં છે.
સમાન વિદ્યુતભાર એ, Fનું ધનાત્મક મૂલ્ય કે બહારની તરફ લાગતું અપાકર્ષણ-બળ દર્શાવે છે; અસમાન વિદ્યુતભાર એ, Fનું ઋણાત્મક મૂલ્ય કે અંદરની તરફ લાગતું આકર્ષણ-બળ આપે છે. SI (Systeme International) એકમોમાં કુલોમ્બના નિયમને F = q1 q2/4 πεr2 એ પ્રમાણે લખી શકાય. અહીં વિદ્યુતભારનું મૂલ્ય કુલોમ્બમાં, અંતર મીટરમાં અને ε (ગ્રીક મૂળાક્ષર એપસિલોં), બન્ને વિદ્યુતભાર વચ્ચેના માધ્યમનો પરાવૈદ્યુતાંક (dielectric constant) છે. ખાલી જગ્યા (free space) માટે ε = εo = 8.85419 × 10–12 ફેરડ/મીટર છે. હવા તેમજ ઘણા બધા વાયુઓ માટે પરાવૈદ્યુતાંકનું મૂલ્ય શૂન્યાવકાશ(vacuum)ના મૂલ્ય કરતાં સહેજ જુદું હોય છે (2000મા એક ભાગ જેટલું); પરંતુ ઘન પરાવૈદ્યુતો (solid dielectrics) તથા પ્રવાહીમાં કુલોમ્બ બળનું મૂલ્ય ઘણું ઓછું મળે છે. ઉદાહરણ તરીકે ક્વાટર્ઝનો પરાવૈદ્યુતાંક 40 εo અને 80 εo છે.
એરચ મા. બલસારા