કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય)

January, 2008

કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય) : ગુજરાતી કવિ ન્હાનાલાલે કરેલો મહાકાવ્યનો પ્રયોગ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ન્હાનાલાલ પૂર્વે પણ મહાકાવ્ય રચવાના પ્રયત્નો થયેલા. નર્મદ, દોલતરામ, ભીમરાવ, ગોવર્ધનરામ વગેરેએ કર્યા છે તેમાં ‘એપિક’ સર્જવાનો ન્હાનાલાલનો આ સભાન પ્રયત્ન વિશેષ ધ્યાનાર્હ છે. એમની લાક્ષણિક ડોલનશૈલીમાં મહાકાવ્યનું આ વસ્તુનિર્માણ કરતાં ખાસ્સાં બત્રીસ વર્ષ લાગેલાં. કવિના એકરાર પ્રમાણે આ મહાકાવ્યની અગિયાર હજાર (10,703) ચરણાવલિઓનો પ્રથમ અને છેલ્લો કાંડ પ્રથમ ઉદભવ્યા છે. ‘કુરુક્ષેત્ર’ના બાર કાંડ આ પ્રમાણે છે : (1) ‘યુગપલટો’ (1926), (2) ‘હસ્તિનાપુરનો નિર્ઘોષ’ (1930), (3) ‘નિર્ધાર’ (1940), (4) ‘યોધપર્વણી’ (1927), (5) ‘પ્રતિજ્ઞાદ્વન્દ્વ’ (1928), (6) ‘આયુષ્યનાં દાન’ (1940), (7) ‘ચક્રવ્યૂહ’ (1940), (8) ‘માયાવી સંધ્યા’ (1939), (9) ‘સહોદરનાં બાણ’ (1940), (10) ‘કાળનો ડંકો’ (1930), (11) ‘શરશય્યા’ (1929), (12) ‘મહાસુદર્શન’ (1927).

‘સમન્તપંચક અને મહાપ્રસ્થાન’ (ઉપોદઘાત અને ઉપસંહાર) તથા ‘અર્પણ અને પ્રસ્તાવના’નો રચનાકાળ 1940નો છે. આ બારેય કાંડના કથાભાગના મૂલાધાર વસ્તુવાર્તા સિવાય અન્ય સહુ વર્જવાનો કવિનો ‘સારસ્વત સંકલ્પ’ હતો. કવિ કહે છે તે પ્રમાણે ‘ડોલનશૈલીમાં ન્હાનકડું તેમને નવમહાભારત લખવાનું હતું. સુકાન હતું, હલ્લેસાં મ્હારે ઘડવાનાં હતાં, શઢ મ્હારે ચ્હડાવવાના હતા, શઢમાંના પવન મ્હારે ભરવાના હતા, સફર મ્હારે ખેડવાની હતી, ઝૂકાવ્યું.’ (‘અર્પણ અને પ્રસ્તાવના’)

દરેક કાંડની શરૂઆતમાં, ‘વિષયસ્ફોટન’ માટે, મૂળ મહાભારતમાંના જે તે પર્વોમાંથી વિષયને અનુરૂપ અવતરણો આપ્યાં છે…. પણ વસ્તુનિરૂપણ, અલંકારવૈભવ, અર્થઘટન અને અભિપ્રેત-દર્શન કવિનાં નિજી અને સ્વતંત્ર છે. અલબત્ત, એ બારેય કાંડોની ગુણવત્તા સમકક્ષ રહી નથી. (1) ‘યુગપલટો’, (7) ‘ચક્રવ્યૂહ’, (8) ‘માયાવી સંધ્યા’ અને (12) ‘મહાસુદર્શન’ કાંડમાં કવિપ્રતિભાના ચમકારા ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ‘ન્હાનાલાલ કવિની કવિતાનો આ યુગપલટો’ લાગે છે. ‘કુરુક્ષેત્ર’ના બારમા કાંડ ‘મહાસુદર્શન’ માટે પ્રો. ત્રિવેદી લખે છે : ‘મિલ્ટન અને ડાન્ટે જેવામાં જ જોઈ શકાશે : ‘મહાસુદર્શનની ભવ્યતા’.’

તત્વત: કવિની પ્રતિભા સર્વોત્કૃષ્ટ ઊર્મિકવિની છે ને કલ્પનાની ભવ્યતામાં તો તે અદ્વિતીય હોવા છતાં પણ, વસ્તુરચનાની ઘટ્ટતાને અભાવે અને કૈંક વિશૃંખલતાને કારણે ‘કુરુક્ષેત્ર’માં કવિ આંશિક રીતે સફળ થયા છે; અલબત્ત, ‘વીરરસની વીરગાથા’ ગાવામાં નિશાન ચૂક્યા નથી.

રણજિત પટેલ