કુર્નૂલ (Kurnool) : આંધ્રપ્રદેશ(રાજ્ય)ના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 14° 54’થી 16° 18′ ઉ. અ. અને 76° 58′ થી 79° 34′ પૂ. રે.ની વચ્ચેનો આશરે 17,658 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તુંગભદ્રા નદી, કૃષ્ણા નદી અને મહેબૂબનગર જિલ્લો, પૂર્વે પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણે અનંતપુર અને કડાપ્પા જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો બેલારી જિલ્લો આવેલા છે. જિલ્લા મથક કુર્નૂલ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજંગલોજળપરિવાહ : આ જિલ્લાના કેટલાક ભાગો ગીચ જંગલોથી છવાયેલા છે, વર્ષાઋતુ અને શિયાળામાં અહીંની ટેકરીઓ હરિયાળી રહે છે. ઉનાળા દરમિયાન પહાડી ઢોળાવો પરનું ઘાસ તથા સુકાયેલા વાંસ આગથી સળગી ઊઠે છે. માત્ર ખીણો અને કોતરો સિવાયનો પ્રદેશ સૂકા ભાઠા જેવો દેખાય છે. જિલ્લાના ઉત્તર ભાગમાં જંગલો પ્રમાણમાં આછાં છે, ત્યાં ઘાસભૂમિના પ્રદેશો આવેલા હોવાથી દુકાળના સમયે ઢોર માટે ગૌચરની ગરજ સારે છે.

કુર્નૂલ

ટેકરીઓના ભાગોમાં ઉત્તમ પ્રકારનું લાકડું આપતાં સાગનાં વૃક્ષો તેમજ આંબા અને આમલીનાં વૃક્ષો જોવા મળે છે. ખજૂરી અને તાડનાં વૃક્ષોનાં ઝૂંડ પણ આવેલાં છે.

આ જિલ્લાની મહત્વની નદીઓમાં કૃષ્ણા, તુંગભદ્રા અને તેની સહાયક નદી હન્દરી, કુંદેરુ તથા ગુન્ડલકમ્માનો સમાવેશ થાય છે. કૃષ્ણા મહારાષ્ટ્ર રાજ્યના સતારા જિલ્લાની મહાબળેશ્વરની ટેકરીઓમાંથી, તુંગભદ્રા પશ્ચિમ ઘાટમાંથી, કુંદેરુ એરામલાઈ હારમાળામાંથી અને ગુન્ડલકમ્મા નલ્લામલાઈ ટેકરીઓમાંથી નીકળે છે. આ ઉપરાંત અન્ય નાની નદીઓ પણ આ જિલ્લામાં વહે છે. કેટલીક નદીઓ ઉપર જળાશયોનું નિર્માણ કરીને તેમાંથી નહેરો કાઢવામાં આવી છે. શ્રીશૈલમ્ અને ગઝુલેડીન મુખ્ય જળાશયો છે.

ખેતીપશુપાલન : જિલ્લાના કુલ ભૌગોલિક વિસ્તારનો આશરે 52 % ભૂમિભાગ ખેતી હેઠળ આવરી લેવાયો છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં જુવાર, કપાસ અને કઠોળનો સમાવેશ થાય છે. જિલ્લાના મધ્યભાગમાં ઉત્તમ કક્ષાની ‘રેગર’ જમીન આવેલી છે. ઓછો વરસાદ પડે તોપણ તેમાં ડાંગર, બંગાળી ચણા, બાજરી, જુવાર અને કપાસનું વાવેતર થાય છે. અહીં કાંપની જમીનોનું પ્રમાણ ઓછું છે, કાંપની જમીનો નદીઓના સંગમ સ્થળોની આજુબાજુમાં પથરાયેલી છે; તેમાં ઘઉં, અડદ અને રાયની ખેતી થાય છે.

ખેતી અને ગૌચરોની અનુકૂળતાને લીધે જિલ્લામાં પશુપાલન-પ્રવૃત્તિ વિકાસ પામી છે. પશુપાલનના વ્યવસાય પાછળ શહેરી વિસ્તારો માટે દૂધનો પુરવઠો પૂરો પાડવાનો હેતુ સમાયેલો છે. આ ઉપરાંત ઉપર્યુક્ત બંને જળાશયોમાં મત્સ્યઉછેરની પ્રવૃત્તિ વિકસાવવામાં આવી છે.

ઉદ્યોગો : જિલ્લાના ઔદ્યોગિક એકમો મુખ્યત્વે કૃષિ-આધારિત છે. અહીંના ઔદ્યોગિક એકમોમાં મેસર્સ તુંગભદ્રા ઇન્ડસ્ટ્રીઝ લિ. (કુર્નૂલ), મેસર્સ પન્યમ સિમેન્ટ્સ ઍન્ડ મિનરલ ઇન્ડસ્ટ્રીઝ કં. (બુગાનીપલ્લી), મેસર્સ રાયલસીમા સ્પિનિંગ મિલ્સ લિ. (અડોની), મેસર્સ રાયલસીમા પેપર્સ મિલ્સ (વસંતનગર, કુર્નૂલ), આંધ્રપ્રદેશ કાર્બાઇડ્ઝ લિ., મેસર્સ અડોની કૉટન મિલ્સ લિ. (અડોની), શ્રી રાયલસીમા આલ્કલીઝ ઍન્ડ ઍલાઇડ કેમિકલ્સ લિ. અને શ્રી રાયલસીમા મિલ્સ લિ.નો સમાવેશ થાય છે.

શ્રીસાઇલમ બંધ, કુર્નૂલ

વેપાર : જિલ્લામાંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં હાથસાળનું કાપડ, મિલનું કાપડ, ઇમારતી લાકડાં, ઇંધનનાં લાકડાં, સિમેન્ટ, ઘી, તેલ, લોહઅયસ્ક, ચિનાઈ માટી, ચૂનો, સ્લેટના પથ્થરો, તેલીબિયાં, તમાકુ, ડુંગળી, આદુ, મરચાંનો સમાવેશ થાય છે. જુવાર, ડાંગર, મરચાં જેવી ખેતીકીય ચીજોનો વેપાર થાય છે. જિલ્લામાં સમય અનુસાર લોકોની રહેણીકરણી બદલાઈ હોવાથી સૌંદર્યપ્રસાધનોની આયાત વધી છે.

નંદયાલ અને અડોનીની બજાર સમિતિઓ સંગઠિત થઈને કુર્નૂલ બજાર સમિતિ તરીકે વેપાર કરે છે; તેનું મુખ્ય કેન્દ્ર અડોની છે. આ સમિતિ દ્વારા કપાસ, મગફળી, તમાકુ અને મરચાં જેવા પાકોનું ખરીદ-વેચાણ થાય છે. કુર્નૂલ બજાર સમિતિનાં ગોદામો અડોની, યમ્મીગનૂર, નંદયાલ અને કુર્નૂલ ખાતે ઊભાં કરાયાં છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં કુલ 3,632 કિમી. લંબાઈના રસ્તા આવેલા છે, તે પૈકીના 2,092 કિમી. લંબાઈના રસ્તા પાકા છે. જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 અને 18 પસાર થાય છે, જે અનુક્રમે અનંતપુર-કુર્નૂલને અને કડાપ્પા-કુર્નૂલને સાંકળે છે. સંદેશાવ્યવહાર માટે ટેલિફોનની સુવિધા મહત્વનાં કેન્દ્રો ઉપર ઊભી કરવામાં આવી છે. વધુ વસ્તીવાળાં ગામડાંઓમાં પણ પોસ્ટઑફિસની સગવડો છે. ગુંટકલ-ગીડલૂર તથા કુર્નૂલ-ધોણેને સાંકળતો બ્રૉડગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

પ્રવાસન મથકો તરીકે અડોની, કુર્નૂલ, અહોબિલમ્, શ્રીસાઇલમ્, પાગાન્ટી સંગમેશ્વરમ્, થિમ્માપુરમ્ વધુ જાણીતાં છે.

વસ્તી : 2024 મુજબ આ જિલ્લાની વસ્તી 43,94,765 જેટલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને જૈન ધર્મના લોકો વસે છે. અહીં મુખ્યત્વે તેલુગુ, ઉર્દૂ અને કન્નડ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધા છે. વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, શારીરિક શિક્ષણ અને ઍજ્યુકેશન કૉલેજોની સગવડ છે. ઉચ્ચ શિક્ષણની મોટાભાગની કૉલેજો કુર્નૂલ ખાતે આવેલી છે. શહેરો અને નગરો ઉપરાંત ગામડાંઓમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જિલ્લામથકે ચિકિત્સાલયો અને ઔષધાલયો આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાનાં કેટલાંક સ્થળોમાંથી નંદવંશના રાજાઓની મુદ્રાઓ મળી હોવાથી તેમજ (નંદયાલ, નંદવરમ્, મહાનન્દી, નંદીકોટકુર વગેરે જેવાં) કેટલાંક સ્થળોનાં નામ નંદવંશ સાથે સંકળાયેલાં હોવાથી એમ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ જિલ્લામાં નંદવંશી રાજાઓનું આધિપત્ય હશે. ઈ. પૂ. 323ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યે આ પ્રદેશ જીતી લઈ મૌર્યવંશનો પ્રારંભ કરેલો. મૌર્યવંશ પછી સાતવાહન અને પલ્લવવંશે સત્તા મેળવેલી.

ઈ. સ. 1800માં નિઝામના હસ્તકે રહેલા ચાર જિલ્લાઓમાંથી એક જિલ્લો બ્રિટિશરોને સોંપેલો. ભારત સ્વતંત્ર થયા પછી 1953માં આંધ્રપ્રદેશની રચના થઈ તે સમયે, કુર્નૂલને પાટનગરનો દરજ્જો અપાયેલો; પરંતુ 1956માં હૈદરાબાદને આંધ્રપ્રદેશના પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું. 1971માં સેન્સસ દ્વારા આ જિલ્લાને નવ તાલુકામાં વહેંચવામાં આવ્યો છે.

નીતિન કોઠારી